ઈઝરાયલ પર પેલેસ્ટાઈનીઓનાં મૃતદેહમાંથી અંગો ચોરવાનો આરોપ છે. મૃતદેહોને મેડિકલ કોલેજમાં મોકલવામાં આવે છે અને તેને -40 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે અને પછી તેમના અંગોની ચોરી કરવામાં આવે છે. આ મૃતદેહો પર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે અને ઇઝરાયલના મેડિકલ વિદ્યાર્થીઓ આ મૃતદેહો પર વિવિધ પ્રયોગો કરી રહ્યા છે. યુરો-મેડિટેરેનિયન હ્યુમન રાઈટ્સ મોનિટરને ટાંકીને અલ માયાદીનના રિપોર્ટમાં આ સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે.
અહીં ગાઝામાં થયેલા તાજેતરના હુમલામાં 241 લોકોના મોત થયા છે. ઈઝરાયલના સેના પ્રમુખે કહ્યું કે, હમાસ વિરુદ્ધ યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહેશે.
અલ માયાદીનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોના મૃતદેહ સુરક્ષિત નથી. ઈઝરાયલના સૈનિકો તેમને પકડીને હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોકલી રહ્યા છે અને તેમની પાસેથી કિડની, લીવર અને અન્ય અંગો કાઢી લેવામાં આવી રહ્યા છે. તેમનો દાવો છે કે, ઈઝરાયલે 2021માં મૃતદેહોને જપ્ત કરવા માટે કાયદો ઘડ્યો હતો અને આ મૃતદેહોનો ઉપયોગ ઈઝરાયેલની મેડિકલ કોલેજોમાં થાય છે.
આ દરમિયાન ઈઝરાયલે ઉત્તર ગાઝામાં હુમલા તેજ કર્યા છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના ચીફ લેફ્ટનન્ટ જનરલ હરજી હલેવીએ કહ્યું છે કે, આ લડાઈ આવનારા ઘણાં દિવસો સુધી ચાલુ રહેશે અને અમે ઉત્તર ગાઝામાં પણ હમાસને ખતમ કરીશું. ગીચ વસાહતો અને સામાન્ય નાગરિકો જેવા દેખાતા હમાસના લડવૈયાઓ અમારા માટે મોટી સમસ્યા છે, પરંતુ અમે જાહેર કરવા માંગીએ છીએ કે હમાસ 7 ઓક્ટોબર જેવો હુમલો ફરી ક્યારેય નહીં કરી શકે. તેમણે કહ્યું કે, આતંકી સંગઠન હમાસના ઘણા કમાન્ડર માર્યા ગયા છે. આ દરમિયાન કેટલાક આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ સિવાય સેંકડો લોકોની અટકાયત કરવામાં આવી છે. અમે ગાઝામાં અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હથિયારોનો નાશ કર્યો છે.
તાજેતરના ઈતિહાસમાં ઈઝરાયેલનું હવાઈ અને જમીની આક્રમણ સૌથી વિનાશક લશ્કરી કાર્યવાહીમાંનું એક રહ્યું છે, જેના પરિણામે ગાઝાની 2.3 મિલિયનની વસ્તીમાંથી 85 ટકા લોકોએ સલામત સ્થળોએ આશરો લેવાની ફરજ પડી હતી. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર ગાઝામાં પાંચ લાખથી વધુ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.