પુસ્તક વિમોચન, રામમંદિર માટે પવિત્ર જળકુંભ અર્પણ, વીર શહીદોના પરિવારોનું સન્માન, આરોગ્ય કેમ્પ, પ્રાકૃતિક કૃષિ જાગૃતિ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા
SGVP સંસ્થા વર્ષોથી ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’નું મહાકાર્ય કરી રહી છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું અશક્ય લાગતું કામ પાર પાડ્યું છે
આજે અધ્યાત્મથી આયુર્વેદ, સોશિયલ સાયન્સથી સોલાર, મેથ્સથી મેટાવર્સ અને શૂન્યથી અંતરિક્ષ સુધી તમામ ક્ષેત્રે ભારતનો દબદબો છે
આયોધ્યામાં નિર્માણ પામેલું પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર ભારતની ઓળખ અને સંસ્કૃતિના પ્રતીક સમાન
અમદાવાદ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે SGVP આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્મૃતિ મહોત્સવ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, અનેકવિધ સામાજ કલ્યાણ પ્રવૃત્તિઓ, શૈક્ષણિક અને આધ્યાત્મિક કાર્ય પ્રવૃત્તિઓ થકી SGVP સંસ્થા વર્ષોથી ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’નું મહાકાર્ય કરી રહી છે. આ સંસ્થા રાષ્ટ્રભક્તિ,આધ્યાત્મિકતા અને આધુનિક શિક્ષાનો સુભગ સમન્વય છે.
SGVP સંસ્થાએ પોતાના ગુરુકુળોમાં વર્ષોથી વિદ્યાર્થીઓને ભારતીય સનાતન સંસ્કૃતિ, સદાચાર, નીતિમત્તા, પ્રામાણિકતા, ધર્મ સંપ્રદાય સહિત રાષ્ટ્રભક્તિના પાઠ ભણાવીને તથા ઉમદા સંસ્કારોનું સિંચન કરીને સફળ અને સંસ્કારી નાગરિકો સમાજને આપ્યા છે. ગુરુકુળોમાં વ્યસનમુક્તિ, ગૌસેવા, કૃષિ, ઉપાસના, અધ્યાત્મ, સંસ્કૃત, શાસ્ત્ર, સંગીત, ખેલકૂદ, વેદો-ઉપનિષદો સહિતનું જ્ઞાન વિદ્યાર્થીઓને પૂરું પાડીને દેશ વિદેશમાં સંસ્કારની સરવાણી આ સંસ્થાએ વહાવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને અનેકવિધ જન કલ્યાણ તથા રાષ્ટ્ર સુરક્ષાલક્ષી નિર્ણયો અને ઉપક્રમો વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું અશક્ય લાગતું કામ પાર પાડ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કોરોનાકાળમાં દેશની જનતાના આત્મસંયમ, જનતા કર્ફ્યુ, દેશના વૈજ્ઞાનિકોના વેક્સિન સંશોધન, ઉત્પાદન સહિત દેશના ખૂણે ખૂણા સુધી તથા પાડોશી દેશોને પણ રસી પહોંચાડીને આપણે વિશ્વનું ધ્યાન આપણી તરફ ખેંચ્યું છે.
આ વિશે વધુમાં વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ચંદ્ર સુધી પહોંચ્યા છીએ. આવનારા દિવસોમાં મેડિકલ સાયન્સનો અભ્યાસ 18 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં શરૂ થવાનો છે. આપણાં યોગ, આસન, ધ્યાન, આયુર્વેદ સહિત પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ વિશ્વભરમાં સ્વીકૃત બની રહ્યા છે. દેશનું અર્થતંત્ર 2014માં 11મા નંબરે હતું, જે આજે 5મા નંબરે પહોચ્યું છે. નવી શિક્ષણ નીતિમાં ભારતીય પરંપરાગત શિક્ષણ પદ્ધતિ સાથે આધુનિક શિક્ષણ પદ્ધતિનો સુગમ સમન્વય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આંતકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. એટલે જ, આજે અધ્યાત્મથી આયુર્વેદ, સોશિયલ સાયન્સથી સોલાર, મેથ્સથી મેટાવર્સ અને શૂન્યથી અંતરિક્ષ સુધી તમામ ક્ષેત્રે ભારતનો દબદબો રહ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
દેશમાં કલ્ચરલ રિફોર્મ અંગે વાત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં કલ્ચરલ રિફોર્મ થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડોર તેમજ ઉજ્જૈનમાં મહાકાલ લોકનું નિર્માણ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. સાથે જ, કેદારનાથ અને બદ્રીનાથ ધામનું પુનઃનિર્માણ પણ થઈ રહ્યું છે. ગુજરાતમાં પાવાગઢ તીર્થધામ હમણાં જ નવીનીકરણ પામ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં આયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે આગામી 22 મી જાન્યુઆરીએ રામલલ્લા તેમના ઘરમાં પુનઃસ્થાપિત થશે. આ મંદિર ભારતની ઓળખ અને સંસ્કૃતિના પ્રતીક સમાન હશે.
આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરીને દેશ આજે અમૃતકાળમાં પ્રવેશ્યો છે. આવનારાં 25 વર્ષમાં દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ થકી વર્ષ 2047માં આપણે વિકસિત ભારત બનાવવાનો આપણો સંકલ્પ ચોક્કસ સાકાર કરીશું, એમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે SGVPના સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાં કલમ 370 હટાવીને મા ભારતીનું શિખર પૂરું કરવાનું મહત્ત્વનું કામ કર્યું છે. આ ઉપરાંત, શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં કાયદાની જૂની કલમો બદલીને દેશમાં ગુલામીની જંજીરો અને માનસિકતા દૂર કરવાનું કામ પણ થયું છે. સાથે જ, અંગ્રેજોના સમયના જૂના કાયદાઓ બદલીને નવા કાયદાઓ બનાવીને આજે દેશમાં કાયદો વ્યવસ્થા સુચારું કરવાનું કામ પણ થયું છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભગવદ્ ગીતાનો અભ્યાસ પણ રાજ્યની શાળાઓમાં શરૂ કરવામાં આવ્યો છે, જે આપણા સમાજ અને રાષ્ટ્ર માટે ગૌરવ લેવા જેવી વાત છે, એમ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે SGVPના શ્રી બાલકૃષ્ણ સ્વામી સહિત દેશભરમાંથી પધારેલા અગ્રણી સાધુ સંતોએ પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતાં. આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીની સેવા પ્રવૃત્તિઓનો ચિતાર આપતું ‘મોહનથી માધવ’ પુસ્તકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ, વિવિધ પ્રદેશોમાંથી આવેલા પવિત્ર જળકુંભ SGVP તરફથી રામમંદિર, અયોધ્યા મોકલવા માટે શ્રી અમિતભાઈ શાહને અર્પણ કરવામાં આવ્યાં હતા. વીર શહીદોના પરિવારોનું સન્માન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આરોગ્ય કેમ્પ, પ્રાકૃતિક કૃષિ જાગૃતિ કેમ્પ સહિત વિવિધ જન જાગૃતિ કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ સ્મૃતિ મહોત્સવ પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીશ્રી યોગેન્દ્ર ઉપાધ્યાય, મહામંડલેશ્વર સ્વામી શ્રી અવધેશાનંદ ગીરીજી, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સહિત મોટી સંખ્યામાં દેશભરમાંથી સાધુ-સંતો, અનુયાયીઓ, સામાજિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.