ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ કામોમાં ભ્રષ્ટાચારે હદ વટાવી છે. અગાઉ અનેક કામોમાં ગેરરીતિઓ બહાર આવી છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે વધુ ચાર કામોમાં વ્યાપક ગેરરીતિ પકડી પાડી છે અને આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પુરાવા સાથે પત્ર લખીને જવાબદાર અધિકારીઓ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સામે પગલાં લેવા જણાવ્યું છે. જાેકે, અગાઉ પણ અનેક ગેરરીતિઓ બહાર આવ્યા છતાં મહાનગરપાલિકામાં હજુ સુધી એકપણ જવાબદાર અધિકારી સામે પગલાં લેવાયા નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે શહેરમાં ચાલતા વિવિધ વિકાસ કામોની મુલાકાત લઇને તેની કામગીરીની ચકાસણી કરી હતી. જે દરમિયાન રાંધેજા ખાતે ચાલી રહેલા તળાવ ડેવલપમેન્ટના કામમાં વ્યાપક ગેરરીતિઓ જણાઇ હતી. પાઇલીંગમાં અનેક પાઇલ ત્રાંસી હતી જેમાં એલાઇનમેન્ટ અને કોન્ક્રીટ કવર પણ બરાબર ન હતા. જેને કારણે પાઇલીંગનું આયુષ્ય ઘટવાની શક્યતા રહે છે. સ્ટ્રક્ચર માટે આ ગંભીર બાબત છે. ડ્રોઇંગ મુજબની જાડાઇના રાફ્ટ પણ બનાવાયા ન હતા. તળાવના રાફ્ટ નીચે પીસીસી અને તેની નીચેના રબલ પણ ટેન્ડર સ્પેસિફિકેશન મુબજના ન હતા. તળાવના શૌચાલય ખાતે બિનજરૂરી લેપ કરીને વધારાના સળીયાનો વપરાશ કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. કોલમમાં સ્ટીરઅપમાં સ્ટીલ ઓછું વપરાયું હોવાનું બહાર આવ્યું હતું.
આ સિવાય રાંધેજા ખાતે રબારી સમાજના સ્મશાનમાં બહારની બાજુએ બે ફૂટના અંતરે સમાંતર બે દિવાલ કરવામાં આવી છે. બહારની દિવાલની જરૂરિયાત નહીં હોવા છતાં બનાવવામાં આવતા મહાપાલિકાના નાણાનો બિનજરૂરી વ્યય થયો છે. જેથી આ બહારની દિવાલનું ચૂકવણું પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ જયેશ દલાલના બિલમાંથી બાદ કરી વસૂલ કરવા સૂચના અપાઇ હતી. કન્સલ્ટન્ટનો ખુલાસો પુછવા પણ કમિશનરને કહેવાયું છે. ચેરમેનની મુલાકાત સમયે જાણ કરવા છતાં આ કામના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના પ્રતિનિધિ હાજ ર રહ્યા ન હતા. રાંધેજામાં પાણીની પાઇપલાઇન નાંખવાની કામગીરી ચાલે છે. જે પાઇપલાઇન નંખાઇ છે તે ખાનગી જમીનમાંથી નંખાય છે. આથી હવે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સર્વે કરાયા બાદ જ મહાપાલિકા હસ્તકની જગ્યામાં પાઇપલાઇન નંખાય તે માટે સૂચના અપાઇ છે. આ ઉપરાંત સેક્ટર-૨૬ ગ્રીનસિટી અને સેક્ટર-૨૫ના બગીચાના કામમાં પણ ગેરરીતિઓ માલૂમ પડી હતી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ધ્યાનમાં આવેલી ગેરરીતિઓ મામલે કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા પ્રમાણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જયેશ દલાલ તથા ધવલ એન્જિનિયર્સ દ્વારા સૂચવવામાં આવતી ડિઝાઇનો જરૂરિયાત કરતા વધારે પડતી હેવી અને બિનજરૂરી હોવાથી મહાનગરપાલિકાના નાણાનો વ્યય થાય છે. બંને ગાર્ડનમાં કન્સલ્ટન્ટ જયેશ દલાલ દ્વારા સૂચવાયેલી હેવી ડિઝાઇન બાબતે ખુલાસો માંગવા કહેવામાં આવ્યું છે.
રાંધેજા તળાવના કામમાં ડ્રોઇંગમાં ૩૦૦ એમએમની જાડાઇ દર્શાવી હોવા છતાં સ્થળ પર ૧૭૦થી ૨૨૦ એમએમની જાડાઇ જાેવા મળી હતી. રાફ્ટ અને વોલમાં ભરવામાં આવેલા કોન્ક્રીટની ક્વોન્ટીટી ૫૧ ઘન મીટર છે. જેથી તમામ કોન્ક્રીટ તોડીને ટેન્ડરના ડ્રોઇંગ મુજબ ફરીથી રાફ્ટ અને વોલ ભરવા સૂચના આપવામાં આવી છે.