ત્રણ દિવસિય વાઇબ્રન્ટ સમિટમાં 136 દેશોમાંથી ડેલિગેટ્સ આવી રહ્યા છે. આ દરમિયાન મહાત્મા મંદિરમાં તેમના ભોજનમાં નોનવેજની એક પણ ખાદ્યસામગ્રી પિરસવામાં આવશે નહી.
ગોલ્ડન કાર્ડ ધરાવતા ડેલિગેટ્સ માટે રાજ્ય સરકારે રૂપિયા ચાર હજાર આસપાસના ખર્ચે શાકાહારી પ્લેટ નક્કી કરી છે. જેને ‘વાઇબ્રન્ટ ભારત થાળી’ એવું નામ આપવામાં આવ્યું છે.
10મી જાન્યુઆરીએ સમિટના ઉદ્દઘાટન બાદ પહેલા દિવસની બપોરે લંચમાં ‘ટેસ્ટ ઓફ ભારત’ નામે ડેલિગેટ્સ અને આમંત્રિતોને શાકાહારી ભોજન પિરસવામા આવશે. સાંજે ‘ટેસ્ટ ઓફ ગુજરાત’ નામે તૈયાર થનારી થાળીમાં ખીચડી- કઢીનો સામેવશ કરવામાં આવ્યો છે. બીજા દિવસે 11 જાન્યુઆરીએ બપોરે લંચમાં ‘ટેસ્ટ ઓફ મિલેટ્સ’માં બાજરી, બંટી, જુવાર, મકાઈ, રાગી સહિતના જાડા ધાનમાંથી તૈયાર થતી વાનગી પિરસવામાં આવશે. એ જ દિવસની સાંજે કલ્ચરલ પ્રોગ્રામની સાથે નેટવોર્કીંગ ડિનરનું આયોજન કરાયું છે. જ્યારે છેલ્લા દિવસ 12મી જાન્યુઆરીએ ‘ટેસ્ટ ઓફ કાઠિયાવાડ’ લંચમાં રિંગણાનો ઓળો અને બાજરીના રોટલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, સમિટમાં ત્રણ દિવસમાં કુલ પાંચ વખત મહાત્મા મંદિરમાં આમંત્રિતોને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
વાઇબ્રન્ટ ભારત થાળીનું મેનુ
સલાટ, પાપડ, અથાણું, ફુદીનાની ચટણી
બાજરી અને બીટની ટિક્કી ચાટ
અંજીર દહીં કા કબાબ
સબ્જ બદામી સોરબા- સુપ
કાજુ- કેસરની ગ્રેવીમાં શાહી પનીર
ગોવિંદ ગટ્ટા કરી
એક્ઝોટિક વેજીટેબલ લઝાનિયા
હરી મુંગ દાલ તડકા
અમૃતસરી કુલ્ચા, ફુલ્કા અને રાગીની રોટલી
મોતીચુર ચીઝ કેક વિથ બ્લૂ બેરી
માલપુઆ સાથે લછ્છા રબડી
સિઝનલ કટફ્રૂટ, ચા અને કોફી