થોડા સમય પહેલા મોરબી જિલ્લામાંથી નકલી ટોલનાકું ઝડપાતા ચકચાર મચી હતી. જ્યાં ટોલનાકા નજીકથી જ એક રસ્તો બાયપાસ કરી કેટલાક લોકો દરરોજ લાખો રૂપિયાની ઉઘરાણી કરી સરકારને લાખોનું નુકસાન કરતા હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકારે જ જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનો ટોલનાકાના મેનેજર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ મામલે ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિ કહી રહ્યા છે કે, ગામના રસ્તેથી વાહનચાલકોને પસાર થતા તેઓ રોકી શકે નહીં. આ બાબતે ટોલનાકાના મેનેજમેન્ટ દ્વારા ભૂતકાળમાં પણ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢ જિલ્લાના જેતપુરથી સોમનાથ જતા નેશનલ હાઈવે પર ગાદોઈ ગામ નજીક ટોલનાકું આવેલું છે. આ ટોલનાકા નજીક જ ગાદોઈ ગામનો રસ્તો આવેલો છે. ટોલનાકાના મેનેજરનું માનીએ તો, ગાદોઈ ગામના કેટલાક અસામાજિક તત્વો ટોલનાકા નજીક ઉભા રહી જાય છે અને વાહનોને ગાદોઈ ગામના રસ્તે ડાયવર્ટ કરી દે છે. આ લોકો દ્વારા વાહનચાલકો પાસેથી ગેરકાયદે પૈસાની વસૂલાત કરાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ટોલનાકા નજીકથી દરરોજ 1000 થી 1500 વાહનોને ડાયવર્ટ કરી દેવામાં આવતા હોવાના કારણે ટોલબુથને દરરોજ બેથી અઢી લાખ રૂપિયાનું નુકસાન થતું હોવાનો મેનેજર દ્વારા દાવો કરાયો છે.
3 જાન્યુઆરીના રોજ ગાદોઈ ગામના મહિલા સરપંચના
પતિ રાયમલભાઈ જલુ સહિતના પાંચ લોકો ટોલનાકા
નજીક ટ્રેકટર આડુ રાખી વાહનોને અન્ય રસ્તા પર ડાયવર્ટ
કરતા હોય ટોલનાકા પરના કર્મચારીઓએ તેને રોકવાનો
પ્રયાસ કર્યો હતો. જેના કારણે સરપંચના પતિ સહિતના
પાંચ લોકોએ ગેરકાયદે મંડળી રચી હથિયાર ધારણ કરી
ટોલનાકાના કર્મચારીઓ સાથે મારામારી કરી ધમકી આપ્યાની
પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.તો બીજી તરફ
રાયમલભાઈ દ્વારા પણ ટોલનાકાના કર્મચારીઓ સામે ગામનો
રસ્તો બંધ કરી મારામારી કરવામાં આવી હોવાની વળતી
ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
શું કહી રહ્યા છે ટોલનાકાના મેનેજર?
ગોદાઈ ટોલનાકાના મેનેજર મહેન્દ્રસિંધે જણાવ્યું હતું કે, ટોલનાકાથી 500 મીટર દૂર કેટલાક અસામાજિક તત્વો વાહનોને આડા રાખી ટ્રાફિક ડાયવર્ટ કરી દે છે. આ લોકો વાહનચાલકો પાસેથી પૈસા વસૂલે છે.દરરોજ 1000થી 1500 વાહનો ડાયવર્ટ કરી દેવામાં આવે છે. જેનાથી ટોલબુથને દરરોજ બે થી અઢી લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા અમારા કર્મચારીઓ તેઓને રોકવા ગયા તો તેના પર હુમલો કરાયો હતો. આ મામલે અમે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
જેમના પર વાહનોનો ડાયવર્ટ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી તે ગોદાઈ ગામના સરપંચના પતિ રાયમલભાઈ જલુએ જણાવ્યું હતું કે, આ ગામનો આ રસ્તો સુવિધા પથનો છે. એ લોકો(ટોલનાકાના કર્મચારી) બંધ કરાવવા આવ્યા હતા મને જાણ થતા મેં તેને રસ્તો બંધ કરવાની ના પાડી હતી. કોઈપણ વ્યકિત કોઈ રસ્તે ચાલી શકે,. આપણે કોઈને મનાઈ ન કરી શકીએ.
ગોદાઈ ગામમાં રસ્તા પરથી અનેક વાહનચાલકો પસાર થઈ રહ્યા હતા. આ સમયે કેટલાક વાહનચાલકોને પૂછવામાં આવ્યું તો તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે, અહીંથી દરરોજ પસાર થવાનું હોય છે. 115 રૂપિયા બચે એટલે અમે આ રસ્તા પર ચાલીએ છીએ.
બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક બાહુબલિઓએ છેલ્લા દોઢ વર્ષથી પોતાનું ટોલનાકું ઊભું કર્યું હતું. વાહનચાલકો પાસેથી ટોલનાકા કરતા અડધા ભાવે ઉઘરાણું કરી રહ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ ગેરકાયદે ટોલનાકા કાંડમાં સિરામિક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.