વડાપ્રધાનશ્રીએ 5T એટલે કે ટેલેન્ટ, ટ્રેડિશન, ટૂરીઝમ, ટ્રેડ અને ટેકનોલોજીના વિનિયોગ થકી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગવું વિઝન આપ્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપના પરિણામે દેશમાં ઉદ્યોગોના વિકાસ દ્વારા દેશનું અર્થતંત્ર નવી ઊંચાઈએ પહોંચ્યું નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાતનાં તમામ પ્રવાસન સ્થળોનો ઉત્તરોત્તર વિકાસ થયો
આજે પતંગનો વ્યાપાર અનેક શ્રમજીવીઓનો આધાર બન્યો
ગુજરાતનો પતંગ વ્યાપાર ઉત્તરોત્તર વધી રહ્યો છે, ૪૦ ટકાના હિસ્સા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું પતંગ ઉત્પાદક બજાર બન્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શરૂ કરાયેલો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આજે ગ્લોબલ ઉત્સવ બની ગયો છે : પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૫ દેશોના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ૧૨ રાજ્યોના ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે
અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- ૨૦૨૪ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સમયથી આગળનું વિચારવાની વિચારધારા અને વિઝનરી લીડરશીપના પરિણામે દેશમાં ઉદ્યોગો, ધંધા-વ્યાપારના વિકાસ દ્વારા દેશનું અર્થતંત્ર નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં દેશના વિકાસનો પતંગ આકાશમાં ઊંચી ઉડાન ભરી રહ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૪નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસના પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દીર્ઘદૃષ્ટિ સાથે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ની ૧૦મી આવૃત્તિનો આવતા અઠવાડિયેથી પ્રારંભ થઈ રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.સામાન્યમાં સામાન્ય માનવીને આર્થિક પ્રગતિનો લાભ મળે, આવક વૃદ્ધિ અને રોજગાર સર્જનથી ગુજરાતની પ્રગતિ વધતી રહે તેવી ‘પ્રો પીપલ અભિગમ’ની પરંપરા વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાયણના લોકપ્રિય પતંગ પર્વને આગવા વિઝન સાથે વિશ્વખ્યાતિ અપાવીને દર વર્ષે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ મનાવવાની દિશા આપી છે. આજે ગુજરાતનો આ પતંગ મહોત્સવ વિશ્વભરમાં જાણીતો બન્યો છે. દેશ-વિદેશમાંથી પતંગબાજો દર વર્ષે આ લોકપ્રિય ઉત્સવમાં ભાગ લેવા ઉમટે છે, એ આ ઉત્સવની સફળતાની સાબિતી આપે છે, એમ તેમણે ઉમેર્યું હતું.આપણા વડાપ્રધાનશ્રીનું 5T નું વિઝન છે. 5T એટલે કે Talent(ટેલેન્ટ), Tradition(ટ્રેડિશન), Tourism(ટૂરીઝમ), Trade (ટ્રેડ) અને Technology (ટેકનોલોજી)ના વિનિયોગ થકી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગવું વિઝન આપેલું છે. વડાપ્રધાનશ્રીના આ વિઝનને સાર્થક કરવા આપણે જનભાગીદારીથી ઉત્સવની ઉજવણીના તમામ આકર્ષણોમાં 5 T જોડીને વિકાસની નવી કેડી કંડારી છે, એમ તેમણે ઉમેર્યું હતું.વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ હોય કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હોય, ગુજરાતે હંમેશાં પોતાની સંસ્કૃતિ અને સામર્થ્યની અનુભૂતિ લોકોને કરાવી છે. આવા આયોજનો રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવે છે. એટલું જ નહિ, રોજનું કમાઈને રોજ ખાનારા ધંધાર્થીઓની આર્થિક સ્થિતિ પણ સુધારે છે તથા અન્ય આનુષાંગિક રોજગારીની તકો પણ વધે છે, એમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
ગુજરાતના પતંગ ઉદ્યોગની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતનો પતંગ વ્યાપાર ઉત્તરોત્તર વધતો જાય છે. ૪૦ ટકાના હિસ્સા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું પતંગ ઉત્પાદક બજાર બન્યું છે. આ સાથે આજે પતંગનો વ્યાપાર શ્રમજીવીઓનો એક આધાર પણ બન્યો છે. આજે એક પતંગ પાછળ ઘણા બધા લોકોને રોજગારી મળી રહી છે. પતંગની સાથે દોરી, ફિરકી, ગુંદરપટ્ટી, તલસાંકળી અને ઊંધિયું સુધીના તમામ વ્યાપાર સંકળાયેલા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતનાં પ્રવાસન સ્થળોને દેશ-વિદેશનું એક ફેવરિટ ડેસ્ટિનેશન બનાવી દીધું છે. શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાતનાં તમામ પ્રવાસન સ્થળોનો ઉત્તરોતર વિકાસ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ધોરડોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે એક સમયે ધોરડોમાં વર્લ્ડ ટુરિઝમ પ્રસ્થાપિત થશે અને દેશ-વિદેશના લોકો આ સ્થળને જોવા ગુજરાત આવશે. વડાપ્રધાનશ્રીની એ વાત આજે સાકાર થઈ રહી છે. વિશ્વ પર્યટન સંગઠન UNWTO દ્વારા કચ્છના ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડનો દરજ્જો આપવામાં આવ્યો છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતના વિવિધ શહેરોમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની પ્રાચીન વિરાસતને જાળવીને તમામ ઉત્સવ ઊજવવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે. આ સાથે વોકલ ફોર લોકલને ધ્યાનમાં રાખીને રાજ્યના હસ્તકલાનાં કારીગરો ઘરઆંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ્સ અને પતંગ રસિકો માટે ખાણી પીણીના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે, એમ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસનો પતંગ આકાશમાં ઊંચી ઉડાન ભરી રહ્યો છે અને ગુજરાતના સર્વગ્રાહી વિકાસના પતંગે પણ ઊંચી ઉડાન ભરી છે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સ્વાગત પ્રવચન કરતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યું કે, ઉતરાયણ એ સૂર્યદેવની આરાધના કરવાનો દિવસ છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દર વર્ષે દેશ વિદેશમાંથી પતંગબાજો સામેલ થાય છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ પતંગોત્સવ રાજ્યના અન્ય પ્રવાસન સ્થળો અને શહેરોમાં પણ શરૂ કરાયો છે.મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલો પતંગોત્સવ આજે ગ્લોબલ ઉત્સવ બની ગયો છે. પ્રવાસન સ્થળોના વિકાસ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અનેક ઐતિહાસિક, ધાર્મિક તથા પ્રવાસન સ્થળોનો વિકાસ કરી અને માળખાકીય સુવિધાઓ ઊભી કરી પ્રવાસન ગતિને વેગ આપવા રાજ્ય સરકાર કાર્યરત છે. આગામી સમયમાં 69મો ફિલ્મફેર એવોર્ડ આપણા ગુજરાતમાં થઈ રહ્યો છે તે આનંદની વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.આ અવસરે ઋષિ કુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ વિશ્વના વિવિધ દેશો અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજોની પરેડનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉપરાંત યુવક સેવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ‘Gujarat Means Growth’ અને ‘ગુજરાતના વિકાસનો પતંગ’ નૃત્યની રંગારંગ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં કુટિર ઉદ્યોગ અને સહકાર રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, દેશ – વિદેશથી આમંત્રિત મહેમાનો, પતંગબાજો, રાજદ્વારી પ્રતિનિધિઓ, સ્થાનિક ધારાસભ્યો, અમ્યુકોના પદાધિકારીઓ, કાઉન્સિલર્સ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ આગામી ૭થી ૧૪ જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાઈ રહ્યો છે. જેમાં ૫૫ દેશોના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ૧૨ રાજ્યોના ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૮ જાન્યુઆરીએ વડોદરા, ૯ જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, ૧૦ જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, ૧૧ જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, ૧૨ જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારીખ ૭થી ૧૩ જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે ૭થી રાત્રે ૯ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના આ પ્રકારના આયોજનથી સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થયું છે, પરિણામે અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. પ્રવાસન સાથે જોડાયેલાં લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે જેના લીધે લોકોના જીવનધોરણના સ્તરમાં પણ વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૫ દેશોના ૧૫૩ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૫ દેશોના ૧૫૩ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. સહભાગી દેશોની વાત કરીએ તો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહેરિન, બેલારૂસ, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, હંગેરી, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, ઈટલી, જાપાન, જોર્ડન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, સ્લોવાકિયા, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, થાઈલેન્ડ, ટ્યુનિશિયા, તુર્કી, યુક્રેન, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામ જેવા દેશોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૨ રાજ્યોના ૬૮ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે
બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિળનાડુ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજો સહભાગી થયા
અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, કચ્છ, બોટાદ, ગાંધીનગર, જસદણ, જૂનાગઢ, ખેડા, લુવારા, મોટા ભાડિયા, નવસારી, ઓડ, પાટણ, રાજકોટ, રાણપુર, સાબરકાંઠા, સાવરકુંડલા, સુરત, થાનગઢ અને વડોદરાના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
કર્ણાવતી મહાનગરના મીડિયા વિભાગના સંયોજક વિક્રમ જૈન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના પતંગ ઉદ્યોગને વેગ મળે તે હેતુથી અંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો : વિક્રમ જૈન
કર્ણાવતી મહાનગરના મીડિયા વિભાગના સંયોજક વિક્રમ જૈને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે International kite festivalનો આજે શુભારંભ કરાવ્યો અને તે પ્રસંગે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના- 2024 થીમ પર એક પતંગ રસિકે પતંગ ચગાવ્યો હતો તે મુખ્યમંત્રીએ પણ ચગાવ્યો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના પતંગ ઉદ્યોગને વેગ મળે તે હેતુથી અંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.