લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રેસકોર્સ મેદાનમાં વિશાળ સંમેલન યોજાયું હતું. RSSના કાર્ય વિસ્તાર કુંભ અંતર્ગત દિવસભરના કાર્યક્રમોમાં 2,300 સ્વયંસેવકો જોડાયા હતા. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ ડૉ. મનમોહનજી વૈદ્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે હિન્દુ રાષ્ટ્રની સર્વાંગી ઉન્નતિ માટે સ્વયંસેવકોને વિવિધ કાર્ય અને ગતિવિધિઓ સાથે સમાજના લોકોને સાથે લઈને ચાલવાની પ્રેરણા આપી હતી.
મનમોહન વૈદ્ય જણાવ્યુ કે, RSSના 5 ઉદ્દેશો છે. જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી જાગરણ અને નાગરિક પ્રબોધન સામેલ છે. લોકસભા ચૂંટણીને લઈને સંમેલન યોજાયું છે કે, કેમ તે અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2025માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને શતાબ્દી વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હોવાથી કાર્ય વિસ્તારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વયંસેવકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કહ્યું હતું કે, સંઘને સમાજના વિવિધ ભાગો સુધી લઈ જવા માટે સમયાંતરે ભારતીય મજદૂર સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વગેરે જેવા વિવિધ સંગઠનો શરૂ થયા છે. 35થી વધુ સંગઠનો સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, વર્ષ 2025માં સંઘની જન્મ શતાબ્દી આવી રહી છે ત્યારે સંઘના વિચાર અને સંઘકાર્યને જન સુધી પહોંચાડવાના હેતુસર આ કાર્યવિસ્તાર કુંભ યોજાયો હતો. રવિવારે સવારે 9 કલાકે રેસકોર્સ ખાતે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં મહાનગરના 5 વિસ્તારના, 35 નગર, 200 વસ્તી તથા વિવિધ ઉપવસ્તીમાંથી 2,300થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. જેમાં 1,792 તરુણ, 378 બાલ સ્વયંસેવકો હતા. જ્યારે 130 સ્વયંસેવકો પ્રબંધક તરીકે વ્યવસ્થામાં હતાં.
વર્ષ 2025માં સંઘને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં સમાજના દરેક વ્યક્તિ સુધી સંઘનું કાર્ય પહોંચાડવા પહોંચવા સ્વયંસેવકોએ કમર કસી છે. રાજકોટ મહાનગરમાં વર્ષ દરમિયાન દરેક વસ્તીમાં શાખા, વિસ્તારક યોજના, વસ્તીસહ હિન્દુ સામ્રાજ્ય દિન, રક્ષાબંધન, વિજયાદશમી ઉત્સવ, શસ્ત્રપૂજન જેવા વિવિધ કાર્યક્રમો યોજી નવા નવા લોકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ ચાલક મુકેશભાઈ મલકાણ, પ્રાંત સેવા પ્રમુખ નારણભાઈ વેલાણી, પ્રાંત પ્રચાર પ્રમુખ પંકજભાઈ રાવલ અને પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટમાં આયોજિત સંઘના કાર્ય વિસ્તાર કુંભનું સમાપન પથ સંચલન (માર્ચ પાસ્ટ) સાથે થયું હતું. રેસકોર્સ રીંગરોડ પર સંઘના 10 વર્ષથી ઉપર અને પ્રૌઢ વય સુધીના સ્વયંસેવકો, શિસ્તબદ્ધ હરોળમાં ઘોષ (બેન્ડ)ના તાલ સાથે પરેડ કરતા નીકળ્યા હતા ત્યારે તેને લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું. રાજકોટમાં પ્રથમ વખત ષડવ્યૂહમાં આ પથ સંચલન યોજવામાં આવ્યું હતું.