પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓના રોલ મોડલ છે. વડનગરની ગલીઓમાં તેમનું બાળપણ સંઘર્ષમાં વીત્યું છે. ત્યારે તેમના આ સંઘર્ષ અને સફળતા વિશે અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુથી વડનગરમાં એક ખાસ આયોજન કરાયું છે. વડનગરમાં પ્રધાનમંત્રી મોદી જે શાળામાં ભણ્યા હતા, તે શાળાનું નવીનીકરણ કરાયું છે.
સાથે જ આ શાળામાં વિદ્યાર્થીઓને સ્ટડી ટુર કરાવાશે. ધોરણ 9થી 12ના જે વિદ્યાર્થીઓ આ સ્ટડી ટૂર કરી શકશે. એ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે જેના માટે મંત્રાલય દ્વારા ઓનલાઈન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સમગ્ર વર્ષમાં દર સપ્તાહે 10 છોકરીઓ અને 10 છોકરાઓ એમ 20 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ આ ટુરમાં ભાગ લઈ શકશે.
આ ટૂરનો કાર્યક્રમ ગુજરાતના વડનગરમાં 1888માં સ્થાપિત વર્નાક્યુલર સ્કૂલમાં યોજાશે. આ સ્કૂલમાં વડાપ્રધાન મોદીએ અભ્યાસ કર્યો હતો. 1888માં શરૂ થયેલી આ સ્કૂલનું નામ વડનગર કુમારશાળા નંબર-1 હતું. 2018માં આ સ્કૂલને બંધ કરીને તેનું રિનોવેશનનું કામ કરવામાં આવ્યું હતું. વડનગર માટે એક મેગા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (ASI)એ આ સ્કૂલની મરામત કરી છે. આ દરમિયાન આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને નજીકની કન્યાશાળામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હવે નવી બનેલી સ્કૂલમાં આઠમા સુધીના ક્લાસ, એક કેફે, ઓરિએન્ટેશન સેન્ટર વગેરે જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સ્કૂલને ખાસ ટેકનોલોજીથી પણ સજ્જ કરવામાં આવી છે જ્યાં બાળકો આધુનિક ટેકનોલોજી દ્વારા અભ્યાસ કરી શકશે.
આ ટૂરના કેન્દ્રમાં મૂલ્ય આધારિત શિક્ષણ છે. જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂળ તત્વોમાંથી એક છે. આ ટૂરમાં વિદ્યાર્થીઓને એક સપ્તાહના કાર્યક્રમના માધ્યમથી નવી ટેકનોલોજી અને વ્યવહારિક ગતિવિધીઓના માધ્યમથી શિક્ષણનાં મૂલ્યોનો અનુભવ મેળવવાનો અવસર પ્રદાન થશે. આ ટૂરમાં મુખ્ય નવ વિષય પર શિક્ષણ અપાશે. જે ગતિવિધિ આધારિત શિક્ષણના માધ્યમથી આનંદમય અને સાર્થક અધિગમ માટે અવસર પ્રદાન કરે છે. સ્વાભિમાન અને વિનય, શોર્ય અને સાહસ, પરિશ્રમ અને સમર્પણ, કરૂણા અને સેવા, વિવિધતા અને એકતા, સત્યનિષ્ઠા અને શૂચિતા, નવિનતા અને જિજ્ઞાસા, શ્રદ્ધા અને વિશ્વાસ, સ્વતંત્રતા અને કર્તવ્ય જેવાં જીવનમૂલ્યોનો વિસ્તાર આઠ કક્ષાઓમાં થશે. વિદ્યાર્થીઓ વડનગરમાં પુરાતાત્વિક અને પ્રાચીન વારસો ધરાવતાં સ્થળોની મુલાકાત પણ લઈ શકશે. આ સ્કૂલને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે ભવિષ્યમાં પ્રાથમિક શિક્ષણનું મોડેલ બની શકે. તેનાથી દેશના 740 જિલ્લાની શાળાઓને પ્રેરણા મળી શકે.
ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરમાં થયો હતો અને તેમણે પ્રારંભિક અભ્યાસ અહીંથી જ કર્યો હતો. આ ઉપરાંત તેઓ તેમના પિતા સાથે વડનગર રેલ્વે સ્ટેશન પર પણ કામ કરતા હતા. પીએમ નરેન્દ્ર મોદીના પિતાની રેલવે સ્ટેશન પર જ ચા-સ્ટોલ હતી. તેને પણ એક હેરિટેજ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે.