અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ માટે કાઉન્ટડાઉન શરૂ થવાની સાથે જ અયોધ્યામાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ઉજવણીનો માહોલ છે. ખાન માર્કેટ જેવા દિલ્હીના પોશ વિસ્તારોના બજારોથી લઈને મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ, બિહારની મિથિલા – સીતાનું જન્મસ્થળ, કર્ણાટકના રામનગર જિલ્લો – જ્યાં ભગવાન રામે તેમના વનવાસ દરમિયાન મુલાકાત લીધી હતી – બધા આ દિવસની ખૂબ જ ધૂમધામથી તૈયારી કરી રહ્યા છે.
પરંતુ અયોધ્યાથી 7,000 કિલોમીટરથી વધુ દૂર પેરિસ પણ રામમય બની ગયું છે. પેરિસ પ્રેમના શહેર તરીકે વ્યાપકપણે જાણીતું છે. અહીં પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પહેલાં યાત્રા કાઢવામાં આવશે. પેરિસમાં રહેતા ભારતીયોએ 21 જાન્યુઆરીએ ‘અયોધ્યા મંદિર મહોત્સવ’ અંતર્ગત ભગવાન રામના મહિમાની ઉજવણી કરવા માટે બે કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આયોજકોએ ન્યૂઝ18ને જણાવ્યું કે, રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેથી વધુને વધુ લોકો તેમાં ભાગ લઈ શકે.
પ્રથમ ‘રામ રથયાત્રા’ થશે. જેમાં ભગવાન રામના રથને ફ્રાન્સની રાજધાનીના મુખ્ય સ્થળો પર લઈ જવામાં આવશે. ત્યાં પૂજા અને આરતી, પ્રસાદનું વિતરણ અને સંક્ષિપ્ત સાંસ્કૃતિક પ્રદર્શન થશે. ‘રામ રથયાત્રા’ બપોરે 12 વાગ્યે પ્લેસ ડે લા ચેપેલથી શરૂ થશે અને પ્લેસ ડી ટ્રોકાડેરો – જ્યાં પ્રખ્યાત એફિલ ટાવર છે – ત્યાં બપોરે 3 વાગ્યે સમાપ્ત થશે.
આયોજકોએ જણાવ્યું કે, યાત્રા સવારે 10.30 વાગ્યે લા ચેપેલના ગણેશ મંદિરમાં પ્રાર્થના અને ‘વિશ્વ કલ્યાણ યજ્ઞ’ સાથે શરૂ થશે. ત્યારપછી પ્રવાસ પ્લેસ ડે લા રિપબ્લિક, મ્યુઝી ડી લુવ્રે (લુવ્ર મ્યુઝિયમ), આઇકોનિક આર્ક ડી ટ્રાયમ્ફેમાંથી પસાર થશે અને અંતે પ્લેસ ડી ટ્રોકાડેરો પહોંચશે.
મુખ્ય આયોજક અને ફ્રાન્સમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપીના પ્રમુખ અવિનાશ મિશ્રાએ જણાવ્યુ હતુ કે, ‘પ્લેસ ડી ટ્રોકાડેરો ખાતે રામ રથયાત્રા’ પૂર્ણ થયા બાદ કાર્યક્રમને એફિલ ટાવરમાં શિફ્ટ કરવામાં આવશે. પૂજા અને આરતી પણ થશે. ભગવાન રામના વિશાળ પોસ્ટરો અને બેનરો માટે ઓર્ડર આપવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘ભગવાન રામના વિશાળ પોસ્ટરો અને બેનરો એફિલ ટાવરની આસપાસના વિસ્તારોને સુંદર બનાવશે. અમે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરીશું જેમાં ભગવાન રામના ગીતો રજૂ કરવામાં આવશે. અમે સંતોને પણ આમંત્રિત કર્યા છે જેઓ ત્યાં પ્રવચન આપશે. પ્રસાદનું વિતરણ પણ કરીશું.’