સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના જાહેર કરવામાં આવેલા રેન્કિંગમાં ટોપ 20માં ગુજરાતના માત્ર બે શહેરો સુરત અને અમદાવાદનો સમાવેશ થાય છે. અમદાવાદનો 15મો રેન્કિંગ આપવામાં આવ્યો છે. ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદનો 18મો ક્રમ હતો. જે હવે 15માં ક્રમે પહોંચ્યું છે. શહેરના સૌથી મોટા કચરાના ડુંગર એવા પીરાણા ડમ્પિંગ સાઈટ અને પ્રોસેસિંગ પ્લાન્ટની ધીમી કામગીરીના કારણે શહેર સ્વચ્છતાના ટોપ ટેન રેન્કમાં સ્થાન મેળવી શક્યું નથી.
સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામ બાદ અમદાવાદમાં સ્વચ્છતાને લઈ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રોડ રસ્તા ઉપર સફાઈ કરેલી જોવા મળી હતી. ક્યાંય પણ કચરાના ઢગલા જોવા મળ્યા નહોતા. પાનના ગલ્લા કે ચાની કીટલીઓ પર પણ કચરો બહાર ફેંકેલો જોવા મળ્યો નહોતો. દરેક જગ્યાએ ડસ્ટબીન રાખેલા હતા. જોકે કેટલીક જગ્યાએ સ્વચ્છતા કર્યા બાદ ત્યાં લોકોએ જાહેર રોડ ઉપર કચરો ફેંક્યો હોય તેવા પણ દૃશ્યો દેખાયા હતા.
સ્વચ્છતા સર્વેક્ષણ 2023 મુજબ અમદાવાદને 15મો ક્રમાંક મળ્યો છે. ગત વર્ષ કરતાં શહેરમાં સ્વચ્છતામાં સુધારો થયો હોવાનું રેન્કિંગ પ્રમાણે જણાય છે. શહેરના રોડ રસ્તા ઉપર જ્યારે નીકળીએ ત્યારે રોડ ઉપર સફાઈ થયેલી જોવા મળી હતી. ક્યાંય પણ કચરાના ઢગલા હોય અથવા રોડ પર સફાઈ થઈ ન હોય તેવું જોવા મળ્યું નહોતું. દરેક સોસાયટીની બહાર ફૂટપાથ ઉપર કચરો અથવા એઠવાડ નાખવામાં આવતો હોય છે તે પણ જોવા મળ્યો નહોતો. જોકે કેટલાક વિસ્તારોમાં જ્યારે સવારના સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હોય તો પણ લોકો બહાર જ કચરો નાખી દીધેલો જોવા મળ્યો હતો.
કેટલાક વિસ્તારોમાં નાગરિકોની બેદરકારી અને નાગરિકો જ કચરો ફેંકતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. રોડ ઉપર જ્યાં પણ પશુઓ દેખાય ત્યાં ખવડાવતા હતા. વસ્તુઓ જ રોડ ઉપર ફેંકી દેતા હતા, જેના કારણે રોડ ઉપર ગંદકી જોવા મળી હતી. મોટાભાગે રોડ ઉપર સ્વચ્છતા હતી. દરેક જગ્યાએ ડસ્ટબિન મૂકેલા જોવા મળ્યા હતા. જાહેર રોડ ઉપર કચરો ફેંકવા માટે જે સિલ્વર ટ્રોલીઓ નાખવામાં આવી હતી તે એક પણ જગ્યાએ જોવા મળી નહોતી. તમામ સિલ્વર ટ્રોલીઓ હટી ગઈ છે. લોકોએ ડોર ટુ ડોર આવતી કચરાની ગાડીમાં જ કચરો આપવાની શરૂઆત કરાવી છે. જેના કારણે રોડ ઉપર ક્યાંય લોકો કચરો ફેકતા નજરે પડ્યા નહોતા.
શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી દરેક જગ્યાએ ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે. વેપારીઓ, દુકાનદારો, પાનના ગલ્લા અને ચાની કીટલી વાળાઓને ડસ્ટબિન ફરજિયાત પણે રાખવા સૂચના આપવામાં આવી છે. જેના પગલે પાનના ગલ્લા અને ચાની કીટલી ઉપર પણ તપાસ કરતા ત્યાં ડસ્ટબિન જોવા મળ્યા હતા અને કચરો ફેંકેલો જોવા મળ્યો નહોતો. જોકે હજી પણ કેટલાંક સ્થળોએ લોકો જાહેરમાં શૌચાલય અને એઠવાડ પણ ફેકે છે. જેના કારણે શહેરમાં સ્વચ્છતા જળવાતી નથી. કેટલાક એવા પણ સ્થળો છે કે જે જગ્યાએ શૌચાલયની જરૂરિયાત હોવા છતાં પણ શૌચાલય જોવા મળ્યા નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરતા ચાલુ વર્ષે ત્રણ ક્રમાંક આગળ લાવી શહેરની સ્વચ્છતાનું ગુણવત્તામાં થોડો ઘણો સુધારો કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન જેઓ સુરત મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારથી જ તેઓ સ્વચ્છતા ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો.
અમદાવાદ કમિશનર તરીકે ચાર્જ લીધા બાદ તેઓએ સ્વચ્છતા ઉપર જ વધુ ભાર મૂક્યો છે. દરેક સ્થળ ઉપર સ્વચ્છતા જળવાઈ રહે તેના માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. જેના ભાગરૂપે આજે અમદાવાદમાં સ્વચ્છતા જોવા મળે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને કર્મચારીઓ દ્વારા શહેરમાં દિવસ અને રાત એમ બંને ટાઈમ સફાઈ કરવામાં આવે છે, જેના કારણે શહેર સ્વચ્છ જણાય છે.
સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં શૌચાલય, દરેક સ્થળોએ સ્વચ્છતા, સફાઈ વગેરેને લઈને સારા પોઇન્ટ મેળવ્યા છે, પરંતુ ટોપ ટેન રેન્કમાં સ્થાન ન મળવાનું મુખ્ય કારણ પીરાણા ડમ્પિંગ સાઈટ છે. પીરાણા ડમ્પિંગ સાઈટની કામગીરી ઝડપી આગળ વધી રહી છે, પરંતુ હજી સુધી ડમ્પિંગ સાઈડનો નિકાલ થયો નથી. જેના કારણે અમદાવાદ શહેર સ્વચ્છતામાં આગળ વધી શકતું નથી. પીરાણા ડમ્પિંગ સાઈટ પર પ્રોસેસિંગ પ્લાન્ટમાં જે રીતે ઝડપી અને વધુ કચરો પ્રોસેસ થવો જોઈએ તે થતો નથી. તેની સામે કચરો દિન પ્રતિદિન વધતો જાય છે. જેના કારણે પણ રેન્કિંગના માર્ક મળ્યા નથી. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને પીરાણા ડમ્પિંગ સાઈટ પ્રથમ ક્રમ કે ટોપ ટેન સ્થાન મેળવવા સુધી પહોંચવામાં નડી છે.
સફાઈને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા પણ સ્વચ્છતાના 60 દિવસમાં દરેક બ્રિજ, રોડ, મુખ્ય એન્ટ્રી પોઇન્ટ, મંદિરો, સ્કૂલો વગેરે જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. દર શુક્રવારે નેતાઓ કોર્પોરેટરો અને અધિકારીઓ દ્વારા સફાઈ કરવામાં આવતી હતી. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ઉપર ખૂબ જ વધુ ભાર મૂકી અને શહેરને સ્વચ્છતા તરફ આગળ લઈ જવામાં આવે છે, પરંતુ હજી પણ શહેરમાં યોગ્ય રીતે જ્યાં લોકો જાહેર રોડ ઉપર કચરો ન ફેકે, ગંદકી ન ફેલાવે તેના માટે અવેરનેસ જરૂરી છે, તે રીતે કામગીરી થતી નથી. જેથી શહેર હજી પણ સ્વચ્છ રહેતું નથી.