મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટો દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંદાજે 12 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર ગુટખા જપ્ત કર્યો હતો તેમજ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપીની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે કાસા વિસ્તારમાં છટકું ગોઠવીને પાલઘરથી મુંબઈ જતાં ત્રણ ટ્રક ઝડપી પાડયા હતા. આ ટ્રકોમાંથી 400 મોટી બોરીઓમાંથી વિવિધ પ્રકારના 4000 ગુટખા મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે હવે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
દેશના જુદા-જુદા ભાગોમાં લોકો તમાકુ ઉત્પાદનોનું સેવન કરે છે. તમાકુના પેકેટ પર સ્પષ્ટ લખેલું છે કે, તમાકુના સેવનથી કેન્સર થાય છે, પરંતુ લોકો તમાકુના સેવનથી પાછળ હટવાના નથી. ગુટખા એ તમાકુમાંથી બનેલ ઉત્પાદન છે.
હકીકતમાં, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-9ના વરિષ્ઠ અધિકારી દયા નાયકની ટીમે પાલઘર જિલ્લાના કાસા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન તેઓએ 12 કરોડ રૂપિયાના પ્રતિબંધિત ગુટખાનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલીસે આ કેસમાં 7 લોકોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે વિવિધ પ્રકારના ગુટખા, પાન મસાલા અને ટ્રક સહિત કુલ 12 કરોડ રૂપિયાના પ્રતિબંધિત ઉત્પાદનો જપ્ત કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આ ગુટખા ક્યાંથી આવ્યો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઈબ્રાહિમ ઈનામદાર, સંતોષ કુમાર સિંહ, કામિલ ખાન, હીરાલાલ મંડલ, નાસિર યલગર, જમીર સૈયદ અને સંજય ખરાત તરીકે થઈ છે. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 9ના અધિકારીએ જણાવ્યું કે, પહેલા ત્રણ આરોપીઓની ગુટખા સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ગુટખા પાલઘર જિલ્લામાંથી મુંબઈમાં સપ્લાય થવાનો હતો. આ પછી ક્રાઈમ બ્રાન્ચે કાસા વિસ્તારમાં છટકું ગોઠવીને ત્રણ ટ્રક ઝડપી પાડયા હતા. આ ટ્રકોમાંથી 400 મોટી બોરીઓ મળી આવી હતી, જેમાં વિવિધ પ્રકારના 4000 ગુટખા હતા. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.