રાજ્યપાલ મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશનાં પન્ના જિલ્લામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન એક દલિત મહિલાને સ્ટેજ પર પોતાના વિચારો વ્યક્ત કરવાની તક આપવામાં આવી હતી. જ્યારે મહિલા લાજ કાઢીને સ્ટેજ પર પહોંચી તો નેતાઓ અને અધિકારીઓએ તેને ઘુંઘટ હટાવીને ભાષણ આપવા કહ્યું. તેના પર મહિલાએ કહ્યું કે તે ઘૂંઘટ નહીં ખોલે, ત્યાં જેઠ બેઠા છે.
રાજ્યપાલ મંગુભાઈ પટેલ વિકસિચ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેવા માટે ગુનૌર વિધાનસભા ક્ષેત્રના ચોપરા ગામમાં આવ્યા હતા. અહીં સિયા બાઈ નામની મહિલાને મંચ પરથી પોતાના વિચારો વ્યક્ત કરવાનો મોકો અપાયો હતો.
સિયાબાઈ ઘૂંઘટ તાણીને સંબોધન કરવા સ્ટેજ પર આવ્યા ત્યારે અધિકારીઓએ ઘૂંઘટ હટાવીને પોતાની વાત કહેવા જણાવ્યું. જો કે, સિયા બાઈની વાત સાંભળીને ઉપસ્થિત સૌ લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા. તેઓ એક જ વાત વારંવાર કહેતા હતા કે, તે ઘૂંઘટ નહીં હટાવે, કેમ કે તેમના જેઠ અહીં બેઠા છે. જો કે, તેના પછી લોકો જાતજાતની વાતો કરવા લાગ્યા અને અનુમાન કરવા લાગ્યા કે શું સિયા બાઈ રાજ્યપાલને પોતાના જેઠ કહીને બોલાવે છે!
સિયાબાઈની વાત સાંભળીને રાજ્યપાલ પોતાનું હાસ્ય રોકી શક્યા નહોતા. જો કે, મહિલાએ કોને જેઠ કહીને બોલાવ્યા તે જાણી શકાયું નથી, પરંતુ આ બાબતની ખૂબ ચર્ચા થઈ રહી છે. સિયાબાઈએ મંચ સરકારની વિવિધ યોજનાઓની પ્રશંસા કરી હતી. રાજ્યપાલ મંગુભાઈ પટેલે જણાવ્યું કે, સિયાબાઈએ જે હિંમત દાખવીને મંચ પર પોતાના વિચારો રજૂ કર્યા તે પ્રશંસાને પાત્ર છે.