વાત એક સામાન્ય જીવનસાથી પસંદગી મેળાની છે પણ તેમા જે વાત સામે આવી તે સમાજને વિચારતો કરી મુકશે. એક પસંદગી મેળો આ મહામંથનનું કારણ બન્યો છે. આ પસંદગીમેળામાં 200 દીકરાઓની સામે 20 જ દીકરીઓ આવી, જો રેશિયો કાઢીએ તો 10 દીકરાઓની સામે 1 જ દીકરીએ પસંદગીમેળામાં ભાગ લીધો. સ્થળ રાજ્યનું પાટનગર હતું અને જે પસંદગી મેળો હતો તે 14 ગામ લેઉવા પાટીદાર સમાજનો હતો. વાત માત્ર પાટીદાર સમાજ પૂરતી મર્યાદિત ન રાખીએ અને સમાજના દરેક વર્ગને સવાલ કરીએ કે શું આપણે આ સ્થિતિની સામૂહિક જવાબદારી લઈશું. હું અનુભવે કહું છું કે મોટાભાગના લોકોનો જવાબ હા માં જ આવશે. મોબાઈલમાં સ્ટેટસ તરીકે મુકાતો સુવિચાર છે કે દીકરીઓને જનમવા જ નહી દઈએ તો દીકરાઓ માટે વહુ લાવશું ક્યાંથી? આજે એ સવાલ પણ પૂછવાનો થાય કે 10 દીકરા સામે 1 દીકરી પસંદગી મેળામાં આવે એનું કારણ શું છે. શું ગર્ભપાતનો કાયદો છાનેછૂપે મેટરનિટિ હોમમાં રોજ દમ તોડે છે. શું દીકરીઓની પસંદગી એટલી ચોક્કસ બની છે કે પસંદગી મેળાનું પ્લેટફોર્મ પણ એને ટુંકું પડે છે. પાટીદાર સમાજ સહિત તમામ સમાજો માટે પસંદગી મેળાઓ ખરેખર લાલબત્તી સમાન બની રહ્યા છે.? અગાઉની પેઢીએ નોંતરેલી સમસ્યાના પરિણામ હવેની પેઢી બહુ ખરાબ રીતે ભોગવી રહી છે કે કેમ. આખરે દીકરીઓની સંખ્યા ઓછી કેમ થઈ.
ગાંધીનગરમાં 14 ગામ લેઉવા પાટીદાર સમાજનો પસંદગી મેળો યોજાયો હતો. પસંદગી મેળામાં સમાજને એકંદરે નિરાશા સાંપડી છે. પસંદગી મેળામાં 200 દીકરાઓની સામે 20 જ દીકરીઓ આવી હતી. સરેરાશ જોઈએ તો 10 દીકરા સામે 1 જ દીકરી આવી હતી. પાટીદાર સમાજમાં જાતિ રેશિયો ચેતવણી સમાન છે તેવો મત તેમજ દરેક સમાજ માટે જાતિ રેશિયો આત્મમંથનનો વિષય છે. આ જ પરિસ્થિતિ રહેશે અને દીકરીનો જન્મદર દિવસેને દિવસે ઘટશે સમસ્યા મોટી ઉભી થઈ શકે છે.
પસંદગી મેળાના શું પડઘા પડ્યા?
પસંદગી મેળામાં દીકરીઓની પાંખી સંખ્યા જોવા મળી તેમજ સમાજના મોભીઓ નિરાશ થયા છે. 14 ગામ લેઉવા પાટીદાર સમાજે મહત્વની પ્રતિજ્ઞાઓ લીધી છે.
સમાજે શું પ્રતિજ્ઞા લીધી?
1. લગ્ન પહેલા પ્રિ-વેડિંગ શુટીંગ બંધ કરવું
2. સમાજ દ્વારા યોજાતા સમૂહલગ્નમાં જ દીકરા-દીકરીના લગ્ન કરવા
3. સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપીને સાદાઈથી લગ્ન કરવા
4. જન્મદિવસની ઉજવણીમાં પાર્ટી ન યોજવી, સત્યનારાયણની કથા કરાવવી
5. મરણ પછીનો જમણવાર કરવો નહીં અને ખાવું પણ નહીં
નેશનલ ફેમિલી હેલ્થ સરવે શું કહે છે?
દેશમાં 2019 થી 2021ના સરવેના આંકડા ઉપલબ્ધ
સરવે મુજબ દેશમાં પુરૂષોની સાપેક્ષે મહિલાઓની સંખ્યા વધી
2019 થી 2021ના સરવેમાં દેશમાં દર 1000 પુરૂષે 1020 મહિલા
ગુજરાતની સ્થિતિ શું છે?
ગ્રામ્ય વિસ્તારમાં દર 1000 પુરૂષે 965 મહિલા
શહેરી વિસ્તારમાં દર 1000 પુરૂષે 929 મહિલા
છેલ્લા પાંચ વર્ષમાં જન્મેલા બાળકોમાં પ્રતિ 1000 બાળકે 955 બાળકીઓ