ટ્વીન સીટી તરીકે જાણીતાં ગાંધીનગર- અમદાવાદની કનેક્ટીવીટી વધારવાના હેતુસર, મેટ્રો સહિતના અન્ય રોડ માર્ગના વૈકલ્પિક રૂટ પર તંત્ર દ્વારા વિવિધ પ્રકારના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યાં છે. જેથી કરીને અમદાવાદના મુખ્ય માર્ગોથી ગાંધીનગર આવતાં વાહન ચાલકોને સરળતાં રહે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી 6 માસમાં વઘુ એક સવલત ગાંધીનગર અને અમદાવાદની જનતાને અપાશે. ગાંધીનગરથી એરપોર્ટ રોડ પર પસાર થતાં વાહન ચાલકો માટે એપોલો સર્કલ પર ભારે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે તંત્રે આ સ્થળે કેબલ સ્ટ્રેઈડ બ્રીજ બનાવવાનું નક્કી કર્યું છે. જેના માટે 8 માસ અગાઉ જ અમેરીકાથી કેબલ ખરીદવામાં આવેલાં હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
એસપી રીંગ રોડ પર આવેલ એપોલો સર્કલ પર ઓફિસ સમય દરમિયાન ભારે ભીડના દ્રશ્યો કાયમી બન્યાં છે. જેથી કરીને આ સમસ્યાના નિવારણ માટે તંત્રે બ્રીજ બનાવવાનો નિર્ણય લિધો છે. આ માટે આગામી દિવસોમાં એપોલો સર્કલને પણ તોડી પાડવામાં આવશે. બ્રીજ નિર્માણના કુલ 10 ગાળામાંથી 8 ગાળાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
બાકીના 2 ગાળા માટે કેબલની મદદ થકી બ્રીજ બાંધવામાં આવશે. આ કામગીરી માટે ટૂંક સમયમાં જ એપોલો સર્કલ તોડી પાડવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરીને ટ્રાફિક ડાયવર્ઝન માટેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવશે. અંદાજીત કુલ 1 કિમીથી વધારે લંબાઈના બ્રીજ પર 100-100 મીટરના 2 ગાળા પર કુલ 200 મીટરનો સ્પાન સંપૂર્ણ કેબલના સપોર્ટ પર રહેશે. જેના નિર્માણ માટે આગામી 6 માસ જેટલો સમય લાગશે. એપોલો સર્કલ પર બ્રિજ બન્યા બાદ વાહન ચાલકોને નર્મદા કેનાલથી નીચે ઉતરવાની જરૂરીયાત નહીં રહે. એરપોર્ટ જવા માટે કેબલ સ્ટ્રેઈડ બ્રિજનું ટોપ નર્મદા કેનાલ સુધી રહેશે.
વૈષ્ણોદેવી થી નરોડા તરફ જતાં અને એરપોર્ટથી ગાંધીનગર તરફ આવતાં વાહનો માટે એપોલો સર્કલ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાતી જોવાં મળતી હોય છે. આગામી દિવસોમાં એપોલો સર્કલ દૂર કરાતાં રોડ પહોળો થશે. ઉપરાંત આ સ્થળે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ સહિત પરિવહનમાં પણ સરળતાં રહેશે.
એપોલો સર્કલને તોડીને કેબલ બ્રિજ બનાવવાની કામગીરીમાં હજારો વાહનોના પરિવહનને અસર પડી શકે છે. હાલની તારીખે તપોવનથી કોબા સુધીનો રોડ પણ મેટ્રોની કામગીરીના કારણે બંધ છે. ત્યારે એપોલો સર્કલ પર પણ ડાયવર્ઝન અપાશે તો વાહન ચાલકોને શરૂઆતી તબક્કે ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે.