વિધાનસભાને ડિજીટલાઇઝ કરવાના ભાગરૂપે તમામ ધારાસભ્યોને ટેબલેટ આપવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાને પણ ડિજીટલ બનાવવાની જાહેરાત મેયર દ્વારા કરવામાં આવી હતી પરંતુ મહિનાઓ વિતવા છતાં કોર્પોરેટરોને ટેબલેટ મળ્યા ન હતા. આખરે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ટેબલેટ ખરીદી માટેની મંજૂરી આપવામાં આવી છે. 16.19 લાખના ખર્ચે સેમસંગ કંપનીના 44 ટેબલેટની ખરીદી કરવામાં આવશે.મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં મિલકત વેરાની પ્રક્રિયા સંપૂર્ણ પેપરલેસ અને ડિજીટલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત સિટીઝન એપ સહિતની વિવિધ એપ્લિકેશન મહાનગરપાલિકા દ્વારા ડેવલપ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની મોટાભાગની કામગીરી ઓનલાઇન બનવા જઇ રહી છે. જેથી ડીજીટલ અભિયાનના ભાગરૂપે તમામ કોર્પોરેટરોને પણ ટેબલેટ આપવા માટે મેયર હિતેષ મકવાણાએ જાહેરાત કરી હતી. પરંતુ જે તે વખતે ટેબલેટની ખરીદી થઇ શકી ન હતી, બીજીતરફ કોર્પોરેટરો પણ ટેબલેટની રાહ જોઇ રહ્યા હતા. હવે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા દ્વારા ભરાઇને આવેલા 16.19 લાખના ટેન્ડરને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સેમસંગ કંપનીનું આ એક ટેબલેટ 36,700 રૂપિયામાં પડશે. ટેબલેટની ખરીદી મેયરની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.