ગાંધીનગરના પીંપળજ ગામમાં અગાઉના ઝગડાની અદાવતમાં ફરીવાર મામલો બીચકતા બે જુથો વચ્ચે ઘાતક હથિયારો વડે હિંસક અથડામણ થઈ હતી. આ મામલે રખીયાલ પોલીસે બંને પક્ષે 17 લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામના સાહેબજીના મુવાડા ગામના જયેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલે સવારના પોણા દશેક વાગ્યાના તેઓ અને તેમની પત્નિ નીતાબેન પીંપલજ ગામેથી હાઇસ્કૂલમાંથી પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાંથી ગાડી લઇ પરત જતા હતા. ત્યારે પીંપલજ ગામથી જીંડવા જવાના ત્રણ રસ્તા ખાતે પીંપલજ ગામના મયુરસિંહ સરદારસિંહ ઠાકોર, સરદારસિંહ રામસિંહ ઠાકોર, અમથાજી ભીખાજી ઠાકોરે ગાડી ઉભી રખાવી હતી.અને કહેવા લાગેલા કે, કેમ તે દિવસે ખેતરમાં અમારી સામે દાદાગીરી કરતા હતા. બાદમાં ત્રણેય જણાં ગાળો બોલી ઝપાઝપી કરી કરવા લાગ્યા હતા. આથી જયેન્દ્રસિંહે તેમના મોટાભાઈ વિનોદસિંહ ઝાલાને ફોન બોલાવ્યા હતા. જેનાં પગલે વિનોદસિંહ, પિતરાઈ ભાઈ મારૂતસિંહ દોલતસિંહ, ભત્રીજો રાહુલસિંહ નટવરસિંહ ઝાલા ત્યાં પહોંચી ગયા હતા. આ દરમ્યાન મયુરસિંહે દાંતી વિનોદસિંહના માથાના મારી હતી. એટલામાં તારાબેન રામસિંહ ઠાકોર, સાગર અમથાજી ઠાકોર, કનુસિહ સબુરસિંહ ઠાકોર, લાલીબેન અમથાજી ઠાકોર તથા લાખાજી અમરસિંહ ઠાકોર પણ લાકડીઓ લઇને આવી બધાને મારવા લાગ્યા હતા.
જયારે પીંપળજ ગામના સરદારજી રામાજી ઠાકોરે વળતી ફરિયાદ આપેલ કે, સવારના પોણા દશેક વાગ્યાના સુમારે પોતે ઘરે હાજર હતા ત્યારે સાહેબજીના મુવાડા ગામના વિશ્વજીતસિંહ ઉર્ફે ચકો વિનોદસિંહ ઝાલા અમારા ઘર આગળ થઇ ગાળો બોલતા બોલતા નીકળેલ. અને પાછળ વિશ્વજીતસિંહનાં કાકા જયેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા ગાડી લઇ આવતા ગાડી ઉભી રખાવી હતી. અને બંન્ને પક્ષે વડીલો મારફતે અગાઉ સમાધાન કરેલ છતા જયેન્દ્રસિંહના પત્નિ નીતાબેન જેમ ફાવે તેમ બોલી ઝગડો કરવા લાગ્યા હતા. જયેન્દ્રસિંહે તેમના ભાઇઓને ફોન કરી દિધેલ હોવાથી રાહુલ નટવરસિંહ ઝાલા, વિનોદસિંહ છત્રસિંહ ઝાલા, મારૂતસિંહ દોલતસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ મદનસિંહ ઝાલા, આશિક ઝાલા તેમજ ગોપાલસિંહ ઝાલા ધોકાઓ તથા લાકડીઓ લઈને આવી ગયા હતા. બાદમાં તેઓએ હૂમલો કર્યો હતો. અને ઘર ઉપર છૂટા પથ્થરો મારતા મારતા કહેતા હતા કે આજે તો બચી ગયા છો હવે પછી મળશો તો જાનથી મારી નાંખીશુ. આ મામલે રખીયાલ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.