ગાંધીનગરના ઝૂંડાલ ગામની સીમમાં આવેલ મોનાર્ક ક્લેન્સ સોસાયટીમાં મકાનનાં ફર્નિચર ફિટિંગનું કામ બે મહિનાથી પૂર્ણ નહીં થતાં મકાન માલિકે પિત્તો ગુમાવી દઈ સુથારનાં પેટ – ગરદનનાં ભાગે લોખંડની ફર્સી વડે હૂમલો કર્યો હતો. જે અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ વટવામાં રહેતો શહેઝાદ ફારુકશાહ હનીફશાહ ફર્નિચર ફીટીંગનુ કામ કરે છે. છેલ્લા બે મહીનાથી તે મોનાર્ક ક્લેન્સ સોસાયટીમાં હર્નિતસિંગના ઘરે ફર્નિચર ફીટીંગનુ કામ કરી રહ્યો છે. જે પુરુ થવા આવેલ છે. જેની સાથે નૌસાદઆલમ પણ ફર્નિચરનું કામ કરવા જાય છે. ગત તા. 25 મી જાન્યુઆરીનાં રોજ સાંજના છ વાગ્યાના સુમારે ઝુંડાલ ગામની સીમમાં આવેલ મોનાર્ક ક્લેન્સનુ ફર્નીચરનુ કામ પૂર્ણ કરી શહેઝાદ અને નૌસાદ પાર્કીંગમાંથી બાઈક લઈને ઘરે જવા માટે નિકળ્યા હતા.
તે વખતે હર્નિતસિંગ તેઓની પાસે ગયો હતો. અને કહેવા લાગેલ કે કાલથી ઘરનું ફર્નિચરનું કામ કરવા માટે આવતો નહીં. અને ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યો હતો. આથી શહેઝાદે ગાળો બોલવાની ના પાડતાં હર્નિતસિંગ વધુ ઉશ્કેરાઈ જઈ હાથમાં રહેલ લોખંડની ફર્સી શહેઝાદના પેટની ડાબી બાજુએ મારી દીધી હતી. આ હુમલાથી તેને લોહી વહેવાની સાથે આંખે અંધારા આવતાં નીચે પડી ગયો હતો.
તેમ છતાં હર્નિતસિંગે ફરસીથી ગરદનના ભાગે તથા જમણા હાથની કલાઈ ઉપર ઘા કર્યો હતો. અને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. જેથી તેને ભાઈ નૌસાદે વચ્ચે પડીને વધુ મારમાંથી છોડાવ્યો હતો. બાદમાં શહેઝાદને 108 એમ્બ્યુલન્સ મારફતે ચાંદખેડા ની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.