યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલાં કાચાં-પાકાં ગેરકાયદે દબાણો ખુલ્લાં કરવા અંગે આજે વહેલી સવારથી મોટા પોલીસકાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. એમાં 21 પાકાં મકાનો તથા 153 જેટલાં ઝૂંપડાં હટાવીને 3 હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. હજુ આગામી દિવસો સુધી સરકારી જમીન ઉપરનાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે એવું જાણવા મળી રહ્યું છે. આ મેગા ડિમોલિશનમાં પ્રાંત અધિકારીથી લઈને પોલીસના અધિકારીઓ માર્ગદર્શન હેઠળ જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

વેરાવળ સોમનાથમાં સરકારી જમીન ઉપરનાં દબાણો ખુલ્લાં કરાવવાનો એક્શન પ્લાન તંત્ર દ્વારા તૈયાર કરાયો હતો. એ અંતર્ગત આજે વહેલી સવારથી પ્રાંત અધિકારી કે.વી. બાટીની આગેવાનીમાં વેરાવળ, સુત્રાપાડા અને તાલાલાના મામલતદાર, નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી સહિત 30થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા સોમનાથ મંદિરની પાછળના ભાગે મરીન પોલીસની આસપાસના વિસ્તારમાં આવેલી સરકારી સર્વે નં.1852 તથા સોમનાથ મંદિર ટ્રસ્ટની જમીન ઉપર વર્ષોથી ખડકાયેલાં કાચાં-પાકાં મકાનોનાં દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ દબાણો હટાવવા માટે માર્ગ-મકાન વિભાગની ટીમ દ્વારા જેસીબી, ટ્રેક્ટરો કામે લગાડાયાં હતાં. આ મેગા ડિમોલિશન કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા પણ સ્થળ પર પહોંચ્યા હતા.
મેગા ડિમોલિશન અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિર પાછળ મરીન પોલીસ સ્ટેશન આસપાસની સરકારી અને ટ્રસ્ટની જમીનો ઉપર વર્ષોથી પેશકદમી સાથે કાચાં-પાકાં મકાનો, ઝૂંપડાંનું દબાણ હતું. આ દબાણો ખુલ્લાં કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. એ અંતર્ગત આજે 3 હેક્ટર જમીન ઉપર દબાણ કરેલાં 21 પાકાં મકાનો તથા 153 જેટલા ઝૂંપડાં હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ ખુલ્લી જમીનને ફરતે ફેન્સિંગ કરવામાં આવશે.

આજની આ મેગા ડિમોલિશનની કામગીરીમાં કોઈ વિક્ષેપ ઊભો ના થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જડબેસલાક પોલીસ- બંદોબસ્ત તહેનાત કરી દેવાયો હતો. એમાં ડિમોલિશનના સ્થળે 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 20 પીએસઆઈ, એલસીબી, એસઓજી તથા જીઆઇડી મળી 500 જેટલા પોલીસકર્મીઓનો કાફલો બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યો છે.
ડિમોલિશનના લીધે વિસ્થાપિત થનારા પરિવારો પ્રત્યે રેવન્યુ અને પોલીસતંત્રનું માનવીય વલણ સ્થળ પર જોવા મળ્યું હતું. એમાં વહીવટી તંત્ર દ્વારા વિસ્થાપિત પરિવારોની ઘરવખરી અને માલસામાનને અન્ય સ્થળે લઈ જવા માટે ટ્રેક્ટર સહિતનાં વાહનોની સુવિધા કરી આપવામાં આવી હતી. ઉપરાંત તંત્ર દ્વારા વિસ્થાપિત પરિવારના લોકો અને બાળકો માટે જમવા ને નાસ્તાની વ્યવસ્થા માનવતાના ધોરણે કરી દેવામાં આવી હતી. આમ, આ બન્ને ઘટનાએ તંત્રમાં લોકો પ્રત્યે રહેલી સંવેદનશીલતાનાં દર્શન કરાવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાં 10 મહિના પેહલા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હર્ષદ અને આસપાસના વિસ્તારમાં ચાર ધાર્મિક સ્થળો સહિત 273 જેટલા ગેરકાયદે દબાણોને જમીનદોસ્ત કરી દેવાયા હતા. તંત્ર દ્વારા 11 લાખ ચોરસ ફૂટ કરતા વધુ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત બેટ દ્વારકા ખાતે આવેલા બાલાપર વિસ્તારમાં અમુક ધાર્મિક સ્થળનું ગેરકાયદેસર બાંધકામ હોવાનું અને ત્યાં ગેરકાનુની પ્રવૃત્તિ થતી હોવાથી તંત્ર દ્વારા ડીમોલિશન કરવામાં આવ્યું હતું.