જ્યારે પડે છે ત્યારે સઘળું પડે છે, આ વાત ગુજરાત કોંગ્રેસને સુપેરે લાગુ પડી રહી છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે જે સિલસિલો હજુ અટક્યો નથી. પક્ષનો સાથ છોડનારા કેટલાક નેતા એવા પણ હતા કે જે અગાઉ ભાજપમાં હતા અને ફરી ભાજપમાં ઘર વાપસી કરી પણ સરવાળે કોંગ્રેસને નુકસાન તો થયું જ છે.
જે નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે તે તમામ નેતાઓ વર્ચસ્વ ધરાવનારા નેતાઓ છે. આ એવા નેતાઓ હતા કે જે ટિકિટ આપનારા હતા અને હવે તેઓ જ કોંગ્રેસને છોડીને ચાલી નિકળ્યા. મોટેભાગે ગુજરાતની રાજનીતિમાં દાયકાઓથી તો એવું જ બને છે કે આયારામ-ગયારામનો સિલસિલો કોંગ્રેસ પક્ષમાં જ ચાલુ રહ્યો હોય. હવે કોંગ્રેસે એ વિચારવાની જરૂર છે કે વર્ષોથી જે પક્ષની સાથે રહ્યા તેને એવું તો શું થાય છે કે પક્ષમાં ફાવતું નથી. અત્યાર સુધી સકારાત્મકતાથી કામ કરનારા નેતાઓને કોંગ્રેસમાં અચાનક નકારાત્મકતા કેમ લાગવા માંડી. પક્ષ છોડનારા નેતાઓમાં પદ, પ્રતિષ્ઠાની લાલચ હદ બહારની થઈ ગઈ છે કે પછી ખરેખર પક્ષ જ પોતાની દશા અને દિશા નક્કી કરી શકતો નથી આ સવાલનો જવાબ ક્યારે મળશે તે તો સમય કહેશે પણ અત્યારે હકીકત એ જ છે કે કોંગ્રેસ તૂટી રહી છે અને તેને જોડનારું દૂર-દૂર સુધી કોઈ દેખાતું નથી.
ગુજરાત કોંગ્રેસમાં ભંગાણનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. કોંગ્રેસમાં વર્ચસ્વ ધરાવતા નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. સવાલ એ છે કે દિગ્ગજ નેતાઓને પણ કોંગ્રેસમાં કેમ ફાવતું નથી? અને કોંગ્રેસમાં ટિકિટ આપનારા ભાજપમાં કેમ ચાલ્યા ગયા?
કોણ કૉંગ્રેસ છોડી જતાં રહ્યાં?
- ઘનશ્યામ ગઢવી- પૂર્વ ચેરમેન, OBC ડિપાર્ટમેન્ટ, ગુજરાત કોંગ્રેસ
- ચિરાગ કાલરિયા- પૂર્વ ધારાસભ્ય, જામજોધપુર
- બાલકૃષ્ણ પટેલ- પૂર્વ ધારાસભ્ય, ડભોઈ
- કુલદીપસિંહ રાઉલજી- 2022માં સાવલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર
- બળવંતસિંહ ગઢવી- પૂર્વ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ
- સંજય ગઢવી- પૂર્વ પ્રવક્તા, કોંગ્રેસ
- યશવંત યોગી- પૂર્વ પ્રમુખ, પ્રદેશ સમિતિ, વિચરતી-વિમુક્ત જાતિ સેલ
હમણાં જ કોંગ્રેસ છોડી હોય તેવા નેતા
1. સી.જે.ચાવડા- પૂર્વ ધારાસભ્ય, વિજાપુર
2. ચિરાગ પટેલ- પૂર્વ ધારાસભ્ય, ખંભાત