રાજકોટ નજીક આવેલા શાપર-વેરાવળમાં વેરાવળ
મેઈન રોડ પર કોરાટ સ્કૂલ પાસે ધર્મભક્તિ કોમ્પલેક્સમાં
આવેલી સિદ્ધિ વિનાયક નામની પાનની દુકાને રૂ. 3000ની
ઉઘરાણીમાં 22 વર્ષીય યુવાન જયદીપ રાજેશભાઈ
મકવાણાની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી
છે. જોકે આ ઉઘરાણી પણ તેના કાકા પાસે કરવામાં
આવતી હતી અને એમાં કાકાને મારતા હોવાનું જોઈ મૃતક
યુવાન તેના કાકાને બચાવવા માટે વચ્ચે પડતાં તેણે જીવ
ગુમાવવાનો વારો આવ્યો છે. બનાવ અંગે જાણ થતાં શાપર
પોલીસે પાનની દુકાનના સંચાલક યશ મનસુખ સોનગરા,
તેના ભાઈ ચિરાગ મનસુખ સોનગરા અને તેની સાથેના
અજાણ્યા શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે બહેનોએ એકનો એક
ભાઈ ગુમાવતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
મૃતકના કાકા પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે પાનની દુકાનવાળાને મારે 3 હજાર રૂપિયાનું નામું દેવાનું બાકી હતું. હું દવાખાનાના કામે બે-ત્રણ દિવસ બહાર ગયો હતો. પછી તેણે મેસેજ કરી મને ગાળો આપી હતી. ફોન કેમ ઉપાડતો નથી, એટલે મેં તેને કહ્યું કે સોમવારે આવીશ એટલે તને પૈસા આપી જઈશ. સાંજે હું પૈસા દેવા ગયો ત્યારે ચાર-પાંચ જણા હતા. આ બધાએ મારા પર હુમલો કર્યો હતો. મારો ભત્રીજો ત્યાંથી બાઈક લઈને નીકળતો હતો એટલે તે મને જોઈ ગયો. એ બચાવવા આવ્યો તો તેને છરી મારી દીધી. મારી માગ છે કે આ તમામને કડકમાં કડક સજા થાય. મારા ભત્રીજાનો કાંઈ વાંક નથી, તે તો મને બચાવવા આવ્યો હતો.
મૃતકના બીજા એક કાકા ભરતભાઈ પાલાભાઈ મકવાણા (ઉં.વ.40)એ ફરિયાદમાં જણાવ્યું કે અમે ત્રણ ભાઈઓ છીએ, જેમાં મોટા કમલેશભાઈ, તેનાથી નાના રાજેશભાઈ અને હું સૌથી નાનો છું અને રિક્ષા ચલાવું છું. ગઈકાલે રાતે 10 વાગ્યે હું મારા ઘરે હતો. ત્યારે મારા દીકરા દિવ્યેશે મને ઘરે આવીને વાત કરી કે વિનાયક પાન પાસે રાજેશભાઈના દીકરા જયદીપને માથાકૂટ થઈ છે અને તેને ઈજા થઈ છે. આથી સારવારમાં વેરાવળની ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ ગયા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું તથા દિવ્યેશ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ગયા તો ત્યાં મારો ભત્રીજો જયદીપ લોહીલુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં હતો. ત્યાં અમારા સબંધી પ્રવીણભાઈ મગનભાઈ મકવાણા, કિશન ઉર્ફે કકન કેશુભાઈ મકવાણા, હિતેષભાઈ રમેશભાઈ વાઘેલા એમ બધા હાજર હતા. મને પ્રવીણભાઈએ વાત કરી કે હું નવેક વાગ્યે હિતેષ સાથે વેરાવળ મેઈન રોડ કોરાટ સ્કૂલ પાસે ધર્મભક્તિ કોમ્પ્લેક્સમાંમાં આવેલી સિદ્ધિવિનાયક નામની પાનની દુકાને પાન-કાફી ખાવા માટે ગયો હતો. ત્યાં આ પાનની દુકાન ચલાવતા યશ સોનગરા તથા તેનો ભાઈ ચિરાગ સોનગરા બન્ને હાજર હતા. મેં ફાકીનું કહ્યું તો યશે મને કહ્યું કે તમારા રૂપિયા બાકી છે, એ અત્યારે જ આપો, એમ કહેતાં મેં તેને કહ્યું કે હાલ મારી પાસે પૈસા નથી. થોડા સમયમાં પૈસા આપી દઈશ.
વધુમાં જણાવ્યું હતું કે, આ પછી તે બન્ને ભાઈઓ બોલાચાલી કરતા હતા. એવામાં કૌટુંબિક ભત્રીજો જયદીપ ત્યાં આવ્યો અને એ વખતે આ યશ તથા તેનો ભાઈ ચિરાગ મને જેમ ફાવે તેમ અપશબ્દો કહેતા હોવાથી જયદીપે તેને અટકાવી અપશબ્દો નહીં આપવાનું કહ્યું હતું, આથી બન્ને ભાઈઓ દુકાનમાંથી બહાર આવીને મને તથા જયદીપને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા તેમજ ઢીંકાપાટુનો માર મારવા લાગ્યા હતા. એવામાં કોઈ એક અજાણી વ્યક્તિ ત્યાં આવી હતી. આ ત્રણેય ઉશ્કેરાઈ ગયા અને યશે પોતાના નેફામાંથી છરી કાઢી જયદીપને આડેધડ ઘા મારવા લાગ્યો હતો. આથી જયદીપ લોહીલુહાણ હાલતમા જમીન પર પડી જતાં આ ત્રણેય જણા ત્યાંથી ભાગી ગયા હતા.
ડોક્ટરે જયદીપને તપાસી મૃત જાહેર કર્યો તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે તાત્કાલિક જયદીપને રિક્ષામાં ક્રિષ્ના હોસ્પિટલ શાપર ખાતે સારવારમાં લઈ આવ્યાની વાત કરી હતી. આ દરમિયાન ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટરે જયદીપને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનું કહેતાં અહીં રાજકોટમાં વિરલ હોસ્પિટલમાં જયદીપને રિફર કરતાં ડોક્ટરે જયદીપને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.