ઇન્ડિયન કોસ્ટગાર્ડના ૪૮ મા સ્થાપના દિવસનાં તા.૧ ફેબ્રુઆરીના ઉપલક્ષ્યમાં આજે કોસ્ટગાર્ડના પોરબંદર ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર -૧ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગરિમામય સમારોહ યોજાયો હતો
ભારતીય સમુદ્ર સીમાના પ્રહરી તરીકે વીરતા અને શોર્યપૂર્ણ સેવા કરીને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ‘વયમ રક્ષામ:’ ને ચરિતાર્થ કર્યું છે:ભારતીય કોસ્ટ ગાર્ડનું વધતું સામર્થ્ય: દરિયાઈ સીમા પારથી આવતું 500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે: રાજ્યપાલ
પોરબંદર
ઇન્ડિયન કોસ્ટગાર્ડના ૪૮ મા સ્થાપના દિવસ; તા.૧ ફેબ્રુઆરીના ઉપલક્ષ્યમાં આજે કોસ્ટગાર્ડના પોરબંદર ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર -૧ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગરિમામય સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કોસ્ટ ગાર્ડના અરવલ્લી ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કર્યું હતું.ઓડિટોરિયમમાં યોજાયેલા સમારોહમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, કોસ્ટ ગાર્ડ રાત-દિવસ રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે. દરિયાઈ સીમા ક્ષેત્રમાં એક પ્રખર પ્રહરી તરીકે ભારતીય કોસ્ટ ગાર્ડે વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરી છે.
રાજ્યપાલશ્રીએ ભગવાન શ્રી રામે સમુદ્રમાં જવા માટે દાખવેલી વીરતાનું દ્રષ્ટાંત આપીને જણાવ્યું હતું કે, વીરતા અને શોર્યને લોકો યાદ રાખે છે. કોસ્ટ ગાર્ડનું કાર્ય પણ વીરતા અને શોર્યનું છે. કોસ્ટગાર્ડની વીરતાનું દેશને ગૌરવ છે.
ભારતીય તટ રક્ષકે દેશમાં ઘુસાડવામાં આવી રહેલું રૂપિયા 500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. ભારતની યુવા પેઢીને નુકસાનકારક આ ડ્રગ્સ પકડીને કોસ્ટ ગાર્ડે રાષ્ટ્રની સેવા કરી છે. એ જ રીતે સમુદ્રમાં ફસાયેલા હર કોઈ નાગરિકને બચાવી સલામત રીતે બહાર લાવવાનું કાર્ય કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. બીપોરજોય વાવાઝોડું અને અન્ય કુદરતી આફતો વખતે કોસ્ટ ગાર્ડના જવાનોએ રાત-દિવસ સેવા કાર્ય કર્યું છે, તે અંગે રાજ્યપાલ શ્રી એ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.ભારતીય તટ રક્ષકોએ દરિયાઈ સીમા પ્રહરી ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ અને સ્વચ્છતાની કામગીરી તથા સમુદ્રમાં સંકટમાં મુકાયેલા લોકોને બહાર લાવવાની મહત્વની કામગીરી કરી છે. આ અંગે રાજયપાલશ્રીએ કોસ્ટગાર્ડના ૪૮ મા સ્થાપના દિન પૂર્વે કોસ્ટગાર્ડના તમામ અધિકારીઓ જવાનોને અભિનંદન આપ્યા હતા.
આ કાર્યક્રમમાં કમાન્ડર રિજીયોનલ હેડક્વાર્ટર ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર શ્રી એ.કે. હરવોલા-TM એ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સતત તેનું સામર્થ્ય વધાર્યું છે અને આજે દરિયાઈ સીમા ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. તેઓએ ઇન્ડિયન કોસ્ટકાર્ડ પડકારો ઝીલવા સજજ છે તેમ જણાવી રાષ્ટ્ર સેવામાં સમર્પિત સેવાઓનો ઉલ્લેખ કરી વયમ રક્ષામ: ના સૂત્રને સાર્થક અને ચરિતાર્થ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં ૪૮ મા સ્થાપના દિન અંતર્ગત કેક કાપી હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ પરિવારના બાળકો-વિદ્યાર્થીઓએ દેશભક્તિ સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. નેહા કુમારીએ રેતી ચિત્ર દ્વારા કોસ્ટ ગાર્ડનું સામર્થ્ય અને ગૌરવ પ્રસ્તુત કર્યું હતું. કોસ્ટ ગાર્ડના અધિકારીએ ગિટાર સાથે રાષ્ટ્રભક્તિનું ગીત પ્રસ્તુત કર્યું હતું.
આ કાર્યક્રમમાં એડીજી કે. આર .સુરેશ ફ્લેગ નેવી ઓફિસર ગુજરાત નેવલ એરીયા શ્રી અનિલ જગ્ગી, તેમજ કલેક્ટર શ્રી કે.ડી લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી .ઠક્કર, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તેમજ કોસ્ટ ગાર્ડના સિનિયર અધિકારીઓ જવાનો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.