ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર પોલીસ મથકની હદમાં આવેલ મામલતદાર કચેરીની બહાર થયેલી મારામારીની ફરિયાદ અનુસંધાને અરજદારની ખોટી રીતે ધરપકડ કરવાના કેસમાં હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ કરમશીભાઈ વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાઈકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે અંગેની વધુ સુનાવણી 21 મી ફેબ્રુઆરીનાં રોજ યોજવામાં આવશે.
કલોલ શહેર પોલીસ મથકના તત્કાલીન હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ હાઇકોર્ટે આકરું વલણ અપનાવી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. અરજદારને ખોટી રીતે ધરપકડ કરી કાર્યવાહી કરવા સબબ હેડ કોન્સ્ટેબલ સામે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યુડીશીયલ ઓફીસરો અને પોલીસ અધિકારીઓ / કર્મચારીઓ માટે જાહેર કરવામા આવેલ સરક્યુલરના માર્ગદર્શક નિયમોનો ભંગ કરતા હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની (સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવમાનનાની) કાર્યવાહી અંગે વધુ સુનાવણી 21 ફેબ્રુઆરીના રોજ મુલતવી રાખવામાં આવી છે.
આ કેસની વિગત એવી છે કે, તારીખ 25 મી મે 2023 ના રોજ અમદાવાદ ઘાટલોડીયા ખાતે રહેતા નીમેષ પટેલ કલોલ મામલતદાર કચેરી ખાતે કામ અર્થે ગયા હતા તે વખતે બપોરના સમયે કલોલ મામલતદાર કચેરીથી કામ પતાવી બહાર નીકળ્યા ત્યારે એક વ્યક્તિ સાથે માથાકૂટ થઇ ગઈ હતી. જે અન્વયે નીમેષ પટેલ વિરુદ્ધ મારામારી – જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ થઈ હતી.
જે ફરીયાદ અનુસંધાને કલોલ શહેર પોલીસ સ્ટેશનમા નીમેષ પટેલ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આ ગુન્હાની તપાસ કલોલ શહેર પોલીસ સ્ટેશનના તત્કાલીન હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ કરમશીભાઈ કરતા હતા. આ દરમ્યાન તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ કરમશીભાઈ દ્વારા આ ગુન્હાના કામે અમદાવાદના નીમેષ પટેલની ધરપકડ કરી હતી. અને તેમને કલોલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. જેથી નીમેષ પટેલ દ્વારા કલોલ કોર્ટમા જામીન મુક્ત થવા જામીન અરજી રજુ કરવામાં આવી હતી.
બાદમાં કલોલ કોર્ટ દ્વારા શરતોને આધિન નીમેષ પટેલને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેથી કલોલ શહેર પોલીસ સ્ટેશનના તત્કાલીન હેડ કોન્સ્ટેબલ ભાવેશ કરમશીભાઈ વિરુદ્ધ અરજદાર નીમેષ પટેલના વકીલ ધવલ મહેતાએ સુપ્રીમ કોર્ટના ચુકાદામા પ્રસ્થાપીત કરવામા આવેલ સિધ્ધાંતોની અવમાનના કરવા બદલ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુસંધાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યુડીશીયલ ઓફીસરો અને પોલીસ અધિકારીઓ / કર્મચારીઓ માટે જાહેર કરવામા આવેલ સરક્યુલરના માર્ગદર્શક નિયમોનો ભંગ કરવા બદલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા અંગેની પીટીશન દાખલ કરી હતી.
જેની સુનાવણી ગુજરાત હાઈકોર્ટ ખાતે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ આશુતોષ શાસ્ત્રી અને જસ્ટીસ હેમંત પ્રકની ડીવીઝન બેંચ સમક્ષ હાથ ધરવામા આવી હતી. જે કેસની દલીલો ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ દ્વારા ગાંધીનગર જીલ્લાના કલોલ શહેર પોલીસ સ્ટેશનના તત્કાલીન હેડ કોન્સ્ટેબલ ભાવેશ કરમશીભાઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટીસ કાઢી વધુ સુનાવણી 21 ફેબ્રુઆરીના રોજ રાખી છે.