ઉત્તર પ્રદેશના હાથરસ માં બનેલી ઘટનાની આખો દેશ અત્યારે રોષમાં છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પીડિતાના પરિવારને મળવા માટે આજરોજ પોતાના કાફલા સાથે દિલ્હીથી નીકળ્યા હતા જેમને ગ્રેટર નોએડા પાસે પોલીસ દ્વારા રોકી લેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી હાથરસ તરફ ચાલીને જવા માટે નીકળી ગયા હતા તે દરમિયાન જ પોલીસ સાથે તેમની ઝપાઝપી થઇ હતી. રાહુલ ગાંધી સાથે તેની બહેન પ્રિયંકા ગાંધી પણ હતી. પોલીસ સાથે ઝપાઝપી થયા બાદ મોટો હોબાળો પણ મચી ગયો હતો. રાહુલ ગાંધી પોલીસ કાફલાએ ધક્કો મારીને આગળ નીકળી જતા જમીન ઉપર જ ફસડાઈ પડ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પોલીસ દ્વારા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ આ ઘટના બાદ આરોપ લગાવ્યો હતો કે, “પોલીસે મને ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો.” રાહુલ ગાંધીએ એમ પણ જણાવ્યું કે “મેં તમને (પોલીસકર્મીઓ) કહ્યું હતું કે, તમે મને એકલાને જ હાથરસ જવા દો. કારણ કે એકલા વ્યક્તિ પર કલમ 144 લાગુ નથી પડતી, પરંતુ પોલીસે મને જવા દેવાને બદલે ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, હાથરસ માં બનેલી ઘટનાના કારણે લોકો રોષમાં છે જેને જોતા જ પોલીસ બંદોબસ્ત પણ ત્યાં લગાવી દેવામાં આવ્યો છે. એવામાં રાહુલ ગાંધી હાથરસ જતાં આ મામલો ગરમાયો હતો.