અમદાવાદના ચાંદખેડામાં ન્યુ સીજી રોડ પાછળ આવેલી અચલ રેસીડેન્સીના 15થી 20 સોસાયટીઓના નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલી શાકમાર્કેટનો વિરોધ કર્યા હતો. આજે સવારથી સોસાયટીની મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિકો કહેવું છે કે, AMC શાકમાર્કેટ નહીં પણ ન્યુસંસ ઉભુ કરી રહી છે. નેતાઓ વોટ માગવા તરત દોડી આવે છે. અહીં દૂષણ ઊભું થશે તો જવાબદારી કોની તેવા સ્થાનિકોએ સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક નાગરિકોની માગ છે કે, જો અહીંયા શાકમાર્કેટ બનાવવાનું બંધ નહીં કરવામાં આવે, તો આગામી ચૂંટણીમાં 15થી 20 સોસાયટીના નાગરિકો દ્વારા મત આપવામાં આવશે નહીં.
હેમાંગીની જાની નામના મહિલાએ ઉગ્રતા સાથે જણાવ્યું હતું
કે, અમારા સોસાયટીની બાજુમાં એક 400 વારના નાનકડા
પ્લોટમાં શાકમાર્કેટ ઊભું કરવામાં આવી રહ્યું છે. જે ઉભું
થવું જોઈએ જ નહીં. આ શાકમાર્કેટ નહીં પરંતુ દૂષણ ઉભું
કરવામાં આવી રહ્યું છે. શાકમાર્કેટ બનવાના કારણે દૂષણ
અને ટ્રાફિકની સમસ્યા ઉભી થશે. તેથી શાકમાર્કેટ ન બનવા
મામલે સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્ય અને સંસદ સભ્યને
રજૂઆત કરી હતી, પરંતુ કોઈના દ્વારા જવાબ આપવામાં
આવ્યો નથી. નેતાઓને જ્યારે વોટ લેવા હોય ત્યારે તરત જ
દોડી આવશે વોટ આપો, વોટ આપો કરતા, પરંતુ હવે આવો
તમે વોટ લેવા, જો તમને કોઈ 15થી 20 સોસાયટીમાંથી વોટ
મળે તો. પહેલા આ શાકમાર્કેટ બનાવવાનો મુદ્દો બંધ કરાવો
પછી વોટ માગવા આવજો. જો અહીંયા દૂષણ ઉભું થશે.
તો તેની જવાબદારી કોની રહેશે? જેથી અહીંયા શાકમાર્કેટ
બનવું જોઈએ જ નહીં.
કામીનીબેન રાવલ નામના મહિલાએ જણાવ્યું હતું કે,
નાના પ્લોટમાં શાકમાર્કેટ બનાવવામાં આવી રહ્યું છે. અડધો
કિલોમીટરનો વિસ્તાર હોય ત્યાં શાકમાર્કેટ જો ઓછું પડતું
હોય તો આટલા નાના પ્લોટમાં કઈ રીતે શાકમાર્કેટ બની શકે
છે. કોમ્પ્લેક્સ જેવું શાકમાર્કેટ બનાવવાની વાત કરી રહ્યા
છે. સિનિયર સિટીઝનો માર્કેટમાં ઉપર શાક લેવા કેવી રીતે
જઈ શકશે? સોસાયટી બહાર સિંગલ પટ્ટી રોડ છે. અમારા
વાહનો પાર્ક કરવાની અત્યારે સમસ્યા છે. જો અહીંયા
શાકમાર્કેટ બનશે તો લોકો રોડ ઉપર જ વાહન પાર્ક કરી અને
શાક લેવા માટે જશે. જેથી અહીંયા ટ્રાફિક સમસ્યા ઉભી
થશે. શાકમાર્કેટના કારણે અલગ અલગ દૂષણો થશે. જેથી
અમારી માંગ છે કે અહીંયા શાકમાર્કેટ બનવું જોઈએ જ
નહીં.
કે. એમ ચૌહાણ નામના સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે, એક નાના પ્લોટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાકમાર્કેટ બનાવવામાં આવી રહ્યું છે. જેને લઇને અમારો સખત વિરોધ છે. ન્યુ સીજી રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની સામે જે શાકમાર્કેટ ભરાય છે. તેનું દુષણ અહીંયા અમારી શાંતિ પ્રિય પ્રજા રહે છે, ત્યાં નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાકમાર્કેટના કારણે અનેક દુષણો અને ટ્રાફિકની સમસ્યા ઉભી થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઝડપથી આ કામગીરી કરાવવા પાછળ કોઈ આશય હોય શકે છે. શાકમાર્કેટના કારણે આસપાસની સોસાયટીના અનેક લોકોને હેરાનગતિનો સામનો કરવો પડશે. જેથી અમારી માંગ છે કે અહીંયા શાકમાર્કેટ બનવું જોઈએ નહીં.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવનારા શાકમાર્કેટને લઈ સ્થાનિક નાગરિકોએ વિરોધ કરતા કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી ત્યાં પહોંચ્યા હતા. તેઓએ સ્થાનિક લોકોને આશ્વાસન આપ્યું હતું કે, આ મામલે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી છે. રજૂઆત છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા શાકમાર્કેટ બનાવવામાં આવી રહ્યું છે અને હું સ્થાનિક નાગરિકો સાથે छु.
કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રીબેન કેસરીએ જણાવ્યું હતું કે, 400 વારના નાનકડા પ્લોટમાં શાકમાર્કેટ બનાવવામાં આવી રહ્યું છે. નાનકડા પ્લોટમાં માત્ર 20 જેટલી જ લારીઓ ઉભી રહી શકે છે જ્યારે ન્યુ સીજી રોડ ઉપર 150થી વધુ લારીઓ આવેલી છે. જેથી આટલા નાના પ્લોટ માં કેવી રીતે શાક માર્કેટ બની શકે. પ્લોટની બહાર સાત મીટરનો રોડ આવેલો છે. આ આટલા નાના રોડ પર શાકમાર્કેટ બનાવવાના કારણે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ થઈ શકે છે. આ પ્લોટ બનાવવા માટે અધિકારીઓ અને સ્થાનિક ભાજપના કોર્પોરેટરો સાથે ચર્ચા કરી હતી, તેમ છતાં પણ અહીંયા અણગણ વહીવટના કારણે શાકમાર્કેટ બનાવવામાં આવી રહ્યો છે. જેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે અને હું પણ આ સ્થાનિક નાગરિકો સાથે જ છું. ખુદ ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરોએ પણ પત્ર લખી અને શાકમાર્કેટ ન બનાવવા જણાવ્યું છે, છતાં પણ શાકમાર્કેટ બનતા હવે વિરોધ થઈ રહ્યો છે.
ચાંદખેડાના ભાજપનાં કોર્પોરેટર અને પૂર્વ દંડક અરુણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ન્યુ સીજી રોડની પાછળ અચલ રેસીડેન્સી સામે આવેલા પ્લોટમાં શાકમાર્કેટ બનાવવા મામલે કોર્પોરેશનના અધિકારીઓએ મારી સાથે કોઈ ચર્ચા કરી નથી. આ બાબતે મને કોઈ માહિતી નથી. સ્થાનિક કોર્પોરેટર સાથે કોઈપણ ચર્ચા કર્યા વિના આ શાકમાર્કેટ બનાવવામાં આવી રહ્યું છે. ચાંદખેડામાં ઘણા બધા એવા પ્લોટ છે, જ્યાં શાકમાર્કેટ ઉભા થઈ શકે એમ છે, પરંતુ અધિકારીઓએ કોઈપણ ચર્ચા કર્યા વિના જ આ શાકમાર્કેટ બનાવવામાં આવી રહ્યું છે.