મા અંબાના દર્શન – શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે નિ:શુલ્ક યાત્રાનું ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. સમગ્ર આયોજનની સમીક્ષા દરમિયાન નવ નિયુક્ત જિલ્લા કલેકટર એમ.કે. મોદીએ જિલ્લામાંથી તા 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 70 થી વધુ બસ દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી દર્શન માટે નિ:શુલ્ક લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો લાભ લેવા ગાંધીનગરની જનતાને અનુરોધ પણ કરવામાં આવ્યો છે.
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું આગામી તા. 12 થી 16મી ફેબ્રુઆરી દરમિયાન આયોજન થઈ રહ્યું છે. આ મહોત્સવ દરમિયાન ગાંધીનગર જિલ્લામાંથીમાં અંબાના દર્શનનો અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો માઇ ભકતો નિ:શુલ્ક લાભ લઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન આયોજન હાથ ધરાયું છે.
આ સમગ્ર આયોજનની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર એમ. કે. દવેએ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સંદર્ભે યોજાઇ રહેલી યાત્રાને માં અંબાના દર્શન માટેનું પુણ્ય કાર્ય અને માઇ ભક્તોની સેવા માટેનો અવસર ગણાવી હતી. આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને બસમાં નિ:શુલ્ક લઈ જવા ઉપરાંત પરિક્રમા અને દર્શન બાદ તેમને પરત લાવવાથી માંડીને અલ્પાહાર, પીવાના પાણી અને ભોજનની વ્યવસ્થા તેમજ જરૂરતના સમયે આરોગ્યની સેવા પણ મળી રહે તે માટેની વ્યવસ્થા સંદર્ભે જિલ્લા કલેક્ટરે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે વધુમાં વધુ શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાય તે માટે અનુરોધ પણ કર્યો હતો. આ યાત્રા દરમિયાન અંબાજી પદયાત્રા સંઘના કાર્યકર્તાઓ, ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી મંડળીઓ, સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓના સહયોગથી વિશેષ આયોજન હાથ ધરાયું છે અને આ સમગ્ર યાત્રાનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે પ્રાંત અધિકારીનાં માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં તેમજ શહેરમાં સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી, નિવાસી અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી જે. એમ. વેગડા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લાની નગરપાલિકાના ચીફ ઓફિસર્સ સહિતના અધિકારીઓ તેમજ જય અંબે પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર તેમજ વિવિધ પદયાત્રા સંઘના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.