માણસા તાલુકાના ધમેડા ગામમાં વૃદ્ધાની એકલતાનો લાભ લઈ રોજબરોજ આવતી જતી પાડોશી યુવતીએ પ્રેમી સાથે મળીને નાસ્તામાં વૃદ્ધાને ઝેરી પદાર્થ ખવડાવી દીધો હતો. જેનાં કારણે ઉલ્ટીઓ થવાની સાથે વૃદ્ધા બેભાન થઈને ઢળી પડ્યા હતા. બાદમાં પ્રેમી પંખીડા તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂ. 5 લાખ 25 હજારની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જો કે, સદનસીબે સમયસર સારવાર મળી જતાં ભાનમાં આવેલા વૃદ્ધાએ સઘળી હકીકત પરિવાર સમક્ષ વર્ણવતા માણસા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી પ્રેમી પંખીડાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
એકલા રહેતા સિનિયર સીટીઝનો માટે લાલબત્તી સમાન કિસ્સો માણસા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે. માણસાનાં ધમેડા ગામમાં રહેતાં વયોવૃદ્ધ ગોવિંદભાઈ રામદાસ પટેલ તેમના પત્ની શાંતાબેન સાથે રહી કરીયાણાની દુકાન ચલાવે છે. જ્યારે તેમનો પુત્ર ચેતન પોતાના પરિવાર સાથે ગોતા ખાતે રહે છે. ગત તા. ત્રીજી ફેબ્રુઆરીના રોજ ગોવિંદભાઈ સવારે પુત્ર ચેતનાના ઘરે ગયા હતા અને રાત્રે ત્યાં જ રોકાયા હતા.
આ દરમ્યાન શાંતાબેન ઘરે એકલા જ હતા. ત્યારે બીજા દિવસે ચોથી ફેબ્રુઆરીએ પિતરાઈ ભાઈએ ફોન કરીને ચેતનને જાણ કરેલી કે, શાંતાબેન ઘરમા ઉલટીઓ કરીને બેભાન થઈ ગયા છે. જેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનું કહીને પિતા પુત્ર માણસા આવવા માટે અમદાવાદથી નિકળ્યા હતા. ત્યારે ફરીવાર પિતરાઈ ભાઈએ ફોન કરીને જણાવેલ કે, રવિવાર હોવાથી ડોકટર નહીં મળતા સ્થાનિક તબીબ પાસે સારવાર કરાવી શાંતાબેનને ઘરે લાવી દીધા છે.
બાદમાં ગોવિંદભાઈ – ચેતન ઘરે પહોંચ્યા હતા અને જોયેલ
શાંતાબેન ખાટલામાં બેભાન અવસ્થામાં હતા. આથી તેઓને
વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાની તૈયારી કરાઈ
હતી. આ દરમિયાન ગોવિંદભાઈએ પૈસા લેવા તિજોરી
ખોલતા દાગીના અને રૂપિયા ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું.
જો કે, શાંતાબેનની સારવાર જરૂરી હોવાથી બાપ દીકરો
તેમને ગાડીમાં લઈને અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં
દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજરોજ તેઓ ભાનમાં
આવ્યા હતા અને સમગ્ર બનાવ અંગે શાંતાબેને માંડીને વાત
કરી હતી. ત્યારે માલૂમ પડયું હતું કે, ત્રીજી ઓક્ટોબરે તેઓ
ઘરે એકલા હતા. તે વખતે રાતના દસ વાગ્યાના અરસામાં
પાડોશમાં રહેતી 25 વર્ષીય સીમા રમેશભાઈ પટેલ તેના મિત્ર
કરણજી ઠાકોર સાથે નાસ્તો લઈને ઘરે ગઈ હતી.
પાડોશીનાં નાતે રોજબરોજ ઘરે આવતી જતી હોવાથી
શાંતાબેને પણ બંનેને ઘરમાં પ્રવેશ આપ્યો હતો. બાદ સીમા
અને કરણ બાજુમાં બેસી તેમની સાથે વાતો કરતાં હતા અને
શાંતાબેને નાસ્તો ખાધો હતો. જેની થોડીવાર પછી તેમને ઊંઘ
આવી ગઈ હતી. આ અંગે માણસા પોલીસ મથકના પીઆઈ
પી જે ચુડાસમાએ કહ્યું હતું કે, સીમાએ તેના પ્રેમી કરણ
ઠાકોર સાથે મળીને વૃદ્ધાને નાસ્તામાં ઝેરી પદાર્થ ખવડાવી
દેવામાં આવ્યો હતો. બાદમાં ઘરમાંથી સોના ચાંદીના
દાગીના તેમજ 50 હજાર રોકડા મળીને કુલ રૂ. 5 લાખ 25
હજારની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. આ મામલે
ગુનો નોંધી બંનેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં
આવ્યા છે.