મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં વિવિધ યુનિવર્સિટીની સક્ષમતા દ્વારા યુવા પેઢીને સ્કીલ + વીલ + ઝીલ = વિનનો ધ્યેય મંત્ર સાકાર કરી નયા ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન થી જોડવાની નેમ છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે આજે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઝ, સંસ્થાઓમાંથી શિક્ષિત-દીક્ષિત થયેલા અનેક યુવાનોએ નોલેજ બેઇઝ ઇકોનોમીમાં ગ્લોબલ ઓપરચ્યુનિટી તરફ પ્રગતિ કરી છે. મુખ્યમંત્રી નિરમા યુનિવર્સિટી અને નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ્ ટેક્નોલોજીના રજત જયંતિ સમારોહને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે આ વિશેષ અવસરની સ્મૃતિમાં પ્રકાશિત સુવેનિયરનું પણ વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે અગાઉ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ, એસ.એફ.આઈ. કે યુનિવર્સિટીઝ પૂરતી સંખ્યામાં ન હોવાથી યુવાનોને અન્ય રાજ્યોમાં અભ્યાસ માટે જવું પડતું હતું. વિજય રૂપાણી ઉમેર્યું કે વર્ષ ૨૦૦૧માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે હાલના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્વોલિટી એજ્યુકેશન અને રિસર્ચને મહત્વ આપી સેલ્ફ ફાયનાન્સ કોલેજીસ, PPP મોડ પર યુનિવર્સિટીઝ વગેરે શરૂ કરાવીને હાયર એજ્યુકેશન ક્ષેત્રે કેપેસિટી બિલ્ડીંગ કર્યુ છે.
ગુજરાતમાં પહેલા માત્ર નવ યુનિવર્સિટી હતી તે વધીને હવે ૬૭ થઈ છે. એટલું જ નહીં ૧૧૦૦ મેડિકલ બેઠકો પણ હવે ૬૫૦૦ જેટલી થઈ છે અને રાજ્યના યુવાધનને ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે જ મળે છે એમ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નિરમા યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણ તજજ્ઞતાની શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા મેળવી છે. સેન્ટર ઓફ એકસલન્સના તરફ હવે તેની પ્રગતિ વધુ તેજોમય બને એવી શુભેચ્છા મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે હવેનો સમય નોલેજ-જ્ઞાનનો યુગ છે. જે રાષ્ટ્ર-રાજ્ય જ્ઞાન સંપદા પ્રત્યે ધ્યાન નહીં આપે તે રાજ્યનું યુવાધન વિકાસની હરોળમાં પાછળ રહી જશે. ગુજરાતમાં આપણે ગુણવત્તાયુક્ત અને નવીન શોધ-સંશોધન પૂર્ણ શિક્ષણ પર વિશેષ જો ઝૉક આપીને રાષ્ટ્ર નિર્માણ, નયા ભારતના નિર્માણમાં અગ્રીમ યોગદાન આપે તેવી યુવા પેઢી તૈયાર કરવા સંકલ્પબદ્ધ છીએ. એમ તેમણે ઉમેર્યું હતું. વિજય રૂપાણીએ નિરમા યુનિવર્સિટીના સ્થાપક પદ્મશ્રી કરસનભાઈ પટેલે સમાજે તેમને જે આપ્યું છે તેનાથી સવાયુ પોતે સમાજને પાછું આપવા જે મનસા રાખી છે તે નિરમા યુનિવર્સિટીના માધ્યમથી આવનારા વર્ષોમાં ચરિતાર્થ થાય તેવી શુભેચ્છાઓ આપી હતી. નિરમા યુનિવર્સિટીના સ્થાપક ચેરમેન પદ્મશ્રી કરસનભાઈ પટેલે યુનિવર્સિટીના સ્થાપનાકાળથી લઈ ૨૫ વર્ષની સફરની સફળતાઓ પ્રાસંગિક સંબોધનમાં વર્ણવી હતી. આ અવસરે યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કે.કે.પટેલ, ડાયરેક્ટર શ્રી અનુપસિંહ, વિવિધ ફેકલ્ટીઝ અને પદાધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.