ગાંધીનગર કરાઈ સ્થિત ગુજરાત પોલીસ તાલીમ ઍકેડેમીમાં ટ્રેઈની પીએસઆઇએ રજા મેળવવા માટે પોતાની સગાઈ હોવાનું તરકટ રચી સગાઈની ડુપ્લીકેટ કંકોત્રી રજૂ કરી ઉપરી અધિકારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેનાં પગલે ટ્રેઈની પીએસઆઇને ખોટા દસ્તાવેજો બનાવી રજા મેળવવા સબબ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ડભોડા પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કરાવવામાં આવ્યો છે.
દેશની નામાંકિત ગાંધીનગરનાં કરાઈમાં આવેલી ગુજરાત પોલીસ તાલીમ સંસ્થામાં આઈપીએસ, પીઆઈ, પીએસઆઇકક્ષાના અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. અત્રે શારીરિક તથા કાયદાકીય ઘનિષ્ઠ તાલીમ આપવાની સાથે ઉચ્ચ સ્તરની શિસ્તનો આગ્રહ રાખવામાં આવે છે. તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને ઓછામાં ઓછી રજા માંગવામાં કે આપવામાં આવે તે તમામ તાલીમાર્થીઓમાં શિસ્ત જાળવવાની બાબતમાં હંમેશા અપેક્ષિત રહે છે. તેમ છતાં અત્રેના તાલીમી પીએસઆઇએ રજા મેળવવા માટે પોતાની સગાઈનું તરકટ રચ્યું હોવાનો બહાર આવ્યું છે.
પોલીસ તાલીમ એકેડેમીનાં ઇન્સ્પેકટર એચ બી વાઘેલાએ
સમગ્ર મામલે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં
છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે જાન્યુઆરી – 2023 થી
બિનહથિયારી પીએસઆઇ તરીકે ટ્રેનિંગ લેતાં મુન્નાભાઇ
હમીરભાઇ આલ (ઉ.વ.29, મુળ રહે. ગામ-સાંગરા તા.
પાલનપુર) દ્વારા અત્રેની કચેરીના આસીસ્ટન્ટ ડાયરેક્ટર
ઈન્ડોરની વહીવટી શાખામાં દિન- 2 નો પરચુરણ રજાનો
રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં 1/12/2023 નાં રોજ પોતાની
સગાઈ હોવાથી રીત રિવાજ પ્રમાણે પોતાના ગામમાં ભોજન
સમારંભ બીજા દિવસે રાખ્યો હોવાનો ઉલ્લેખ કરી આમંત્રણ
પત્રિકા પણ રજૂ કરાઈ હતી. જેનાં આધારે તેની રજા પણ
મંજૂર થઈ ગઈ હતી.
જો કે આમંત્રણ પત્રિકામાં સગાઈ વાળી યુવતીનુ માત્ર નામ લખેલું હતું. પરંતુ તેણીના માતા પિતાનું નામ કે સરનામાનો ઉલ્લેખ નહીં હોવાથી પ્રથમ દૃષ્ટિએ ઉપરી અધિકારીને અંદાજો આવી ગયો હતો. અને શંકાસ્પદ આમંત્રણ પત્રિકાની તપાસ ઈન્સ્પેક્ટર વાઘેલાને સોપવામાં આવી હતી. જે અંગે તપાસ તાલીમી પીએસઆઇનાં ગામમાં જઈને તપાસ કરવામાં આવી હતી. ત્યારે પાડોશીઓએ મુન્નાભાઈ આલનાં ઘરે ઉપરોક્ત તારીખો કે છેલ્લા છ માસમાં ક્યારેય કોઈ પ્રસંગ યોજાયો નહીં હોવાનું નિવેદનો આપ્યા હતા.
જે અંગે નવમી જાન્યુઆરીએ તાલીમી પીએસઆઇની પૂછતાંછ કરવામાં આવતાં તેણે રજા રિપોર્ટમાં પોતાની સગાઇનું કારણ ખોટુ દર્શાવી ડુપ્લીકેટ આમંત્રણ પત્રિકા અમદાવાદ ખાતે રહેતા તેના મિત્ર ચિરાગ પંચાલની મદદગારીથી તૈયાર કરાવી હોવાની કબૂલાત કરી હતી. જ્યારે સમગ્ર કાવતરાથી તેના પરિવારજનો પણ વાકેફ હોવાનું પણ બહાર આવ્યું હતું. બીજી તરફ ટ્રેઈની પીએસઆઇ મુન્નાભાઇ હમીરભાઇ આલે તાલીમ દરમ્યાન અલગ અલગ બનાવોમાં કુલ-17 વખત અન્ય ગેરશિસ્ત આચારી હોવાનું પણ રેકર્ડ પર આવ્યું હતું. જેનાં પગલે ત્રીજી ફેબ્રુઆરીએ તેને સસ્પેન્ડ કરી દેવાયો છે.
જેને તાલીમ દરમ્યાન માસિક 50 હજારનું વેતન, મફત રહેઠાણની સગવડ તથા નિયમાનુસાર મળવાપાત્ર રજાઓના લાભ આપવામાં આવતા હોવા છતાં સંસ્થામાં બનાવટી અને ખોટા દસ્તાવેજો રજૂ કરી રજા મેળવવાનું ગુનાહિત કૃત્ય આચરવામાં આવતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં પીએસઆઇ એમ એસ રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.