મોબિલેન કંપની દ્વારા આ ચાર્જિંગ સુવિધા શરૂ થવાથી, શહેરના EV વપરાશકર્તાઓની ચાર્જિંગની સમસ્યા દૂર કરવામાં તેમજ અમદાવાદની હવાને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે : દેવાંગ દાણી
ચાર્જિંગ સ્ટેશન્સ પર નાગરિકોને ફૂડ જોઇન્ટ્સ, શોપિંગ કોમ્પ્લેક્સ અને અન્ય સુવિધાઓ પણ મળશે. મોબિલેનની સ્માર્ટ એપ્લીકેશનની મદદથી ક્વિક ચાર્જ, સ્લોટ બુકિંગ, ડાયરેક્ટ નેવિગેશન અને વોલેટ ફેસિલિટી જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે છે : ગુંજન મહેતા
અમદાવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં 12 EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. મોબિલેન કંપની દ્વારા નિર્મિત આ ચાર્જિંગ સ્ટેશનોની મદદથી અમદાવાદની હવાને વધુ સ્વચ્છ બનાવવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધી ઝીરો કાર્બન ઉત્સર્જનના વિઝનને સાર્થક કરવાની દિશામાં મદદ મળશે. અમદાવાદના સ્ટ્રેટેજિક સ્થાનો પર આ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા હોવાથી, નાગરિકોને બહોળી સુવિધાનો લાભ મળશે.
ભારતમાં બહોળો વ્યાપ ધરાવતી અને તેના ફાસ્ટ ચાર્જિંગ અને આધુનિક EV સોલ્યુશન્સ માટે જાણીતી મોબિલેન કંપની દ્વારા આ સુવિધા વિકસિત કરવામાં આવી છે. આ 12 ચાર્જિંગ સ્ટેશન પર ભારતમાં પ્રથમ વખત, નાગરિકોને ‘પ્લગ એન ચાર્જની સુવિધા મળશે, જેથી વધારે ગૂંચવણ વિના સહજતાથી વાહન ચાર્જિંગ થઇ શકશે. આ ચાર્જિંગ સ્ટેશન્સની મદદથી ટુ વ્હિલર, 3 વ્હિલર અને 4 વ્હિલર વાહનોને ચાર્જિંગ સુવિધા મળશે. તેના લીધે અમદાવાદમાં રહેતા અને બહારથી પ્રવાસ કરતા ટ્રાવેલર્સ માટે EV ચાર્જિંગની સમસ્યા દૂર થશે, અને રાજ્યમાં EV વેચાણને પ્રોત્સાહન મળશે.
આ પ્રસંગે મોબિલેનના સ્થાપક ગુંજન મહેતાએ જણાવ્યું હતું કે “અમારા ચાર્જિંગ સ્ટેશનો વ્યૂહાત્મક રીતે શહેરની આસપાસના મુખ્ય વિસ્તારોમાં, હાઇવે પર સ્થિત છે. તેના દ્વારા અમે એ સુનિશ્વિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે તમે જ્યાં પણ હોવ, ત્યાં હંમેશા નજીકમાં વિશ્વસનીય અને સુલભ ચાર્જિંગ પોઈન્ટ મળી રહે. રિયલ-ટાઇમ ઍક્સેસિબિલિટીની માહિતીને કારણે અમારું નેટવર્ક અલગ તરી આવે છે. તે ચાર્જિંગ સ્ટેશનોની શ્રૃંખલા માત્ર જ નથી. તે સ્વચ્છ, હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. સાથે મળીને, એક સમયે એક ચાર્જિંગ પોઇન્ટની મદદથી અમે શહેરી વિસ્તારને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ.”
આ ચાર્જિંગ નેટવર્ક પર નાગરિકોને અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે માટે કંપનીએ ટેક્નોલોજી ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રણી કંપની સિમેન્સ સાથે ભાગીદારી કરી છે. ચાર્જિંગ સ્ટેશન્સ પર નાગરિકોને ફૂડ જોઇન્ટ્સ, શોપિંગ કોમ્પ્લેક્સ અને અન્ય સુવિધાઓ પણ મળશે. મોબિલેનની સ્માર્ટ એપ્લીકેશનની મદદથી ક્વિક ચાર્જ, સ્લોટ બુકિંગ, ડાયરેક્ટ નેવિગેશન અને વોલેટ ફેસિલિટી જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે છે. પર્યાવરણ સંતુલન પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉપરાંત, મોબિલેન ભવિષ્યલક્ષી ટેક્નોલોજીમાં રોકાણ કરવા માંગતા ઉદ્યમીઓને રોકાણની તકો પણ પૂરી પાડે છે. મોબિલેનના સહ-સ્થાપકોએ, અદ્યતન તકનીકો અને ટકાઉ વિકલ્પોના આધારે EV ફ્લીટ્સ અને EV બસ ડેપો પ્રોજેક્ટ્સમાં નવા જોડાણ માટેની યોજનાની પણ જાહેરાત કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, “મોબિલેન કંપની દ્વારા આ ચાર્જિંગ સુવિધા શરૂ થવાથી, શહેરના EV વપરાશકર્તાઓની ચાર્જિંગની સમસ્યા દૂર કરવામાં તેમજ અમદાવાદની હવાને વધુ સ્વચ્છ બનાવવામાં મદદ મળશે. વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ઊર્જાના વિઝન અનુસાર હરિયાળું ભવિષ્ય બનાવવાની દિશામાં આ એક મહ્તવપૂર્ણ કામગીરી છે. આવનારો સમય EVનો છે, અને સમગ્ર વિશ્વમાં મોટાપાયે તેના પર કામ થઇ રહ્યું છે. આ EV ક્રાંતિમાં ગુજરાત રાજ્ય એક અગ્રણી યોગદાન આપનાર રાજ્ય તરીકે આગળ આવી રહ્યું છે. તે આપણા માટે ગૌરવની વાત છે.
“આ પ્રસંગે મોબિલેનના સ્થાપક દેવાંશ શાહે જણાવ્યું હતું કે “મોબિલેનનું વિઝન તમામ EV વપરાશકર્તાઓને સરળ અને સુલભ ચાર્જિંગ પૂરું પાડવાનું છે. અમે ટેક્નોલોજી પરિવર્તનથી એવા ભવિષ્યને આકાર આપી રહ્યા છીએ જ્યાં ઇલેક્ટ્રિક વાહનો માત્ર પસંદગી જ નહીં પરંતુ જીવનશૈલી બને.” મોબિલેને નાગરિકોને 24×7 ખુલ્લા રહેતા ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે, જેના દ્વારા પર્યાવરણને સાનુકૂળ સંસ્કૃતિનું અને એક ટકાઉ ભવિષ્યનું નિર્માણ થઇ શકે.