ગાંધીનગરના સેકટર – 7 પોલીસ મથકના કોન્સ્ટેબલ દહેગામથી પેથાપુર તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા. એ વખતે મગોડી પાટીયા પાસે રસ્તામાં અચાનક કૂતરું આવી જતાં કોન્સ્ટેબલે બાઈક ઉપરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલની સિવિલમાં ફરજ પરના તબીબે સારવાર કરી રજા પણ આપી દીધી હતી. જો કે તબીબે લખી આપેલી દવા ગળીને સુઇ ગયેલા કોન્સ્ટેબલનું ગાઢ નિદ્રામાં જ અકાળે અવસાન થતાં જિલ્લા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે ચીલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
દહેગામ તાલુકાનાં હાલીસા ગામમાં રહેતા રમેશભાઈ માસંગજી નિવૃત જીવન ગુજારે છે. જેમને સંતાનમાં બે દીકરીઓ અને એકનો એક પુત્ર સંજય હતો. જે સેકટર – 7 પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. ગઈકાલે સંજય નાઈટ ડયુટી પૂર્ણ કરી આશરે આઠેક વાગે ઘરે ગયો હતો અને સાંજના આશરે સાતેક વાગે દહેગામ કામ પતાવી પેથાપુર જવાનું પિતાને કહીને બાઈક લઈને નિકળ્યો હતો.
બીજી તરફ જમી પરવારી 58 વર્ષીય રમેશભાઈ ગામમાં લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે રાતના સાડા નવ વાગ્યાના અરસામાં સંજયે ફોન કરીને જાણ કરેલી કે, દહેગામ ખાતે કામ પતાવી બાઇક લઇ પેથાપુર જઈ રહ્યો હતો. વખતે દહેગામ ચીલોડા હાઇવે રોડ ઉપર મગોડી ગામના પાટીયા પાસે અચાનક રોડ વચ્ચે કુતરૂ આવી જતા બાઇક સ્લીપ ખાઈ ગયું છે. અને 108 એમ્બ્યુલન્સ થકી ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવી રહ્યો છે.
આ સાંભળી રમેશભાઈ સહિત ઘરના અન્ય સભ્યો તાત્કાલિક સિવિલ દોડી ગયા હતા. જ્યાં જઇ જોયેલ તો સંજયને સિવિલમાં તાત્કાલીક સારવાર વિભાગમા સારવાર આપવામાં આવી રહી હતી. બાદમાં પ્રાથમીક સારવાર કર્યા પછી ફરજ પરના તબીબે સંજયને રજા આપી દીધી હતી. જેનાં પગલે રમેશભાઈ દીકરાને લઈને ઘરે ગયા હતા. અને જરૂરી દવાઓ આપી સંજયને સુવડાવી દીધો હતો.
ત્યારે આજે સવારે સંજયને તેની માતાએ જગાડયો હતો. પરંતુ તે જાગેલ નહીં કે કોઈ જવાબ પણ આપતો ન હતો. જેથી આજુબાજુના માણસો એકઠા થઈ ગયા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને દહેગામ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે સંજયને મૃત જાહેર કર્યો હતો. આ સાંભળીને વૃદ્ધ માતા પિતા ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.