કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ક્રિકેટર હાર્દિક પંડયા અને મુખ્યમંત્રીની હાજરીમાં ‘ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ’નો પ્રારંભ કરાવ્યો. લોકસભા ચૂંટણી પહેલાં યુવા મતદારો ને રીઝવવા નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભા નાઈટ પ્રીમિયર લીગની અમિત શાહના હસ્તે ખૂલી મુકાઇ. મહત્વનું છે કે 21 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં 15 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
છારોડી સ્થિત SGVP મેદાનથી આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આ મેચમાં ગાંધીનગર લોકસભા વિસ્તારની 1078 ટીમો વચ્ચે જંગ જામશે.
અમિત શાહ દ્વારા આજે ક્રિકેટની આ ટ્રોફીનું અનાવરણ કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ક્રિકેટર હાર્દિક પંડયા પણ હાજર રહ્યા હતા અને સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી તથા ગાંધીનગર ઉત્તર અને ઘાટલોડિયા વચ્ચેની પ્રથમ મેચ નિહાળી હતી.
ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનું અમદાવાદ ખાતે ઉદઘાટન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે 2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં જ યોજાશે અને 2047માં ભારત પોતાની આઝાદીની શતાબ્દી મનાવી રહ્યું હશે ત્યારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલમાં ભારત ટોપ પર હશે એની ખાતરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લાં 10 વર્ષમાં અન્ય ક્ષેત્રોની જેમ રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ વિકાસ જોવા મળ્યો, એનાં ભવ્ય પરિણામ આગામી 25 વર્ષોમાં જોવા મળશે, એવું તેમણે ઉમેર્યું હતું.
અમિત શાહે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓના પર્ફોર્મન્સમાં આવેલા સુધારાનો વિશેષ ઉલ્લેખ કરીને કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ઓલિમ્પિકમાં આપણે માત્ર બે મેડલ જીતતા હતા, તાજેતરમાં સાત મેડલ જીત્યા છીએ. પેરાલિમ્પિકમાં પહેલા આપણે 4 મેડલ જીત્યા હતા, જેની સામે 2020માં પેરાલિમ્પિકમાં આપણે 19 મેડલ જીત્યા.
એશિયન ગેમ્સની વાત કરવામાં આવે તો તેમા પણ 57ની સામે 2023માં 107 મેડલ જીત્યા છીએ. પેરા એશિયન ખેલમાં 33ની સામે 2022માં આપણે 111 પદક હાંસલ કર્યા છે. કોમનવેલ્થમાં 15 ગોલ્ડ મેડલની સામે દેશના ખેલાડીઓ હવે 26 ગોલ્ડ મેડલ જીતી લાવ્યા છે.
તાજેતરમાં સંપન્ન થયેલ ગાંધીનગર સાંસદ ખેલકૂદ સ્પર્ધાની વાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે કુલ 37,800 ખેલાડીઓએ જુદી જુદી 42 રમતોમાં ભાગ લીધો હતો. આ 42 રમતમાં ક્રિકેટનો સમાવેશ નહોતો કરાયો, જેથી યુવાનોને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો શીખવે એવી દેશી રમતોને પૂરતું પ્રોત્સાહન મળે.
ગાંધીનગર ખાતે શરૂ થવા જઈ રહેલ ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગમાં 1078 ટીમો ભાગ લઈ રહી છે અને 16,100 ખેલાડીઓ રમવાના છે, જે રાજ્યમાં વધી રહેલા સ્પોર્ટ્સ કલ્ચરને દર્શાવે છે.
કેન્દ્રીય મંત્રીએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે રમતમાં હાર અને જીત બંને હોય છે. હારશો તો જીતવાનું જુનૂન પેદા થશે, અગાઉની જીતનો અહંકાર ચૂરચૂર થશે. હારથી હતાશ નથી થવાનું અને જીતથી અહંકાર નથી લાવવાનો, આપણી સામે જીતનાર કે હારનાર આપણો ભાઈ જ હોય છે, આવી ભાવના ખેલદિલી પેદા કરે છે.
તેમણે જણાવ્યું કે સાંસદ ખેલકુદ સ્પર્ધા તેમજ ગાંધીનગર સાંસદ ક્રિકેટ લીગ (જીએલપીએલ)નો આ પ્રારંભ છે અને તેનો ક્યારેય અંત આવવાનો નથી, એવી તેમણે ખાતરી આપી હતી.