
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી તપોવન સર્કલ થઈ આવતી નર્મદા કેનાલ ઉપરના કામગીરીનું કન્સ્ટ્રકશન વર્કની તસ્વીર
પુલની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે, તેના ઉપર ટ્રેક, થર્ડ રેલ વિગેરેની કામગીરી ચાલુ કરીને માર્ચ/એપ્રિલ માસમાં ટ્રાયલ શરૂ કરવાનું આયોજન
અમદાવાદ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં એપીએમસી માર્કેટ થી કાલુપુર અને થલતેજ થી મોટેરા સ્ટેડિયમ સુધી મેટ્રો શરૂ થયા બાદ હવે ટૂંક સમયમાં અમદાવાદથી ગાંધીનગર સફર કરતા પ્રજાજનો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી ગાંધીનગર સુધી મેટ્રો રેલ નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી તપોવન સર્કલ થઈ આવતી નર્મદા કેનાલ ઉપરનું કામ હાલમાં ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે લગભગ માર્ચ કે એપ્રિલ માસમાં ટ્રાયલ લેવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદથી સેકટર-૧, ગાંધીનગરના મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરૂ કરવાના આયોજનના ભાગરૂપે મેટ્રોની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહેલ છે, જે અન્વયે ઉપરનો નજારો રેકોર્ડ સમયમાં બનેલ નર્મદા મુખ્ય કેનાલ પરનો એકસટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજ છે, જેની કામગીરી આખરી તબક્કાએ પહોંચેલ છે.

આ પુલમાં ૧૪૫ મીટર લંબાઇનું સેન્ટ્રલ સ્પાન તથા ૭૯ મીટર લંબાઇના બે અંતિમ સ્પાનમાં કુલ ૧૦૫ સેગમેન્ટ પૈકી ૧૦૦ સેગમેન્ટ લોન્ચ થયેલ છે તથા ૨૮.૧ મીટર ઉંચાઇના બે પાયલોનની કામગીરી પુર્ણ થયેલ છે. પુલની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે જે બાદ તેના ઉપર ટ્રેક, થર્ડ રેલ વિગેરેની કામગીરી ચાલુ કરીને માર્ચ/એપ્રિલ માસમાં ટ્રાયલ શરૂ કરવાનું આયોજન, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) એ કરેલ છે.