વિધાનસભાના મેરિટના આધારે જુઓ તો ‘આપ’ને એક તૃતીયાંશ સીટ અને કોંગ્રેસને બે તૃતીયાંશ સીટ મળવી જોઈએ: સંદિપ પાઠક
બાકીની 6 બેઠકો પર વિચારણા કરવામાં આવશે અને થોડા દિવસો પછી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે: સંદિપ પાઠક
આજે હું દક્ષિણ ગોવામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની પણ જાહેરાત કરું છું:સંદિપ પાઠક
ગઠબંધનના મૂલ્યોને ધ્યાનમાં રાખીને, અમે દિલ્લીમાં કોંગ્રેસને એક બેઠક ઓફર કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટીએ એક સીટ પર અને આમ આદમી પાર્ટીએ 6 સીટો પર ચૂંટણી લડવી જોઈએ:ઈન્ડિયા એલાયન્સને મજબૂત કરીશું અને ભવિષ્યમાં ઘણું કામ કરીશું: સંદિપ પાઠક
અમદાવાદ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદિપ પાઠકે દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદમાં મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે ઈન્ડિયા એલાયન્સની રચના થઈ ત્યારે ઉદ્દેશ્ય એ હતો કે દેશના તમામ ઘટક રાજકીય પક્ષોએ પોતાના રાજકીય હિતોની ચિંતા કર્યા વિના દેશના હિતને ધ્યાનમાં રાખીને ચૂંટણી જીતવી જોઇએ. આ દેશને સારી સરકાર આપવાનો વિચાર હતો. અમે પણ આ જ હેતુથી આ ગઠબંધનમાં આવ્યા છીએ. ઈન્ડિયા એલાયન્સનો ઉદ્દેશ્ય દેશને નવો વિકલ્પ આપવાનો છે. તેથી સમયસર ઉમેદવારની ઘોષણા કરવી મહત્વપૂર્ણ બની જાય છે. પ્રચારના આયોજન અને આ ચૂંટણીને એકસાથે કેવી રીતે આગળ લઈ જવી તે અંગે વાત કરતા રહેવું જરૂરી છે. બેઠક વહેંચણીને લઈને કોંગ્રેસ પક્ષ સાથે બે મોટી સત્તાવાર બેઠકો યોજાઈ હતી. એક 8મી જાન્યુઆરીએ અને બીજી 12મી જાન્યુઆરીએ થઈ હતી. બંને બેઠકમાં તમામ બાબતો પર ચર્ચા થઈ હતી પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નહીં.આ બે ઔપચારિક બેઠકો સિવાય છેલ્લા એક મહિનામાં કોઈ બેઠક થઈ નથી. અમે એક મહિનાથી બેઠકની રાહ જોઈ રહ્યા છીએ કે આગામી બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવશે અને મામલો આગળ વધશે. અમને કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની યાત્રા ચાલી રહી છે અને તેથી શરૂઆતમાં વિલંબ થયો. દરમિયાન, અમને કોંગ્રેસ પાર્ટીના ઘણા અગ્રણી નેતાઓને મળવાનો મોકો મળ્યો અને તેઓને પણ હવે પછીની બેઠક ક્યારે યોજાશે તેની કોઈ જાણકારી નથી. આવી સ્થિતિમાં મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ રીતે ચૂંટણી જીતવી મુશ્કેલ બનશે. થોડા દિવસો પહેલા અમે આસામમાં ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી હતી. મને આશા છે કે ઈન્ડિયા ગઠબંધન તેનો સ્વીકાર કરશે. આ ત્રણેય ઉમેદવારોની સંપૂર્ણ તૈયારી છે. ખૂબ જ સારો પ્રતિભાવ છે. આજે હું દક્ષિણ ગોવામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની પણ જાહેરાત કરું છું. ભરૂચના ‘આપ’ ધારાસભ્યને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ. ગોવા વિધાનસભાની ચૂંટણીમાં દક્ષિણ ગોવામાં અમારી પાસે બે સીટો આવી હતી. બંને ધારાસભ્યો ખૂબ સારું કામ કરી રહ્યા છે. બંને ખૂબ જ લોકપ્રિય છે.
ગોવામાં કોંગ્રેસ પાર્ટી પાસે ત્રણ બેઠકો છે. આ મુજબ સ્વાભાવિક રીતે એક સીટ આમ આદમી પાર્ટીને મળવી જોઈએ. આ સાથે ગુજરાતમાં બે ઉમેદવારોની પણ જાહેરાત કરી રહ્યો છું. પ્રથમ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા અને બીજા ભાવનગરના ઉમેશ મકવાણા ઉમેદવાર છે. મને આશા છે કે ઈન્ડિયા ગઠબંધન આનો સ્વીકાર કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી અને લગભગ 13% વોટ શેર મેળવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ અહીં 17 બેઠકો જીતી હતી અને 27 ટકા વોટ શેર મેળવ્યા હતા. જો તમે મેરિટના આધારે જુઓ તો આમ આદમી પાર્ટીને એક તૃતીયાંશ સીટ અને કોંગ્રેસને બે તૃતીયાંશ સીટ મળવી જોઈએ. આ હિસાબે અમારી પાસે આઠ બેઠકો છે. આજે અમે બે બેઠકોની જાહેરાત કરી છે. બાકીની 6 બેઠકો પર વિચારણા કરવામાં આવશે અને થોડા દિવસો પછી તમારી સમક્ષ મૂકવામાં આવશે. કોંગ્રેસ 18 બેઠકો પર ચૂંટણી લડશે.
દિલ્હીની લોકસભામાં કોંગ્રેસ પાર્ટી પાસે શૂન્ય બેઠકો છે. વિધાનસભામાં પણ શૂન્ય બેઠકો છે. MCD ચૂંટણીમાં 250માંથી 9 બેઠકો કોંગ્રેસ પાર્ટીએ જીતી હતી. ગઠબંધનના મૂલ્યોને ધ્યાનમાં રાખીને, અમે તેમને એક બેઠક ઓફર કરીએ છીએ. અમારો પ્રસ્તાવ છે કે કોંગ્રેસ પાર્ટીએ એક સીટ પર અને આમ આદમી પાર્ટીએ 6 સીટો પર ચૂંટણી લડવી જોઈએ. અમે આજે ઉમેદવારની જાહેરાત નથી કરી રહ્યા. મને આશા છે કે દિલ્હીના પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ જલ્દી વાતચીત શરૂ થશે. જો મંત્રણા કોઈ નિષ્કર્ષ પર નહીં પહોંચે તો આગામી દિવસોમાં અમે છ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરીશું. જ્યારે અમે ભરૂચ બેઠક માટે પૂછ્યું ત્યારે અમને કહેવામાં આવ્યું કે તે ભાવનાત્મક બેઠક છે. અહેમદભાઈ અહીં લડતા હતા અને હવે અહેમદભાઈની દીકરી અહીંથી લડશે. અમે તેનો ડેટા કાઢ્યો. 1977 થી 1991 સુધી અહીં ચૂંટણી લડ્યા હતા. છેલ્લી વખત કોંગ્રેસ પાર્ટીએ 1984માં ત્યાં જીત મેળવી હતી. 40 વર્ષ થયા કોંગ્રેસ પાર્ટી અહીં ચૂંટણી જીતી શકી નથી. તેને બાજુ પર રાખીને, 2019માં ભાજપને 55% વોટ શેર મળ્યા અને કોંગ્રેસ પાર્ટીને 26% વોટ શેર મળ્યા. 40 વર્ષથી કોંગ્રેસની ભાવનાત્મક બેઠક નથી, અહેમદભાઈની બેઠક નથી, કોંગ્રેસ પાર્ટીની ચોક્કસ બેઠક નથી.
આપણે એ જોવાની જરૂર નથી કે કોણ કોની સાથે સંબંધ ધરાવે છે. જે જીતી શકે અને ભાજપને હરાવી શકે તેને ટિકિટ આપવી પડશે. સમગ્ર ભરૂચ અને સમગ્ર આદિવાસી સમાજ ઇચ્છે છે કે ચૈતર વસાવા તેમના ઉમેદવાર બને. હરિયાણા અને ચંદીગઢમાં ટૂંક સમયમાં મંત્રણા શરૂ થવી જોઈએ અને ત્યાં જલદી તારણો કાઢવા જોઈએ. પંજાબ અંગે અમે પહેલા જ સ્પષ્ટતા કરી ચુક્યા છીએ કે ત્યાંના બંને પક્ષોના જૂથો અને રાજ્ય સ્તરના નેતાઓએ નક્કી કર્યું છે કે તેઓ અલગ અલગ લડશે. હવે ચંદીગઢ, હરિયાણા અને અન્ય રાજ્યોમાં જ્યાં વાટાઘાટો ચાલી રહી છે ત્યાં વહેલી તકે મંત્રણા પૂર્ણ થવી જોઈએ. અમારો હેતુ દેશને બચાવવાનો છે. આમ આદમી પાર્ટી મહત્વની નથી, દેશ મહત્વપૂર્ણ છે. ઈન્ડિયા એલાયન્સને મજબૂત કરીશું અને ભવિષ્યમાં ઘણું કામ કરીશું.