ગાંધીનગરના અદાણી શાંતિગ્રામ બ્રિજ ઉપર અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક્ટિવાને પાછળથી ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં ટ્વિનસ દીકરીઓને માતાની છત્રછાયા ગુમાવવાનો વખત આવ્યો છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના કુડાસણ રાજધાની સોસાયટીમાં રહેતા નીલયભાઈ નવીનચંન્દ્ર ત્રીવેદી કુડાસણમા ધ લેન્ડમાર્કમાં લગેજ બેંગનો વેપાર કરે છે. જેમના મોટા બહેન પારૂલબેન જનકરાય જાનીને (ઉ.વ.51 રહે. બી/67, અર્બુદાનગર-1 ભરૂચ) સંતાનમા બે જોડવા દિકરીઓ ધ્રુવી અને ભાર્ગવી છે, જેઓ પરિવાર સાથે ધ્રુવીની સગાઈ માટે ગત તા. 1/2/2023 નાં રોજ ગાંધીનગર આવ્યા હતા. અને સગાઈ પૂર્ણ થઈ ગયા પછી તેમના જીજાજી જનકરાય જાની પરત ભરૃચ જતાં રહ્યાં હતાં.
જ્યારે પારૂલબેન બન્ને દીકરીઓ સાથે ગાંધીનગર રોકાયા હતા. ગઈકાલે સાંજે પાંચેક વાગે નીલયભાઈ દુકાને હાજર હતા. એ વખતે તેમની ભાણી ધ્રુવીએ ફોન કરીને જાણ કરેલી કે પારૂલબેનને અકસ્માત થયો હોવાથી સોલા સિવિલ લઈ ગયા છે. આથી નીલયભાઈ સહિતના લોકો સોલા સિવિલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પારૂલબેનને મૃત જાહેર કર્યા હતા.
બાદમાં નીલયભાઈને જાણવા મળ્યું હતું કે, પારૂલબેન આશરે બપોરે બે વાગ્યાના સુમારે એક્ટીવા લઈ બંન્ને ભાણીયોના ચશ્મા બનાવડાવવા સિમાહોલ અમદાવાદ ખાતે ગયા હતા. અને પરત આવતી વેળાએ અદાણી શાન્તીગ્રામ બ્રીજ પસાર કરતા હતા. ત્યારે એક અજાણ્યા વાહન ચાલક પોતાનુ વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી એક્ટીવાને પાછળથી ટક્કર મારી હતી. જેનાં કારણે પારૂલબેનનું રોડ પર નીચે પડી જવાથી ગંભીર ઈજાઓનાં કારણે મોત થયું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.