ગાંધીનગરના ભાટ ગામમાં આવેલ હિલદીપ પાર્ટી પ્લોટ બહાર કાર પાર્ક કરીને લગ્ન પ્રસંગ માણવા ગયેલા દંપતીને કડવો અનુભવ થયો છે. પાર્ટી પ્લોટમાં ચાલતાં લગ્ન પ્રસંગ દરમ્યાન બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી તસ્કરો 9 હજાર રોકડ, સોનાની બુટ્ટી, બૅન્કનુ ક્રેડીટ કાર્ડ સહિત 20 હજારનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ જતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સરખેજ ખાતે રહેતો નકીબ ઇફ્તીખારુદ્દીન કાજી સાણંદમાં ટાટા મોટર્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે સાંજના છ વાગ્યાના અરસામાં નકીબ તેની પત્ની ઉમ્મેરુમાન ઘરેથી કારમાં નીકળી ભાટ ગામે આવેલ હીલદીપ પાર્ટીપ્લોટમાં એક સંબધીના લગ્નમાં આવ્યા હતા. ત્યારે નકીબે ગાડી હીલદીપ પાર્ટીપ્લોટની બહાર પાર્ક કરી હતી. બાદમાં દંપતી પાર્ટીમાં લગ્ન પ્રસંગે ગયા હતા અને રાત્રીના આશરે સવા નવેક વાગે નકીબ તેના મિત્ર શારીખ સાથે ગાડીએ પાણીની બોટલ લેવા માટે ગયો હતો. ત્યારે ગાડીના ડાબી બાજુના પાછળનો બારીનો કાચ તુટેલ જોઈ બંને મિત્રો ચોંકી ઉઠયા હતા અને નકીબે ગાડી પડેલ સામાન ચેક કરતાં તેની પત્નીનું આસમાની કલરનું પર્સ ચોરાઈ ગયું હતું. જેમાં 9 હજાર રોકડા, સોનાની બુટ્ટી, બેંન્કનુ ક્રેડીટ કાર્ડ, એ.ટી.એમ કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ હતા.
આથી બંને મિત્રોએ આસપાસ તપાસ કરી હતી. અને અન્ય લોકોને પણ પૂછતાંછ કરી હતી. આ અંગે જાણ થતાં અડાલજ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. અને નકીબની ફરીયાદના આધારે 20 હજારના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી પાર્ટી પ્લોટ વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી વધુ તપાસ હાથ ધરી છે.