અમદાવાદના સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર
સોસાયટી પાસે 150થી વધુ ગેરકાયદેસર મકાનો-ઝૂંપડાઓના
મેગા ડિમોલેશનની કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી છે.
આજે સવારે 10:30 વાગ્યે પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ
વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી
કરવામાં આવી હતી. સ્થાનિકોનાં ઘર તૂટતાં મહિલાઓ દ્વારા
વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા ભારે વિરોધ
કરવામાં આવતા પોલીસ સાથે પણ ઝપાઝપી-ખેંચતાણ
જોવા મળી હતી અને અંતે કાર્યવાહી ચાલુ થતાં મહિલાઓ
રોડ ઉપર માથે ઓઢીને બેસી ગઈ હતી. જોકે, સ્થાનિકોને
10 દિવસ પહેલાં મકાનો ખાલી કરવા તેમજ અન્ય જગ્યાએ
ખસી જવા સૂચના આપી હતી, પરંતુ સૂચના અવગણતા
આખરે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે ખાડિયાની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા 150થી વધુ ગેરકાયદેસર ઝૂંપડાં અને મકાન આવેલાં છે. ચીમનભાઈ બ્રિજ વધારી નવો બનાવવાનો છે. જેના કારણે આ તમામ ગેરકાયદે મકાનોને તોડવા માટે આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી મહેશ તાવિયાડ અને તેમની ટીમો દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. એલ ડિવિઝન ASP ડી.વી રાણા અને એ ડિવિઝનના ACP જયેશ બ્રહ્મભટ્ટ સહિત 10થી વધુ PI, PSI અને 100થી વધુ પોલીસકર્મી સાથે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમામ લોકોના સામાન બહાર કાઢી લેવા સમજાવટ છતાં ન માનતા એસ્ટેટ વિભાગની ટીમની મદદથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો.
સવારે 9 વાગ્યે પોલીસ અને એસ્ટેટ વિભાગની ટીમ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. મહિલાઓ ધરણાં ઉપર ઊતરી ગઈ હતી. એક કલાકની સમજાવટ છતાં પણ સ્થાનિકો માન્યા નહોતા, ત્યારબાદ પોલીસની મદદથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ વિરોધ પર ઊતરી આવી હતી. જેને લઇ મહિલા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. જોકે તમામને પોલીસે કાબૂમાં લઈ તોડવાની કામગીરી હાથ ધરી હતી. દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન પણ મહિલાઓએ વિરોધ શરૂ કર્યો હતો.
ખાડિયાની ચાલી તરીકે ઓળખાતા આ વિસ્તારમાં લોકો છેલ્લાં 20 વર્ષથી રહે છે. સ્થાનિક લોકોની માંગ હતી કે, તેઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવામાં આવે. એસ્ટેટ વિભાગ દ્વારા પણ તેઓને 10 દિવસ પહેલાં સ્થાનિક PIને સાથે રાખી મકાનો ખાલી કરી દેવા માટે તેમજ અન્ય જગ્યાએ ખસી જવાની સૂચના આપી હતી, છતાં પણ તેઓ દ્વારા મકાનો ખાલી કરવામાં ન આવતા આજે તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.