ગાંધીનગર શહેરમાં છેલ્લા દસકામાં શહેરમાં રિયલ એસ્ટેટ સેક્ટરનો સિનારીયો બદલાઇ ગયો છે. સમગ્ર ડેવલપમેન્ટ ન્યૂ ગાંધીનગરમાં છે ત્યારે હવે નવી જંત્રી લાગુ થશે તે કિસ્સામાં અત્યારસુધી સાવ ઓછી જંત્રી હતી તેવા સરગાસણ, કુડાસણ, રાયસણ, કોબા સહિતના વિસ્તારો ટોચ ઉપર પહોંચે તેવી શક્યતા છે. જિલ્લા મહેસૂલી તંત્રએ કરેલા સરવે દરમિયાન આ વિસ્તારોમાં કોમર્શિયલ અને રેસિડેન્સિયલ બંને એકમોમાં બજાર કિંમત ઘણી ઉંચી જોવા મળી છે. અત્યારસુધી જંત્રીના દરો સેક્ટર વિસ્તારમાં વધારે હતા પરંતુ હવે ન્યૂ ગાંધીનગરના વિસ્તારોમાં સેક્ટરોથી વધારે ઉંચી જંત્રી રહેવાની શક્યતા છે. જિલ્લા તંત્ર દ્વારા શહેર વિસ્તારનો સરવે પૂર્ણ કરીને રીપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે.
આ સરવે દરમિયાન ન્યૂ ગાંધીનગરના વિસ્તારોની ભાવ ઘણા વધારે જોવા મળ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં જંત્રીના દરો છેલ્લે 2011માં અમલી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત વર્ષ 15 એપ્રિલથી સરકાર દ્વારા જંત્રીના ભાવમાં 2 ગણો વધારો કર્યો હતો. પરંતુ સરવે બાદ ચોક્કસ દરો જાહેર થઇ શકે તે માટે રાજ્ય સરકારે તમામ જિલ્લામાં સરવેના આદેશ કર્યા હતા. જેના પગલે ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા સાયન્ટીફિક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. ગાંધીનગર શહેરમાં વિવિધ 900 જેટલા વેલ્યુ ઝોનમાં વહેંચીને 25થી વધુ ટીમો કામે લગાડવામાં આવી હતી. જિલ્લા તંત્ર દ્વારા સરવે બાદ મળેલા ભાવોની ચકાસણી કરીને સરકારને સુપરત કરી દેવામાં આવ્યા છે. નવા દરો ક્યારથી અમલી બનાવવા તેનો નિર્ણય તો સરકાર કક્ષાએથી થશે પરંતુ આ દરો અમલી થશે ત્યારે તેમાં વર્તમાન દરોની સરખામણીએ ધરખમ વધારો થશે સાથે જ અનેક વિસ્તારોમાં હાલ ભાવ ઓછા છે ત્યાં અનેકગણી જંત્રી વધશે તેવી શક્યતા દેખાઇ રહી છે. ગ્રામ્ય વિસ્તાર કરતાં વધુ પ્રમાણમાં તંત્રને શહેરી વિસ્તારમાંથી સ્ટેમ્પ ડ્યૂટીની આવક થતી જોવાં મળે છે. જેથી તંત્ર દ્વારા શહેરી વિસ્તારના સરવેમાં ખાસ કાળજી રાખવામાં આવી છે, જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત તેની હદમાં આવતાં શહેરી ગાંમડાઓમાં પણ આગામી દિવસોમાં માર્કેટ રેટ પ્રમાણે જંત્રીના ભાવ લગભગ સરખા રહેવાની સંભાવના પૂરેપૂરી જોવાં મળી છે.
સરવે દરમિયાન તંત્રના ફરજ પરના કર્મચારીઓ સેક્ટર અને અન્ય શહેરી વિસ્તારોમાં થયેલાં દસ્તાવેજોના આધાર પૂરાવા તપાસી તથા વિવિધ વિસ્તારોમાં રૂબરૂ જઇને મિલકતોની વાસ્તવિક કિંમત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ગિફ્ટ સિટી સ્પેશિયલ ઇકોનોમી ઝોન હોવાથી તેમાં સરવે અંગે શરૂઆતમાં ગડમથલ હતી પરંતુ રાજ્ય સરકાર તરફથી ગાંધીનગર જિલ્લા તંત્રને સરવે માટેની સૂચના આપવામાં આવતા ગિફ્ટ સિટીનો પણ અલગથી સરવે પૂર્ણ કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં જે પ્રકારની ડિમાન્ડ ઉભી થઇ રહી છે તે જોતા નવી જંત્રીમાં પણ આ વિસ્તારનો ભાવ સૌથી વધારે રહે તેવી શક્યતા છે. હાલ શહેરમાં જંત્રીના દર બમણા હોવા છતાં જે વિસ્તારોમાં સૌથી વધુ ડેવલપમેન્ટ છે તે સરગાસણ, કુડાસણ, રાયસણ કોબા સહિતના વિસ્તારોમાં જંત્રીના દર સેક્ટર તો ઠીક ઇન્દ્રોડા- ધોળાકૂવા જેવા શહેરી ગામો કરતા પણ ઓછા છે પરંતુ તાજેતરના સરવેમાં આ વિસ્તારોની બજાર કિંમત ઘણી ઉંચી જણાઇ છે જેથી આગામી સમયમાં નવી જંત્રી વખતે આ વિસ્તારની જંત્રી શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ ઘણી ઉંચી રહેવાની શક્યતા છે.