લોકસભાની ચૂંટણી નજીક આવતા સરકારની સામે ફરી એક વખત ખેડૂતોએ બાંયો ચડાવી, ગુજરાતમાં પણ દેખાવો, પોલીસે કરી અટકાયત….

Spread the love

પંજાબ અને હરિયાણાના ખેડૂત આંદોલનની અસર

ગુજરાતમાં જોવા મળી છે. વડોદરામાં સંયુક્ત કિસાન

મોરચા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક

હડતાળ અને ગામડા બંધનું એલાન આપ્યું છે. તેમજ

શહેરના ગાંધીનગર ગૃહથી મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના

આગેવાનો સાથે મોટી સંખ્યામાં કામદારોની ઉપસ્થિતિમાં

રેલી યોજાઈ હતી. જે કલેક્ટર કચેરી ખાતે પહોંચી

સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આવેદનપત્ર આપી માગણીઓને

સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન

કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે સુરતમાં

ખેડૂત આગેવાનો ધરણાં પ્રદર્શન કરે એ પહેલાં જ પોલીસે

તમામની અટકાયત કરી લીધી હતી.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ પાટિયા ખાતે શાંતિપૂર્ણ ધરણાં પ્રદર્શન કરતા પહેલાં જ ખેડૂત અને સહકારી આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.

MSPની સરકાર જાહેરાત કરે તેમજ અન્ય પ્રશ્નનો ઉકેલ લાવે તેવા અલગ-અલગ મુદ્દાઓને લઈને ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા સરકારની સામે ફરી એક વખત ખેડૂતોએ બાંયો ચડાવી છે. દેશભરનાં ગામડાઓમાં આજે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ખેડૂતો વિરોધ પ્રદર્શન સ્થળે એકત્રિત થાય તે પહેલાં જ વિરોધ કરનાર અગ્રણીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ મામલે સહકારી અગ્રણી દર્શન નાયકે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો માટે મજબૂત નિર્ણય લઈ રહી નથી. સ્વામીનાથન કમિશન દ્વારા જે ખેડૂતોને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, તેને લાગુ કરવાની માગ કરવામાં આવી રહી છે. આજે જે પ્રકારની સ્થિતિ ખેડૂતો માટે ઊભી થઈ રહી છે તે આર્થિક રીતે ખૂબ જ ખરાબ છે. ખેડૂતોને ટેકાના ભાવ પ્રાપ્ત થાય તેના માટે સરકારે જે પોલિસી જાહેર કરવી જોઈએ, તે કરી રહી નથી. જેના કારણે આજે પણ ખેડૂત આર્થિક બોજા હેઠળ છે. સરકારની આ નીતિનો વિરોધ કરવા માટે આજે અમે એકત્રિત થઈ રહ્યા હતા, તે પહેલાં જ પોલીસનો સહારો લઈને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન પણ આ તાનાશાહી સરકાર સહન કરી શકતી નથી.

વડોદરાના ઇનટુકના અધ્યક્ષ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, સમગ્ર દેશના ખેડૂતો અને કામદારો સરકારથી નારાજ છે. ખેડૂતો રસ્તા પર છે ત્યારે દેશના કામદારો અને સંયુક્ત કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથે સાથે આજે જે કોઈ નાના ટ્રેડ યુનિયનો સાથે મળી જોડાયા છે અને પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપી રહ્યા છે. જેમાં તેઓની માગણીઓ પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆતો કરાઇ છે. કામદારો સાથે લેબરના ચાર જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે તેમાં તેઓનું શોષણ થઈ રહ્યું છે. તેના વિરોધમાં આજે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા હાલમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે. જેના કારણે કામદારે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે.

આ અંગે આઇટુકના પ્રમુખે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આજે ખેડૂતો સાથેના ભારત બંધના એલાનમાં સમર્થન આપ્યું છે. જેમાં 4 લોઅર કોર્ટ સરકાર કામદારો પર લાગુ કરવા માગે છે અને અન્ય કાયદાઓ રદ કરવા માગે છે તેના વિરોધમાં સાથે વર્ષોથી કામદારોની માંગણીઓ છે તેના માટે આજે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી રહ્યા છીએ. આગામી સમયમાં માગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના આહવાન હેઠળ ઇન્ટુક, આઈટુક સહિતનાં વિવિધ સંગઠનો જોડાયાં હતાં. જેના દ્વારા વિરોધ કરી સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી રેલી બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *