ફુગ્ગો ફુલાવવો એ મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ એક કસરત ગણાયે છે. ફેફસાની રિકવરી માટે આ કસરતની ભલામણ મોટા પાયે કરવામાં આવે છે. ડોક્ટર રોજ ફુગ્ગો ફુલાવાની પ્રેક્ટિસ કરવાની સલાહ આપે છે. આનાથી ફેફસાંની કસરત થવાની સાથે શ્વાસ લેવામાં થતી તકલીફ દૂર થાય છે. પરંતુ સુરતના એક બાળક માટે ફુગ્ગો ફુલાવવુ જીવલેણ બની રહ્યું. એક ફુગ્ગાએ બાળકનો ભોગ લીધો છે. નાનાભાઈના જન્મદિવસે ફુગ્ગો ફુલાવતા 5 વર્ષના મોટાભાઈનું કરુણ મોત નિપજ્યું છે.
તાજેતરમાં સુરતનો એક કિસ્સો સામે આવ્યો છે. જેનાથી દરેક માતાપિતાએ સાવધાન રહેવાની જરૂર છે. મૂળ જૂનાગઢનો પરિવાર સુરતમાં રહે છે. સુરતના પુણા ગામમાં રહેતા વિમલભાઈ મનસુખ ડોબરિયાને સંતાનમાં બે દીકરા છે. મોટો દીકરો પાંચ વર્ષનો અને નાનો દીકરો એક વર્ષનો. તેમના નાના દીકરાનો પહેલો જન્મદિવસ હતો, ત્યારે મોટો દીકરો ફુગ્ગો ફુલાવી રહ્યો હતો. રમત રમતમાં આ ફુગ્ગો તેની શ્વાસનળીમાં જતો રહ્યો હતો. આ ફુગ્ગો પાંચ વર્ષના બાળક માટે જીવલેણ સાબિત થયો હતો. તેનુ ત્યાં જ મોત થયુ હતુ. આમ, નાનાભાઈના જન્મદિવસે મોટાભાઈનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો. ડોબરીયા પરિવારે એક દીકરાના જન્મદિવસે બીજા દીકરાને ગુમાવ્યો.