મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આવતીકાલ તા. ૮ ઓક્ટોબરે ગુજરાતમાં ઇ-સંજીવની ઓ.પી.ડી.નો ગાંધીનગરથી પ્રારંભ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સમગ્ર દેશમાં ઇ-સંજીવની ઓ.પી.ડી. અંતર્ગત નિષ્ણાંતોના માર્ગદર્શનથી હજારો નાગરિકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે જેનો ગુજરાતમાં પણ મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. આ ઇ-સંજીવની એપના માધ્યમથી ગુજરાતનો કોઇપણ નાગરિક ગુજરાતની કોઇપણ જગ્યાએથી નિષ્ણાંત તબીબોની સારવાર વિનામૂલ્યે મેળવી શકશે. આ ઇ-સંજીવની એપ ખૂબ જ સરળતાથી સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરી શકાય છે. જેના દ્વારા ઘરે બેઠા આપણે આરોગ્યની પ્રાથમિક સારવાર તજજ્ઞ તબીબોની પાસેથી મેળવી શકીશું. આગામી સમયમાં ગુજરાતમાં આ એપ દ્વારા સુપર સ્પેશ્યાલીટી જેવા કે હૃદય રોગ નિષ્ણાંત, કીડની સ્પેશ્યાલીસ્ટ, કેન્સરના સ્પેશ્યાલીસ્ટ જેવી સેવાઓ પણ ઉપલબ્ધ કરી શકાશે. ઇ-સંજીવની એપ દ્વારા તબીબી તજજ્ઞોએ સુચવેલી દવાઓ અને તપાસ જે તે વ્યક્તિને સરકારી દવાખાનામાં વિનામૂલ્યે મળી રહે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.