અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકની પ્રેરણા અને નાયબ પોલીસ કમિશ્નર ઝોન 1 ડૉ. લવિના સિન્હાના માર્ગદર્શન અને ઉપસ્થિતીમાં નિર્ણયનગરની નેસ્ટ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો
નિર્ણયનગર સ્થિત શાળામાં વિદ્યાર્થીનીઓ અને તેમની માતાઓને સ્વરક્ષણની લાઈવ તાલીમ આપી સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા
750થી વધુ વિદ્યાર્થીની અને માતાઓએ હોંશે-હોંશે જોડાઈ કંઈક નવું શીખ્યાનો આનંદ વ્યક્ત કર્યો
અમદાવાદ
આધુનિક યુગની જરૂરિયાત મુજબ દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓ પુરૂષો સમોવડી સાબિત થઈ રહી છે. બીજી તરફ મહિલાઓની સુરક્ષા અને સલામતી અંગે જાગૃતતા વધે તે માટે સરકાર અને ખાસ કરી પોલીસ સતત પ્રયાસરત રહે છે. શાળાની વિદ્યાર્થીનીઓને અભ્યાસની સાથે સાથે ગુડ ટચ-બેડ ટચ અને સેલ્ફ ડિફેન્સ અંગે શિક્ષિત કરવા માટે અમદાવાદના નિર્ણયનગરની નેસ્ટ શાળા ખાતે “જીવન કેડીનું અજવાળું મારી મા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકની પ્રેરણા અને નાયબ પોલીસ કમિશ્નર ઝોન 1 ડૉ. લવિના સિન્હાના માર્ગદર્શન અને ઉપસ્થિતીમાં શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 750થી વધુ વિદ્યાર્થીનીઓ અને તેમની માતાઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં આ મહિલાઓને શી ટીમની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથોસાથ તેમની મદદ કેવી રીતે મળી શકે તેની જાણકારી અપાઈ હતી. આ ઉપરાંત લિગલ એડવાઇઝર અને સેલ્ફ-ડિફેન્સ નિષ્ણાત જલદિપભાઇ મંધરા અને સેલ્ફ-ડિફેન્સ ટીચર શ્રી શૈલેષભાઇ રાવત દ્વારા મહિલાઓને સ્વરક્ષણ અને સલામતીનો લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો.કાર્યક્રમ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી પરાગ ઠાકર, આચાર્ય શ્રી ચિરાગ શાહ તેમજ વાડજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને શી ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.