મોટાભાગનાં બાળકો સ્કૂલેથી આવ્યાં બાદ તરત મેદાનમાં રમવા જવાને બદલે મોબાઈલ લઈને બેસે છે એ ચિંતાનો વિષય
અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ ૨૦૨૪’ એક પ્રશંસનીય પહેલ -: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
રમત-ગમતને લીધે સ્વાસ્થ્યની જાળવણી કરી શકાય છે અને આ ઉદ્દેશ સાથે જ આ પ્રકારની સ્પોર્ટ્સ મીટનું આયોજન :અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિક
આ સ્પોર્ટ્સ મીટમાં ૧૧ ટીમોએ ભાગ લીધો અને કુલ ૧૩ જેટલી રમતો રમાશે,આ સ્પોર્ટ્સ મીટમાં અમદાવાદ શહેરના અંદાજે ૧૫૦૦ જેટલાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી બન્યા
અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતેથી ‘અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ -૨૦૨૪’ના પ્રારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે વિકસિત ભારતના આ સંકલ્પને સાકાર કરવા સૌ કોઈનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફિટ- ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે. આ ફિટ ઇન્ડિયાના મંત્રને સાકાર કરવા રમત-ગમતનું મેદાન એક મોટું માધ્યમ છે.
આજે રમતગમત એક એવું માધ્યમ છે જે માનસિક તણાવથી સૌ કોઈને મુક્તિ આપે છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે ફિટ રહેવું એ ખૂબ જરૂરી છે અને આ ફિટ રહેવા માટે સૌ કોઈએ મેદાનમાં રમવું પણ એટલું જ જરૂરી છે, એવું તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ આ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લઈ રહેલા તમામ પોલીસ કર્મચારીઓ- ખેલાડીઓને પ્રોત્સાહન આપતા કહ્યું કે, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રમત-ગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ સપોર્ટ કરવામાં આવશે. પોલીસના દરેક કર્મચારીઓ પોતાની ગમતી રમતમાં આગળ આવે એ ખુબ જરૂરી છે. ખેલ મહાકુંભની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સૌ કોઈ રમત-ગમતમાં આગળ આવી શકે એ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનો ૨૦૧૦થી પ્રારંભ કરાવ્યો હતો. ખેલ મહાકુંભમાં ૬૦ લાખથી વધુનું રજિસ્ટ્રેશન જ એ વાતની સાબિતી આપે છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો ખેલો ઇન્ડિયાનો મંત્ર સાકર થઈ રહ્યો છે.આ અવસરે આજનાં બાળકોની જીવનશૈલી વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગનાં બાળકો સ્કૂલેથી આવ્યાં બાદ તરત મેદાનમાં રમવા જવાને બદલે મોબાઈલ લઈને બેસી જતા હોય છે એ સૌ કોઈ માટે એક ચિંતાનો વિષય છે. આવા સંજોગોમાં આ પ્રકારની સ્પોર્ટ્સ મીટ યોજાવી એ ખૂબ આનંદ અને ગૌરવની વાત છે.
અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ-૨૦૨૪ના ઉદ્ઘાટન પ્રસંગે રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આજે ટેકનોલોજીના જમાનામાં જ્યારે લોકોનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા અને ટેકનોલોજી આધારિત ગેમ્સમાં પસાર થાય છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ મેદાની રમતોની સ્પર્ધા એવી ‘અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ ૨૦૨૪’ એક પ્રશંસનીય પહેલ છે.
આ સ્પર્ધાના આયોજન બદલ રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને અભિનંદન પાઠવતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પહેલાના સમયમાં નિયમિત રીતે યોજાતી આ સ્પર્ધાઓને ગુજરાત પોલીસ અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફરીથી શરૂ કરવામાં આવી છે. નેશનલ લેવલે વિવિધ પોલીસ વિભાગોની રમતોની યજમાની આપણે સફળતાપૂર્વક કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આપણે નેશનલ ગેમ્સ અને જુનિયર એથ્લેટિક્સ મીટ જેવી રાષ્ટ્રીય કક્ષાની રમતોની સ્પર્ધાઓની યજમાની પણ સફળતાપૂર્વક કરી છે. પોલીસકર્મીઓની ફરજ તણાવભરી હોય છે. સમાજમાં ઊભી થતી દરેકે દરેક તકલીફમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં રાજ્યનો પોલીસ વિભાગ રાત-દિવસ ખડેપગે કામગીરી કરતો હોય છે. કેટલાય પોલીસકર્મીઓ રાજ્યની સુરક્ષા માટે પોતાના પરિવારો સાથે કેટલાય તહેવારોનો ત્યાગ આપતા હોય છે. આવી નોકરીમાં માનસિક તણાવ રહેવો સ્વાભાવિક હોય છે. આથી જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસકર્મીઓને તણાવમુક્ત રાખવા માટે વખતોવખત અનેકવિધ આયોજનો કરવામાં આવતાં હોય છે. આ સ્પર્ધા પણ આવા જ ઉપક્રમોનો ભાગ છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ કર્મીઓની ફિટનેસની જાળવણી માટે વિવિધ સ્થળોએ જીમ શરૂ કરવામાં આવ્યા છે. યોગ બોર્ડ અને અન્ય સંસ્થાઓ સાથે સંકલન દ્વારા માનસિક તણાવ દૂર કરવા અંગે અનેકવિધ સેશન યોજવામાં આવતા હોય છે.૨૦૨૪ના બજેટમાં પોલીસ જવાનો રમતગમતમાં આગળ વધે તે માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. SRP કેમ્પને સ્પોર્ટ્સ હબ બનાવવા, પોલીસના અલગ અલગ સેન્ટરો પર સ્પોર્ટ્સ સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવા સહિતનાં આયોજનો કરવામાં આવ્યાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, પોલીસની કામગીરી તણાવયુક્ત તો હોય જ છે, પરંતુ નાગરિકોની સલામતી જાળવણી, ટ્રાફિક નિયમનની કામગીરીને પગલે કર્મચારીઓ સ્પોર્ટ્સ પ્રત્યે તેમજ સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. રમત-ગમત એવું માધ્યમ છે કે જેને લીધે સ્વાસ્થ્યની જાળવણી કરી શકાય છે અને આ ઉદ્દેશ સાથે જ આ પ્રકારની સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ સ્પોર્ટ્સ મીટમાં કુલ ૧૧ ટીમો ભાગ લઈ રહી છે.એટલુ જ નહિ આ સ્પોર્ટ્સ મીટમાં કુલ ૧૩ રમતો નક્કી કરવામાં આવી છે, જેમાં હોકી, વોલીબોલ, ફુટબોલ, કબડ્ડી, ટેનિસ, હેન્ડબોલ, કુસ્તી, ટેબલ ટેનિસ, રસ્સા ખેંચ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, એથ્લેટિક્સ તેમજ શૂટિંગ/ફાયરિંગ (ફક્ત અધિકારીશ્રીઓ માટે) સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પોર્ટ્સ મીટમાં અમદાવાદ શહેરના અંદાજે ૧૫૦૦ જેટલાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે.
આ સ્પોર્ટ્સ મીટનો ઉદ્ઘાટન સમારોહમાં મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સ્પોર્ટ્સ મીટમાં ભાગ લઈ રહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રમત પ્રત્યે ખેલદિલી ભાવના જળવાઈ રહે એ માટે શપથ પણ લીધા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પોર્ટ્સ મીટની કુલ ૧૧ ટીમોમાં પ્રથમ ટીમ તરીકે ઝોન-૧, દ્વિતીય ટીમ ઝોન-૨, ત્રીજી ટીમ ઝોન-૩, ચોથી ટીમ ઝોન-૪, પાંચમી ટીમ ઝોન-૫, છઠ્ઠી ટીમ ઝોન-૬, સાતમી ટીમ ઝોન-૭, આઠમી ટીમ તરીકે મુખ્ય મથક, નવમી ટીમ ટ્રાફિક, દસમી ટીમ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ૧૧મી ટીમ તરીકે સી.પી કચેરી, વિશેષ શાખા, કંટ્રોલ રૂમ અને અન્ય શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સ્પોર્ટ્સ મીટમાં કુલ ૧૩ રમતો નક્કી કરવામાં આવી છે, જેમાં હોકી, વોલીબોલ, ફુટબોલ, કબડ્ડી, ટેનિસ, હેન્ડબોલ, કુસ્તી, ટેબલ ટેનિસ, રસ્સા ખેંચ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, એથ્લેટીક્સ તેમજ શુટિંગ/ફાયરિંગ (ફક્ત અધિકારીશ્રીઓ માટે) સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમતો માટે દરેક ઝોનની ટીમમાં વધારેમાં વધારે ૧૦૦ પુરૂષ ખેલાડી અને ૫૦ મહિલા ખેલાડી રાખવામાં આવ્યા છે.આ સાથે એથ્લેટિક્સમાં (૧) ૧૦૦ મીટર દોડ (૨) ૨૦૦ મીટર દોડ (૩) ૪૦૦ મીટર દોડ (૪) ૮૦૦ મીટર દોડ (૫) ૧૫૦૦ મીટર દોડ (૬) વિઘ્ન દોડ-૧૦૦ મીટર (૭) વિઘ્ન દોડ-૪૦૦ મીટર (૮) રીલે રેસ – ૪*૧૦૦ મીટર (૯) રીલે રેસ – ૪*૪૦૦ મીટર (૧૦) લાંબી કૂદ (૧૧) ઊંચી કૂદ (૧૨) ટ્રીપલ જમ્પ (૧૩) ગોળા ફેંક (૧૪) વાંસ કૂંદ (૧૫) ચક્કા ફેંક (૧૬) હેમર થ્રો (૧૭) બરસી ફેંક (૧૮) ભાલા ફેંક જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ -૨૦૨૪ના ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમિન, દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, તમામ ઝોનના ડી.સી.પી, પી.આઈ તેમજ પોલિસકર્મીઓ તેમજ પોલીસ હેડ ક્વાટર્સના પરિવારોના સભ્યો તેમજ સામાન્ય નાગરિકો પ્રેક્ષક તરીકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.