કોવીડ -૧૯ મહામારી સંદર્ભે નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે અને સંક્રમણને રોકવા માટે નિદાન એક અગત્યનું પાસું છે ત્યારે રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવીડ -૧૯ માટેનો રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મંજુરી આપવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.આ માટે જે તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે.
યાદીમા વધુમાં જણાવાયાનુસાર રાજયમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને RTPCR ટેસ્ટ માટે રાજ્યકક્ષાએ થી માન્યતા આપવામાં આવેલ છે.વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજુરી માંગવામાં આવેલ હતી . જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધિન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવીડ -૧૯ માટેનો રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મંજુરી આપવામા આવી છે. જેમાં જે તે લેબોરેટરીમાં એમ.ડી. પેથોલોજીસ્ટ કે એમ.ડી. માઈક્રોબાયોલોજીસ્ટ ફરજીયાત ઉપલબ્ધ હોવા જોઈએ,જે તે લેબોરેટરી પાસે જરૂરી માનવ સંસાધન તેમજ સાધનો પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવા જોઈએ, લેબોરેટરીએ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે જે તે જિલ્લા / કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે આરોગ્ય અધિકારી , મહાનગરપાલિકા પાસે મંજુરી મેળવવાની રહેશે.મંજુરી મેળવ્યા બાદ જ જે તે લેબોરેટરી રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરી શકશે. આ ઉપરાત જે લેબોરેટરીને RIPR ટેસ્ટની મંજુરી મળેલ હોય તેને પણ રેપીડ એન્ટીબોડી ટેસ્ટની મંજુરી મેળવવાની રહેશે. લેબોરેટરીએ જે તે દિવસે કરેલા ટેસ્ટની સંપૂર્ણ વિગતો જે તે જિલ્લા / કોર્પોરેશનને અચૂક આપવાની રહેશે, તેમજ આ માહિતી દર્દી અને હોસ્પિટલ સિવાય અન્ય કોઈપણ સંસ્થાને આપવાની રહેશે નહિ . જ લેબોરેટરીએ ટેસ્ટ કરવા માટે આઈ.સી.એમ.આર. માન્યતા પ્રાપ્ત ELISA કે CLIA રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કીટ વાપરવાની રહેશે તેમજ રીપોર્ટમાં તેનો ઉલ્લેખ કરવાનો રહેશે.માન્યતા આપવામાં આવેલ તમામ લેબોરેટરીઓએ ભારત સરકાર કે રાજ્ય સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનો અચુક અમલ કરવાનો રહેશે .
આ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ માટેના દર નિયત કરવામા આવ્યા છે જેમા ELSIA ફોર એન્ટીબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા ૪૫૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા ૫૫૦ જયારે CLIA ફોર એન્ટીબોડી ટેસ્ટ માટે દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા ૫૦૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા ૬૦૦ના દરો નિયત કરવામાં આવ્યા છે.આ દરમાં તમામ પ્રકારના ચાર્જનો સમાવેશ થાય છે જેથી આ દર્શાવેલા ચાર્જ ઉપરાંત કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લઇ શકાશે નહિ અને જો કોઈ લેબોરેટરી વધારાનો ચાર્જ લેશે તો તેની માન્યતા આપોઆપ રદ ગણાશે એમ વધુમાં જણાવાયું છે.