અમદાવાદની ફેમિલી કોર્ટમાં મેરેજ સર્ટિફિકેટ રદ કરવાના બે દાવા આવ્યા છે. આ બંને દાવા રસપ્રદ છે. પહેલા કેસમાં અમદાવાદની યુવતીએ કેનેડા સ્થિત હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે સ્પાઉસ વિઝા પર કેનેડા ગઈ હતી. કેનેડા જતાં તેના પતિએ ઘટસ્ફોટ કર્યો હતો કે તેમને કેનેડામાં કામવાળી બાઈની જરૂર હોવાથી તેણે લગ્ન કરીને અહીં લાવ્યા છે. આ જાણીને યુવતી ડઘાઈ ગઈ હતી. યુવતીએ ભારત પરત ફરીને એડવોકેટ મારફત ફેમિલી કોર્ટમાં મેરેજ સર્ટિફિકેટ રદ કરાવવા અરજી દાખલ કરી છે.
બીજા કેસમાં સેટેલાઈટની અને કેનેડામાં સેટલ થયેલી 37 વર્ષીય યુવતીએ મેરેજ સર્ટિફિકેટ રદ કરાવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. યુવતી હિન્દુ છે, જે એપ્રિલ 2023માં લગ્ન નક્કી કરવા ભારત આવી હતી. મે મહિનામાં તેને થલતેજના 37 વર્ષીય યુવક સાથે સગાઈ કરી હતી. કુટુંબે ઓગસ્ટ મહિનામાં લગ્ન નક્કી કર્યા હતા.
જોકે સગાઈ બાદ મે મહિનામાં તેને નોકરીના કામે કેનેડા જવાનું નક્કી થયું હતું, જેથી હિન્દુ રીતિરિવાજ મુજબ લગ્ન થઈ શક્યા નહોતા. જોકે તેને મેરેજ રજિસ્ટ્રેશન કરાવીને સર્ટિફિકેટ મેળવ્યું હતું. બાદમાં પતિ માટે પણ સ્પાઉસ વિઝા નીકળ્યા હતા. ભારતમાં રહેતા પતિ સાથે યુવતી ફોન પર વાત કરતી હતી. જોકે બંનેના વિચારો મેળ ખાતા નહોતા. આથી બંને લગ્નજીવન સાથે વિતાવવાનું શક્ય ન હોવાનું લાગતાં કેનેડા સ્થિત યુવતીએ બંને પરિવારોની મંજૂરીથી મેરેજ સર્ટિફિકેટ રદ કરાવવા માટે એડવોકેટ મારફત અમદાવાદ ફેમિલી કોર્ટમાં અરજી કરી છે.
ઉપરોક્ત બંને કેસમાં અરજીમાં જણાવ્યું છે કે બંનેએ હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા નથી. બંનેએ સહજીવન સાથે ગાળ્યું નથી. જેથી હિન્દુ મેરેજ એક્ટ મુજબ આ લગ્ન માન્ય ગણાય નહીં, આથી મેરેજ સર્ટિફિકેટને રદ કરવા માટે કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે બંનેનાં આધારકાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ફોટોગ્રાફ, સાક્ષી અને બ્રાહ્મણના સર્ટિફિકેટની જરૂર પડે છે, જેમાં બ્રાહ્મણનું સર્ટિફિકેટ અને સાક્ષી સરળતાથી મળી જાય છે.
ઉલ્લેખનીય છે કે વિદેશ જવાની ઘેલછામાં ઘણાં
યુવક-યુવતીઓ NRI સાથી શોધે છે. આવી રીતે મેરેજ
સર્ટિફિકેટના આધારે સ્પાઉસ વિઝા પર વિદેશ જાય છે. ત્યાર
બાદ બંને પતિ-પત્ની તરીકે સાથે રહેતાં નથી અને પોતાનું
સ્વતંત્ર જીવન ગાળે છે. અમુક સમય બાદ કાયદા સાથે રમત
કરીને મેરેજ સર્ટિફિકેટને કેન્સલ કરાવીને ત્યાં જ રહે છે.
જોકે મેરેજ સર્ટિફિકેટ કેન્સલ થયા બાદ સ્પાઉસ વિઝા પર
વિદેશમાં રહેવું ગેરકાયદે ગણાય છે, પરંતુ ત્યાં સુધીમાં એનો
ઉકેલ પણ શોધી કાઢવામાં આવે છે.