
મહેસાણા શહેર તેમજ તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટના નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં ચોરીની ઘટના સામે આવી છે. મહેસાણા શહેરના સોમનાથ રોડ પર આવેલ સોસાયટીમાં રહેતો પરિવાર અમદાવાદ લગ્નમાં ગયો એ દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 1 લાખથી વધુના મત્તાની ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો છે. મહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર આવેલા કૃષ્ણ વિલા સોસાયટીમાં આવેલા મકાન નંબર 36 માં રહેતા પરમાર દિલીપ કુમારે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 29 નવેમ્બર 2025ના રોજ તેઓ અમદાવાદ ખાતે લગ્નમાં પોતાના પરિવાર સાથે ગયા હતા.એ દરમિયાન તસ્કરોએ એમના ઘરને નિશાન બનાવી તાળા તોડી ઘરમાં ઘુસ્યા હતા. આ દરમિયાન તસ્કરોએ ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી મુક્યો હતો.ફરિયાદીના પાડોશીએ ફરિયાદીને ચોરી અંગે જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તસ્કરો ઘરમાં ડબ્બામાં મુકેલા 95 હજાર રોકડા,સોનાની ચુની કિંમત 2000,ચાંદીની વીંટી 500 રૂ. ચાંદીની પાયલ કિંમત 3000, ચાંદીનું પેન્ડલ કિંમત 1500, ચાંદીની કંઠી રૂ 3000, રસોડામાં રાખેલ કરીયાનું કિંમત 2000 મળી તસ્કરો કુલ 1 લાખ 7 હજાર 700 રૂપિયાના મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.