હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ ‘વિચિત્ર’ જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!

Spread the love

 

સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો બાદ રાજ્યના ગ્રામવિકાસ વિભાગે રખડતા શ્વાનોના આતંકને ડામવા માટે કમર કસી છે. હવેથી સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંકુલો અને હોસ્પિટલોમાં શ્વાન પ્રવેશતા અટકાવવા માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીને નોડલ ઓફિસર તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામવિકાસ કમિશનરે એક પરિપત્ર જાહેર કરી આગામી 8 સપ્તાહમાં તમામ સરકારી પરિસરોમાં બાઉન્ડ્રી વોલ અને ગેટ જેવી સુવિધાઓ ઉભી કરવાના કડક આદેશ જારી કર્યા છે.

રાજ્યભરમાં રખડતા ઢોર અને શ્વાનોની સમસ્યા ગંભીર બની રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગ્રામવિકાસ કમિશનર દ્વારા એક મહત્વપૂર્ણ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ આદેશ અન્વયે હવે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ શ્વાનોનો પ્રવેશ નિષેધ કરવા માટે વહીવટી તંત્રને સમયબદ્ધ કામગીરી સોંપવામાં આવી છે.

અધિકારીઓની જવાબદારી અને નોડલ ઓફિસરની નિમણૂક

નવા આદેશ મુજબ, ગામડાથી લઈને જિલ્લા કક્ષા સુધી ચોક્કસ અધિકારીઓને ‘નોડલ ઓફિસર’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમને આ કામગીરીની દેખરેખ રાખવાની રહેશે.

ગ્રામ્ય કક્ષાએ: તલાટી કમ મંત્રી.

તાલુકા કક્ષાએ: પશુચિકિત્સક અધિકારી.

જિલ્લા કક્ષાએ: નાયબ નિયામકશ્રી (પશુપાલન).

આ નોડલ અધિકારીઓની વિગતો અને સંપર્ક માહિતી જે-તે સરકારી સંસ્થાના મુખ્ય પ્રવેશદ્વાર પર દરેક નાગરિક વાંચી શકે તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા આ અધિકારીઓની નિમણૂક અંગેના સત્તાવાર હુકમો કરવામાં આવશે.

માળખાકીય સુવિધાઓ માટે 8 સપ્તાહની મહેતલ

જિલ્લા પંચાયત હસ્તકની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને જાહેર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રખડતા કૂતરાં ઘૂસી ન જાય તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની રહેશે. આ માટે સંસ્થાના વહીવટી વડાઓએ નોડલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આગામી 8 અઠવાડિયામાં કમ્પાઉન્ડ વોલ, વાડ અને મજબૂત ગેટ જેવી વ્યવસ્થા અનિવાર્યપણે ઊભી કરવાની રહેશે. આ ઉપરાંત, આગામી 2 સપ્તાહમાં આવી સંસ્થાઓની યાદી પણ તૈયાર કરી લેવાની તાકીદ કરવામાં આવી છે.

શ્વાન નિયંત્રણ અને ખસીકરણ પ્રક્રિયા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જવાબદારી રહેશે કે જો કોઈ પરિસરમાં રખડતા કૂતરાં મળી આવે, તો તેને તાત્કાલિક ત્યાંથી દૂર કરવામાં આવે. ‘એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ, 2023’ અંતર્ગત આવા શ્વાનોનું રસીકરણ અને નસબંધી (Sterilisation) કર્યા બાદ તેમને નિયત આશ્રયસ્થાનમાં ખસેડવાના રહેશે. અહીં ખાસ નોંધનીય બાબત એ છે કે, આવા પકડાયેલા શ્વાનોને સારવાર બાદ પુનઃ તે જ સ્થળે છોડવામાં આવશે નહીં.

સતત દેખરેખ અને રિવ્યુ મિટિંગ

આ ઝુંબેશ માત્ર કાગળ પર ન રહી જાય તે માટે મોનિટરિંગની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તાલુકા પંચાયતે દર 3 મહિને તેમના તાબા હેઠળની સંસ્થાઓનું નિરીક્ષણ કરી કૂતરાંના રહેઠાણો દૂર કરવાના રહેશે.

જિલ્લા વિકાસ અધિકારીએ એક્શન પ્લાન બનાવી દર 3 માસે રિવ્યુ મિટિંગ યોજીને કામગીરીની સમીક્ષા કરવાની રહેશે.

શહેરી વિસ્તારને અડીને આવેલી ગ્રામ પંચાયતોના નોડલ ઓફિસરોએ મહાનગરપાલિકા કે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે સંકલન સાધીને રસીકરણ અને નસબંધીની કામગીરી પૂર્ણ કરવાની રહેશે.

આરોગ્ય સુરક્ષા અને જનજાગૃતિ

માત્ર શ્વાન નિયંત્રણ જ નહીં, પરંતુ લોકોની સુરક્ષા માટે પણ વિશેષ સૂચનાઓ અપાઈ છે:

દવાઓનો જથ્થો: રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ‘એન્ટી-રેબીઝ વેક્સિન’ (ARV) અને ઇમ્યુનોગ્લોબ્યુલિનનો પર્યાપ્ત સ્ટોક 24 કલાક ઉપલબ્ધ રાખવો ફરજિયાત છે.

જાગૃતિ અભિયાન: શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રાણીઓ સાથેના વર્તન અને શ્વાન કરડવાના કિસ્સામાં પ્રાથમિક સારવાર (First-Aid) કેવી રીતે લેવી, તે અંગે જાગૃત કરવા ખાસ સત્રોનું આયોજન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *