
વડનગરના સુલીપુર ગામે પતિ સહિતના મહિલાના સાસરિયાઓએ ટ્રેક્ટર લાવવા 2 લાખ રૂ.દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જે બાદ પુત્ર સાથે પરિણીતાને ઘર માંથી બહાર તગેડી મુકવામાં આવી હતી. જેને લઈ મહિલાએ પોતાના પતિ સહિત 6 સાસરિયાઓ વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વડનગરના સુલીપુર ગામે નાનોવાસમાં રહેતી જીગીશાબેન સોમાજી ઠાકોર નામની મહિલાની ફરિયાદ મુજબ તેના લગ્નદ વર્ષ અગાઉ સુલીપુર ગામના મોટાવાસમાં રહેતા નાગેશ્વર લક્ષમણજી ઠાકોર સાથે સામાજિક રીતે થયા હતા. જ્યાં લગ્ન જીવન દમરીયાન તેમને 4 માસનો પુત્ર હતો. જોકે તેમની સાસરીમાં શરૂઆતમાં સારું રાખ્યા બાદ તેમના પતિ સહિતના લોકો દ્વારા તેમને શારીરીક અને માનસિક ત્રાસ આપી પજવણી કરવામાં આવતી હતી. તો મહિલાના સાસરિયાઓની ચઢામણીથી તેનો પતિ ટ્રેક્ટર લાવવા રૂ.2 લાખનું દહેજ માંગતો હતો. જોકે મહિલાનું પિયર ગરીબ પરિસ્થિતિમાં હોઈ દહેજ ના આપતા પતિએ તેને પોતે મૈત્રી કરાર કરી બીજી સ્ત્રીને ઘરમાં લાવવાની હોઈ તેને બહાર કાઢી મુકવા પ્રયાસ કરતો હતો. જે બાદ મહિલાને તેના સાસરિયાઓએ ચાર વર્ષના પુત્ર સાથે ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી. સમગ્ર મામલે મહિલાની ફરિયાદ આધારે વડનગર પોલીસેને ત્રાસ આપી દહેજ માંગવા મામલે તેના સસરા રાયમલ મંગાજી ઠાકોર, જેઠ વિક્રમ રાયમલજી ઠાકોર, જેઠાણી રુખીબેન વિક્રમજી ઠાકોર, કાકા સસરા હંકા ભીખાજી ઠાકોર, નંણદોઈ લાખા સવાજી ઠાકોર અને પતિ નાગેશ્વર લક્ષમણજી ઠાકોર મળી 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.