ગુજરાતની પ્રજાના ટેક્ષના રૂપિયામાંથી સગવડતા પ્રાપ્ત કરતા ઉધોગો સ્થાનિક રોજગારીને મહત્વ આપતા નથી. :૧૯૯૫ના સરકારના ૮૫% સ્થાનિક રોજગાર આપવાના ઠરાવનું ખાનગી અને સરકાર હસ્તકના ઉદ્યોગો પાસે પાલન કરાવવામા ડબલ એન્જીન સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ. :સ્થાનિક રોજગારીના સરકારી ઠરાવો તો થાય છે પરંતુ અમલવારી થતી નથી એટલે સરકારના ડર વગર આ ખાનગી અને સરકાર હસ્તકના ઉદ્યોગો આ ઠરાવોને ઘોળીને પી જાય છે. :ઠરાવનો અમલ ન કરનાર ઉદ્યોગો સામે કે સંસ્થાઓ સામે પગલા નહી લેવાને કારણે, ગુજરાતના યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે. : અમિત ચાવડા
ગાંધીનગર
વિધાનસભા ના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ આજે વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મોંઘુ શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે. સરકારી નોકરી તો નથી મળતી પણ ગુજરાતના લોકોના, પ્રજાના ટેક્ષના પૈસાથી જે ઉદ્યોગોને સગવડો અને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા. ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે ૮૫% સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકારનો ૧૯૯૫ નો ઠરાવ છે. એનો અમલ કરવાની જવાબદારી સરકારની છે, એનું બરોબર પાલન થાય એ જોવા માટે આખું તંત્ર પણ સરકાર પાસે છે પણ આજની વિધાનસભાની પ્રશ્નોતરીમાં જવાબોમાંથી જે આંકડાઓ મળ્યા છે, જે હકીકતો મળી છે એનાથી સ્પષ્ટ થાય છે કે, આ સરકારની ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગાર મળે એ માટે કોઈ ઇચ્છાશક્તિ નથી અને ઠરાવ હોવા છતાં એનો અમલ નહી કરનારા ઉદ્યોગો સામે કે સંસ્થાઓ સામે પગલા નહી લેવાને કારણે ગુજરાતના યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે. ખાનગી ઉદ્યોગો તો રોજગાર નથી આપતા પણ, ડબલ એન્જીન સરકાર છે, મોસાળમાં જમણવાર અને માં પીરસનાર છે, ગુજરાતના જ વડાપ્રધાન છે અને કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસો પણ જયારે સ્થાનિક લોકોને રોજગારી આપવાના પરિપત્રને ઘોળીને પી જતા હોય એનાથી શરમજનક બાબત ગુજરાતમાં ના હોઈ શકે.
અમદાવાદ અને મહેસાણા જીલ્લામાં છેલ્લા ૨૦૨૨-૨૩ના બે વર્ષમાં કયા-કયા એકમોએ સ્થાનિક રોજગારીના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું એ બાબતની પ્રશ્નોતરીમાં જે જવાબ મળ્યા છે, એમાં જે કેન્દ્ર સરકાર હસ્તકની સંસ્થાઓ જેવી કે, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ONGC, સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન, કોટન કોર્પોરેશન જેવી આ કેન્દ્ર સરકારની સંસ્થાઓ પણ ૮૫% સ્થાનિક રોજગારી આપવાના પરિપત્રનું પાલન નથી કરતા. એક વર્ષ પાલન ના કરે એની સામે જો સરકારે પગલા લીધા હોત તો બીજા વર્ષે ચોક્કસ પાલન કર્યું હોત પણ આ સંસ્થાઓએ ૨૦૨૨ માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર ના આપ્યો અને ૨૦૨૩ માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપ્યા. એ જ રીતે જે ખાનગી કંપનીઓ છે જેવી કે, સુઝુકી મોટર ગુજરાત પ્રા.લી., કોલ ઇન્ડિયા, કોલગેટ પાલ્મોલીવ કે ટાટા મોટર્સ હોય કે જેને આપણે કરોડો રૂપિયાની સહાય આપી છે એ હોન્ડા મોટર સાયકલ કે જીલેટ હોય, આવી જે મોટી મોટી કંપનીઓ છે જેને આપણે રસ્તા, પાણી, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખુબ મોટો ફાયદો કરાવીએ છીએ, રાહતો આપીએ છીએ તેમ છતાં આ ખાનગી કંપનીઓએ પણ સતત બે વર્ષ સુધી સ્થાનિક લોકોને રોજગાર આપ્યા નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર માત્ર પરિપત્રો કરે છે, ઠરાવો બહાર પાડે છે પણ એની અમલવારી થતી નથી. ઉદ્યોગો અને સંસ્થાઓ એને ઘોળીને પી જાય છે. યુવાનોને રોજગાર આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે, પરિપત્રના અમલ કરાવવામાં સરકાર ઉદાસીન છે એ આ જવાબો પરથી સ્પષ્ટ ફળીભૂત થાય છે.