મોદી સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) ને આદેશ આપ્યો છે કે આગામી શૈક્ષણિક સત્ર (2024-25) થી ધોરણ. 1 માં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી છ વર્ષથી વધુ હોવી જોઈએ. શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અને મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ-2009ની જોગવાઈઓ અનુસાર આ વ્યવસ્થા કરી છે. મંત્રાલયે આ સંબંધમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગને 15 ફેબ્રુઆરીએ પત્ર લખ્યો છે અને 2024-25ના સત્રથી ધોરણ 1 માં પ્રવેશ માટે આ નિયમ લાગુ કરવા જણાવ્યું છે.
આ પરિવર્તન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. છ વર્ષથી નીચેના બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ યોગ્ય રીતે પૂર્ણ થયો હોતો નથી. તેમને એક અલગ પ્રકારનું શિક્ષણ વાતાવરણ જોઈએ છે, જ્યાં રમતો અને પ્રવૃત્તિઓ તેમની જિજ્ઞાસાને ઉત્તેજીત કરી શકે અને તેમને મૂળભૂત કૌશલ્યો શીખવી શકે. ધોરણ 1 માં વહેલા પ્રવેશથી તેઓ સતત દબાણ અનુભવી શકે છે, જે તેમના શિક્ષણ અને વિકાસને અસર કરી શકે છે.
થોડા દિવસ અગાઉ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો નહીં તે અંગે કેન્દ્ર સરકારના પરિપત્રથી ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા સંચાલકો અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા. કેટલાક ટ્યુશન ક્લાસીસ સંચાલકો સરકારના આ નિર્ણયની પુન:વિચારણા કરવા માંગણી કરી હતી, સાથે સાથે આ નિર્ણય અયોગ્ય હોવાનું પણ જણાવ્યું હતું. શાળાઓમાં યોગ્ય રીતે શિક્ષણ આપવામાં આવતું નથી જેને કારણે સરકારી શાળાઓ હોય કે ખાનગી શાળાઓ હોય તેમાં શિક્ષકો યોગ્ય રીતે અભ્યાસ કરાવતા નથી. જેથી ના છૂટકે વાલીઓને ખાનગી ટ્યુશન ક્લાસીસ પર નિર્ભર રહેવું પડે છે. જેના કારણે ટ્યુશન ક્લાસીસનો વ્યવસાય વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં એક આવશ્યક ભાગ બની ગયો છે ત્યારે હવે કેન્દ્ર સરકારે 16 વર્ષથી નીચેની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસમાં પ્રવેશ આપવો નહીં તેવો નિયમ લાગુ કરતા વિદ્યાર્થીઓના ભાવિ ઉપર તેમજ ટ્યુશન ક્લાસીસ સાથે સંકળાયેલા શિક્ષકોની રોજગારી પર સીધી અસર પડશે તેમ જાણવા મળે છે.
જો બાળકોને યોગ્ય ઉંમરે શાળાનું શિક્ષણ મળે તો તેમનો માનસિક અને શારીરિક વિકાસ સુધરે છે. બાળકોને શીખવા અને સમજવા માટે વધુ સમય મળશે, જે તેમની મૂળભૂત કુશળતા અને જ્ઞાન મેળવવાના સ્તરને મજબૂત કરશે. શાળામાં પ્રવેશ માટે એક વય રાખવાથી શિક્ષણ પ્રણાલીમાં એકરૂપતા આવશે. તેનાથી બાળકો પર અભ્યાસનું દબાણ ઘટશે અને તેઓ વધુ ખુશી અને આત્મવિશ્વાસ સાથે શીખી શકશે.
જો તમારું બાળક હજુ છ વર્ષથી નાનું છે, તો ગભરાવાની જરૂર નથી. તમે તેણે કિન્ડરગાર્ટન અથવા પ્રી-સ્કૂલમાં દાખલ કરી શકો છો, જ્યાં તેઓ રમત દ્વારા અભ્યાસ અને શીખવાનો મજબૂત પાયો મેળવશે. જ્યારે તેઓ છ વર્ષના થશે, ત્યારે તેઓ કોઈપણ દબાણ વિના વર્ગ 1માં પ્રવેશ મેળવી શકશે અને વધુ સારી રીતે શીખી શકશે.