મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઇ-સંજીવની ઓપીડીનો પ્રારંભ કરાવતાં દવાખાના-હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરી ઘરેબેઠાં સારવાર માટે આ ઇ-સંજીવની ઓપીડી મહત્તમ લાભદાયી નિવડશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ ઇ-સંજીવની ઓપીડીનો ઇ લોકાર્પણ-કાર્યારંભ કરાવ્યો હતો. ભારત સરકાર દ્વારા દેશના રાજ્યોમાં આ ઇ-સંજીવની ઓપીડી કાર્યરત કરવામાં આવેલી છે તેનો આજથી ગુજરાતમાં પણ શુભારંભ થયો છે. મુખ્યમંત્રીએ આજના કોરોના સંક્રમણ કાળમાં આ ઇ-સંજીવની ઓપીડી દર્દીને સામાન્ય રોગ માટે ઘરેબેઠાં દવા-પ્રિસ્ક્રીપ્શન આપવા સાથે સરકારી દવાખાના-આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે સારવાર આપનારૂં એક સક્ષમ માધ્યમ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઘરેબેઠાં દવા-સારવાર મેળવવાની આ નવતર પદ્ધતિ કોરોના સંક્રમણ સમયમાં સમયોચિત રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે. વિજય રૂપાણીએ રાજ્યના આરોગ્ય કર્મીઓ, વહિવટીતંત્ર ર૦ર૦ના વર્ષની શરૂઆતથી જ કોરોના સામે ખડેપગે સજ્જતાથી કામ કરે છે તેની પ્રસંશા કરતા કહ્યું કે, હવે આ ઇ-સંજીવની ઓપીડીથી આફતને અવસરમાં પલટવાના આપણા સંસ્કાર વધુ ઊજાગર થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ મોબાઇલ એપમાં ટુ-વે વિડીયો કોલીંગની જે સુવિધા છે તેના પરિણામે દરદી અને તબીબ વચ્ચે સંવાદ થવાથી ઇલાજમાં વધુ અસરકારકતા આવશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ઇ-યુગમાં જેમ નાણાંકીય વ્યવહારો, નગરો-મહાનગરોના ટેક્ષ સહિતની સેવાઓ ઓનલાઇન છે તેમ હવે જન-જનના આરોગ્ય સુખાકારીની આ સેવા પણ એટ વન કલીક ઘર આંગણે મળતી થશે. નીતિન પટેલે ઉમેર્યુ કે, દૂર-દરાજના ગામોમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા પોતાના ઘરેબેઠાં જ સારવાર-નિદાન થઇ શકશે. સારવાર માટે CHC/PHC કે દવાખાને આવવું જ પડે એવી સ્થિતીમાંથી મુકિત મળશે. એટલું જ નહિ, આ એપના માધ્યમથી તબીબો યોગ્ય નિદાન કરી જરૂર જણાયે નિષ્ણાંત-તજ્જ્ઞ તબીબનો પણ અભિપ્રાય મેળવી તેની સલાહ મુજબ સારવાર કરી શકશે તેવી વ્યવસ્થા વિકસાવી છે એમ પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ફોન પર ડાયગ્નોસીસ આપતી આ સેવા આધુનિક ટેકનોલોજીના આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ અને ટેલીમેડીસીનનું એક આગવું ઉદાહરણ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. નાયબ મુખ્યમંત્રીએ ભવિષ્યમાં આ સેવાનો વ્યાપ મેડીકલ કોલેજીસ સુધી વિસ્તારીને યુવા તબીબોને પણ તેમાં જોડવાની મનસા વ્યકત કરી હતી. આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવિ અને વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગરથી તેમજ જિલ્લા કલેકટરો-વિકાસ અધિકારીઓ સંબંધિત જિલ્લાઓમાંથી જોડાયા હતા.